અભિનેતા વિક્રાંત મેસીની ફિલ્મ ’12th Fail’ એ અત્યાર સુધી સિનેમાઘરોમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મને રિલીઝ થયાને 21 દિવસ થઈ ગયા છે અને તે હજુ પણ સિનેમાઘરોમાં યથાવત છે. ‘ટાઈગર 3’ પહેલા રિલીઝ થયેલી હોલીવૂડ ફિલ્મ ‘ધ માર્વેલ્સ’ પણ હાલમાં સિનેમાઘરોમાં છે. જો કે, માર્વેલની ફિલ્મો ઘણીવાર થિયેટરોમાં હલચલ મચાવે છે, ત્યારે આ ફિલ્મ તહેવારોની સિઝનમાં સારું પ્રદર્શન કરી શકી નથી.
જણાવી દઈએ કે, જ્યાં એક તરફ યશ રાજ ફિલ્મ્સની બિગ બજેટ ફિલ્મ ‘ટાઈગર 3′ હાલમાં સિનેમાઘરોમાં કમાણી મામલે ધીમી ગતિએ જોવા મળી રહી છે, તો બીજી તરફ પહેલાથી રિલીઝ થયેલી અને વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત ફિલ્મ ’12th Fail’ માત્ર 20 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ છે. આ ફિલ્મે ધીમે ધીમે પરંતુ ચોક્કસપણે થિયેટરમાં તેની પકડ જાળવી રાખી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ’12th Fail’ એ ગુરુવારે 95 લાખ રૂપિયાની કમાણી કરી અને 21 દિવસમાં અત્યાર સુધી 36.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
ખૂબ જ પ્રેરણાદાયી છે વાર્તા
તમને જણાવી દઈએ કે આ ફિલ્મની વાર્તા ધો. 12 નાપાસ થયેલા એક છોકરાની વાર્તા છે જે પછીથી IPS ઓફિસર બની જાય છે. આ વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી છે, જેમાં 12મા ધોરણની પરીક્ષામાં નાપાસ થયા બાદ છોકરો અજીબોગરીબ નોકરી કરે છે, દરરોજ રાત્રે માત્ર ત્રણ કલાક ઊંઘે છે અને પછી UPSC પરીક્ષા પાસ કરવા માટે, હાર્યા વિના ચાર વખત પોતાની જાતને ફરીથી શોધે છે. આ ફિલ્મની વાર્તા લોકોને ખૂબ પસંદ આવી રહી છે. ’12th Fail’ના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો તેણે 21 દિવસમાં કુલ 45.40 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન 43.13 કરોડ રૂપિયાની આસપાસ છે.