કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ‘હિન્દી દિવસ’ નિમિત્તે પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત વિવિધ ભાષાઓનો દેશ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીની ભાષાઓની વિવિધતાને એક સૂત્રમાં વણી લેવાનું નામ ‘હિન્દી’ છે.
ભારત એક એવો દેશ છે જ્યાં ભાષાઓ અને સંસ્કૃતિઓનો અજોડ સંગમ જોવા મળે છે. હિન્દીને લોકતાંત્રિક ભાષાનો દરજ્જો પણ મળી ચુક્યો છે. એ કહેવાની જરૂર નથી કે લોકોની ભાષા હિન્દીએ પૂર્વથી લઈને પશ્ચિમ અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી સમગ્ર દેશમાં આઝાદીની ચળવળ દરમિયાન લોકોને એક કરવાનું કામ કર્યું. આઝાદી પછી હિન્દીની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને જોઈને બંધારણના ઘડવૈયાઓએ 14 સપ્ટેમ્બર, 1949ના રોજ હિન્દીને રાજભાષા તરીકે સ્વીકાર કરી હતી.
મોદીજીની દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિચારસરણી અને શાહના માર્ગદર્શન હેઠળ આજે તમામ ભારતીય ભાષાઓના માધ્યમથી ગરીબો તરફી યોજનાઓ અમલમાં મૂકીને ગરીબો અને વંચિતોના કલ્યાણનું કામ કરવામાં આવી રહ્યું છે. દેશમાં રાજભાષામાં થયેલા કામની સમયાંતરે સમીક્ષા માટે સંસદીય રાજભાષા સમિતિની રચના કરવામાં આવી હતી જેથી સરકારી કામકાજમાં હિન્દીના પ્રયોગમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી શકાય. 2014 સુધી, આ અહેવાલના માત્ર 9 ખંડ જ સોંપવામાં આવ્યા હતા, પરંતુ શાહના કુશળ સંચાલન હેઠળ, માત્ર 4 વર્ષમાં 3 ખંડ પ્રસ્તુત કરવામાં આવી ચુક્યા છે. 2019 થી, તમામ 59 મંત્રાલયોમાં હિન્દી સલાહકાર સમિતિઓની રચના થઈ ચુકી છે.
આજે, દેશના વિવિધ વિસ્તારોમાં રાજભાષાના પ્રયોગને વધારવાના હેતુથી, અત્યાર સુધી કુલ 528 નગર રાજભાષા અમલીકરણ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. લંડન, સિંગાપોર, ફિજી, દુબઈ અને પોર્ટ-લુઈસમાં પણ નગર રાજભાષા અમલીકરણ સમિતિઓની રચના કરવામાં આવી છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દી ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પણ પહેલ કરી છે. રાજભાષાને તકનીક અનુસાર વિકસાવવા માટે, સ્મૃતિ આધારિત અનુવાદ પ્રણાલી ‘કંઠસ્થ’નું નિર્માણ અને ‘હિન્દી શબ્દ સિંધુ’ શબ્દકોશ બનાવવામાં આવ્યો છે. કુલ 90 હજાર શબ્દોની એક ‘ઈ-મહાશબ્દકોશ’ મોબાઈલ એપ અને લગભગ 9 હજાર વાક્યોનો ‘ઈ-સરલ’ વાક્યકોષ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
‘નિજ ભાષા ઉન્નતિ અહૈ, સબ ઉન્નતિ કો મૂલ. બિન નિજ ભાષા-જ્ઞાન કે, મિટત ન હિય કો સૂલ’ નું ઉદાહરણ આપતા શાહે સ્પષ્ટતા કરી કે, ‘પોતાની ભાષાની પ્રગતિ એ તમામ પ્રકારની પ્રગતિનું મૂળ છે. તમામ ભારતીય ભાષાઓ અને બોલીઓ દેશનો સાંસ્કૃતિક વારસો છે. હિન્દીની કોઈ ભારતીય ભાષા સાથે ક્યારેય કોઈ સ્પર્ધા ન હતી અને ન ક્યારેય થઈ શકે છે. સશક્ત ભારતના નિર્માણ માટે તમામ ભાષાઓને સશક્ત કરવાની જરૂર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારતીય ભાષાઓને દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના મંચો પર યોગ્ય સન્માન મળી રહ્યું છે.