કોંગ્રેસના નેતા અનુમુલા રેવન્ત રેડ્ડી આજે તેલંગાણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આજે તેલંગણામાં નવા મુખ્યમંત્રી તરીકે રેવન્ત રેડ્ડી લેશે શપથ લેશે. હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરાજન બપોરે 1.04 વાગ્યે 56 વર્ષીય નેતા રેવંત રેડ્ડીને શપથ લેવડાવશે.
કેસીઆરની પાર્ટી બીઆરએસને તાજેતરમાં પૂર્ણ થયેલી તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે રેવંત રેડ્ડીના નેતૃત્વમાં કોંગ્રેસે 64 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે અને રાજ્યમાં પ્રથમ વખત કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ રેવન્ત રેડ્ડીએ લોકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે 7 ડિસેમ્બરે ‘લોકોની સરકાર’ સત્તા સંભાળશે અને રાજ્યના લોકોને લોકતાંત્રિક અને પારદર્શક શાસન આપશે.
2014માં આંધ્રપ્રદેશથી અલગ તેલંગાણાની રચના થયા બાદ રેવંત રેડ્ડી રાજ્યના બીજા મુખ્યમંત્રી હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય અને ગત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લુ ભટ્ટી વિક્રમ અરકા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવન્ત રેડ્ડીના શપથ સમારોહમાં વિપક્ષી એકતા માટે મંચ બનાવવાનો પ્રયાસ કરી રહી છે, આ રણનીતિના ભાગરૂપે કોંગ્રેસે વિપક્ષી ગઠબંધનના તમામ બિનકોંગ્રેસી મુખ્યમંત્રીઓને પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. તાજેતરમાં, વિપક્ષી ગઠબંધનના ઘણા નેતાઓએ આવા નિવેદનો આપ્યા હતા જેમાં કોંગ્રેસની ટીકા કરવામાં આવી હતી. હવે રેવંત રેડ્ડીના શપથ ગ્રહણ સમારોહ માટે વિપક્ષી ગઠબંધનના નેતાઓને બોલાવવાને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
ખાસ કરીને તાજેતરમાં જ પરીણામો જાહેર થયા બાદ ચાર રાજ્યોમાંથી એકમાં કોંગ્રેસને સફળતા મળી છે જ્યારે બાકીના ત્રણ રાજ્યોમાં ભાજપ દ્વારા ટૂંક સમયમાં નવા મુખ્યમંત્રીઓની જાહેરાત કરવામાં આવશે ત્યારે કોંગ્રેસ દ્વારા બહું પહેલાથી જ નામ નિશ્ચિત હતું.