NavBharat
Spiritual

આ થયું,આ બાકી છે-બધું છોડો,પળમાં જીવો!

સાધુની પાસે બધું જ મુકો પણ દુષ્ટ તર્ક નહીં મુકતા.
બે ટીપાં દુષ્ટ તર્કથી બધી જ યાત્રા બેકાર થઈ જશે.
સત્સંગ ફલિત કેમ નથી થતો? દુષ્ટતર્ક ફળનો હત્યારો હોય છે.
સહન કરવું,ધીરજ ધારણ કરવી બધાનો સ્વીકાર કરવો એ ગુરુનું પૃથ્વી તત્વ છે.
રામકથાના ત્રીજા દિવસે બાપુએ કહ્યું કે મહામુનિ વિનોબાજીના પવનાર-વર્ધા આશ્રમમાં ક્યારેક-ક્યારેક હું જતો હોઉં છું.મારું ગંગાજળનું વ્રત હોવાથી રસોઈ અલગ બને પણ એ સાધકોના રસોડામાં પણ હું જમેલો છું અને ત્યાં રસોડામાં વિનોબાજીના ચાર સૂત્ર લખેલા છે ત્યાંથી આજના સત્સંગની શરૂઆત કરીએ.આની પાછળ મારો સંકેત પણ છે.
એક સૂત્ર ઉપનિષદમાંથી લીધેલું લખ્યું છે:કાલજારણં-અહમેવકાલં-હું જ કાળ છું. કાલસ્યકાલં. એવું નથી લખ્યું કે હું કાળનો ચાકર, ગુલામ.હું સ્વયં કાળ છું.મહાકાલના મંદિર ઉજ્જૈનમાં જઈએ ત્યાં લખેલું છે:મહાકાલ કાલં કરાલં- મહાકાળનો પણ કાલ- શંકરાચાર્યજીએ લખેલું છે.વિનોબાજીએ સૂત્ર બનાવ્યું:કાલજારણમ એટલે કે કાળને નિરંતર વર્તમાન સમજી એમાં પ્રવૃત્ત રહીએ.ધન્ય આજની ઘડી રળિયામણી.કારણ કે વાલોજી ઘડીમાં જ આવે છે.ઈશ્વરની જેમ જીવ પણ અવિનાશી છે,ચૈતન્ય,નિર્મળ છે,સહજ છે,સુખ રાશિ છે પણ આપણે ભૂલી ગયા છીએ.કોઈએ મને પૂછ્યું કે ભગવાન સાથે તમારી વાતો થાય છે? મેં કહ્યું કે તમારી સાથે વાતો કરું છું મારી દ્રષ્ટિમાં આપ બધા ભગવાન છો તો હું શું કામ બીજે શોધવા નીકળું!પણ તમે ભૂલી ગયા છો! સંજોગ યુગોમાં નથી આવતો,સંજોગ વરસો,દિવસો કે કલાકોમાં પણ નહીં મિનિટોમાં પણ નહીં;ઘડીમાં આવે છે.એને જે પકડી લે છે એ બધું જ મેળવી લે છે.સંજોગ વિચારને પણ ઇજાજત આપતો નથી.શિવકથામાં સતી યજ્ઞમાં ભસ્મ થયા પછી શિવ જ્યારે જ્યારે સમય મળે સત્સંગ ધ્યાન અને સમાધિમાં પ્રવૃત્ત રહે છે.કરાલમ મહાકાલ કાલં કૃપાલં- કાળ ઉદાર છે. આજની ક્ષણને,પળને જવા ન દો.કથા સમજમાં ન આવે તો પણ બેઠા રહો.જેમ સંગીતની મહેફિલમાં લય,સુર,તાલ,મંદ,તીવ્ર,ગમક,આરોહ-અવરોહ.. ઘણું જ હોય છે કોઈ બાળક સાંભળે છે ત્યારે આ ખબર નથી પણ સ્વરરૂપી ઈશ્વર એને પકડે છે.જેણે જાણ્યું છે એને કંઈ જાણ્યું નથી પણ હિંમતથી કોઈ કહે કે મેં નથી જાણ્યું એણે બધું જ જાણી લીધેલું છે જેને હું જાણતો નથી એને કેમ ઈશ્વર કહું અને જે મારી જાણકારીમાં આવી જાય એ ઈશ્વર કેવો!!
આપણે ખીર બનાવીએ,વિરહની ભઠ્ઠી ઉપર એને ઉકાળીએ,ગીરની ગાયનું દૂધ હોય,મધુરતાની મિશ્રી-ખાંડ,ક્ષણની એલચી,ખૂબ જ સ્વાદિષ્ટ જાયફળ,શક્તિવર્ધક કેસર બધું જ નાખ્યા પછી એક લીંબુ નાખીએ તો? ખીર બગડી જશે.સાધુની પાસે બધું જ મુકો પણ દુષ્ટ તર્ક નહીં મુકતા.બે ટીપાં દુષ્ટ તર્કથી બધી જ યાત્રા બેકાર થઈ જશે. સત્સંગ ફલિત કેમ નથી થતો દુષ્ટતર્ક ફળનો હત્યારો હોય છે તર્કની મનાઈ નથી,દુષ્ટતર્કની મનાઈ છે. નાનકડો દુષ્ટ તર્ક એક ક્ષણનો નાશ કરી નાખે છે.
