કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશની નરસિંહપુર વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવારના કાફલાને અકસ્માત નડ્યો છે. અહેવાલ મુજબ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ તેમના વાહનોના કાફલા સાથે છિંદવાડા જિલ્લામાંથી નરસિંહપુર જઈ રહ્યા હતા. ત્યારે તેમના કાફલામાં સામેલ એક કારને છિંદવાડા જિલ્લાના અમરવાડા વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો.
શિક્ષકનું મૃત્યુ
મીડિયા અહેવાલ અનુસાર, આ માર્ગ અકસ્માતમાં મોટરસાઇકલ સવાર એક શિક્ષકનું મોત નીપજ્યું હોવાની માહિતી છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોને છિંદવાડાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલનો પણ આબાદ બચાવ થયો છે. તેમને સામાન્ય ઈજાઓ થઈ છે. ઘટના સ્થળે ટોળાએ કેન્દ્રીય મંત્રી પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
ઘણા લોકો ઘાયલ થયા
મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં બાઇકસવાર નિરંજન ચંદ્રવંશીનું મોત નીપજ્યું હતું. ભુલા મોહગાંવના રહેવાસી નિરંજન ચંદ્રવંશી ઉચ્ચ માધ્યમિક શિક્ષક છે. તેમની પત્ની ગૃહિણી હોવાનું કહેવાય છે. અકસ્માતમાં નિખિલ નિરંજન (7 વર્ષ), સંસ્કાર નિરંજન (10 વર્ષ) અને જતીન બસંત ચંદ્રવંશી (17 વર્ષ) ઘાયલ થયા હતા. આ ગંભીર માર્ગ અકસ્માતમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલના APS આદિત્ય પણ ઘાયલ થયા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ છિંદવાડાથી નરસિંહપુર પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત છિંદવાડા જિલ્લાના અમરવાડામાં સિંગોડી બાયપાસ પાસે થયો હતો. મૃતકો રોંગસાઇડથી બાઇક પર બાળકો સાથે શાળાએથી ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં પ્રહલાદ પટેલનું વાહન પણ રોડ પરથી ઉતરી ખેતરમાં ગયું હતું. કારની એરબેગ ખુલી જતાં પ્રહલાદ પટેલનો આબાદ બચાવ થયો હતો. કારમાં મુસાફરી કરી રહેલા અન્ય લોકોને કોઈ મોટી ઈજા થઈ નથી. ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.