રામકથાને કાલિકા કરાલા કહ્યું છે.બાપુએ સ્વયં પોતાની રીતે જ બનાવેલી રચનામાં:
મા કૈલાશ ગઢથી ઉતર્યા કથા કાલી રે,
માં આવ્યા નીલગીરી ઘાટ કથા કાલી રે,
માં ઉતર્યા તરવેણી તીર કથા કાલી રે,
માં આવ્યા તુલસી તીર્થ કથા કાલી રે,
માં આવ્યા ત્રિભુવન ઘાટ કથા કાલી રે,
એણે વસાવ્યું ચિત્રકૂટ ધામ કથા કાલી રે..
આ ગાઇને કહ્યું કે આ થઈ ગયું અને આ રહી ગયું એ બધું છોડો! પળમાં જીવી લ્યો! કારણકે ઈલાજ સસ્તો છે પણ એની પરહેજ મોંઘી છે,સાવધાની ખૂબ જ મોંઘી છે.
તો વિનોબાજીનું પહેલું સૂત્ર કાલજારણમ પછી બીજું સૂત્ર પવનાર આશ્રમમાં લખ્યું છે:સ્નેહ સાધનમ- સ્નેહને સાધો. દુશ્મન હોય તો પણ સ્નેહ કરો.કારણ કે તમે ભજન કરો છો તો સ્નેહ કરો.વિનોબાજી કહે છે સ્નેહ સાધનમ મેં જીસસ પાસેથી શીખ્યું છે. જિસસ કહે છે:લવ ધાય નેબર,એઝ ધાય સેલ્ફ. પોતાના પડોશીને પણ પ્રેમ કરો.એકબીજા સાથે પ્રીત કરો.આ યાજ્ઞવલ્ક્ય પીઠ તરફ જતું સૂત્ર છે.ત્રીજું સૂત્ર:કટુકવર્જનમ-કબીરની પંક્તિ છે-કટુ વચન મત બોલ અને આ સૂત્ર નીલગીરી પર્વત પર જઈ રહ્યું છે કારણ કે કાગડો કર્કશ હોય છે પરંતુ આ ગાદી અમને કટુતા છોડવાનું શીખવાડે છે.ચોથું સૂત્ર ગુણનિવેદનમ: આપણા સારા અને ખરાબ ગુણ પોતાના શ્રદ્ધાના સ્થાનમાં નિવેદિત કરો.તુલસી લખે છે કે:કપટી,કાયર,કુમતી કુજાતી અલોક બેદવબાહરિ સબ ભાતિ- પરંતુ રામ પોતાના બનાવી લે તો એને ત્રિભુવનભૂષણ બનાવી દે છે. ગુણનિવેદના સૂત્ર માધવદેવ પાસેથી મેળવ્યું એવું વિનોબાજી કહે છે માધવદેવે ચાર શ્રેણી બનાવેલી:અધમ,મધ્યમ,ઉત્તમ અને ઉત્તમાત્તમ પરંતુ મારે મારો કૂર્તો પહેરવો છે આથી હું કહું છું પાંચમું સૂત્ર:ત્યાગતર્પણમ- ત્યાગ જેવું કંઈ નથી.અમૃત ત્યાગથી જ મળે છે.તર્પણનો મતલબ છે પ્રેમ.તુલસીજી વિનયપત્રિકામાં લખે છે: પ્રેમ બારિ તર્પણ ભલો,ધૃત સહજ સનેહ
સંશય સમિધ અગિની છમા મમતા બલિ દેહ.
ગુરુ અને બુદ્ધપુરુષમાં આપણા જેવા પંચતત્ત્વનું શરીર નહીં,ચિદાનંદરૂપ છે. પણ ગુરુનું વાયુતત્વ શું છે?મંદ,શીતળ,પવિત્રતા વાયુના ગુણ છે એ ગુરુનું વાયુ તત્વ છે.સહન કરવું,ધીરજ ધારણ કરવી બધાનો સ્વીકાર કરવો એ ગુરુનું પૃથ્વી તત્વ છે. આંખના આંસુ,પરિશ્રમનો પરસેવો બુદ્ધપુરુષનું જલતત્વ છે.તપ એ બુદ્ધ પુરુષનું તેજ તત્વ છે અને બાળકની સમાન નિર્દંભ,બેપરદા,નિર્દોષપણુ એ ગુરુવર્યમનું આકાશ તત્વ છે.

Related posts

વિશ્વવિખ્યાત કેમ્બ્રિજના પ્રાંગણમાં ગુંજી માનસની ચોપાઈઓ.

Navbharat

વર્ષ 2024માં ચાર ગ્રહણ જોવા મળશે, બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે, એક ક્લિક પર જાણો તારીખ અને સમય 

Navbharat

આ દિવસે ઊજવાશે દેવઉઠી એકાદશી, ભગવાન વિષ્ણુની ભક્તિનું મહત્ત્વ, જાણો પૂજા પદ્ધતિ અને શુભ સમય વિશે

Navbharat