ભારતીય શેર બજારના હકારાત્મક વલણ અને ચાલી રહેલી તેજી અને સારા વળતરને પગલે દેશમાં છેલ્લા અમુક સમયથી ડીમેટ ખાતાઓની સંખ્યા સતત વધી રહી છે. ઓક્ટોબર સુધી દેશમાં 13.22 કરોડથી વધુ ડીમેટ ખાતા હતા. આ આંકડો છેલ્લા 11 મહિનામાં સૌથી વધુ છે. તેમાંથી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (સીડીએસએલ)માં લગભગ 9.85 કરોડ ખાતા અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી (એનએસડીએલ)માં 3.38 કરોડથી વધુ ખાતા છે. એક વર્ષ અગાઉની સરખામણીમાં ડીમેટ ખાતામાં લગભગ 2.79 કરોડનો વધારો નોંધાયો છે.
મિડકેપ અને સ્મોલકેપમાં વધુ સારું વળતર
બજારના જાણકારોના મતે, માર્ચ મહિનાથી બજારમાં ઘણી વૃદ્ધિ જોવા મળી છે. અત્યાર સુધી મિડકેપ શેરોએ સારું વળતર આપ્યું છે. આ વર્ષે વધુ ફેરફારો જોવા મળશે કારણ કે મિડકેપ અને સ્મોલકેપ વધુ સારું વળતર આપી રહ્યા છે. મોટાભાગના રોકાણકારો આ શેરોમાં નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. માર્ચથી અત્યાર સુધીમાં સેન્સેક્સમાં 9.34 ટકા અને નિફ્ટીમાં 11.24 ટકાનો વધારો થયો છે.
ડીમેટ ખાતા હવે વધતા રહેશે એવા અનુમાન
ભવિષ્યમાં પણ ગત વર્ષની સરખામણીમાં વૃદ્ધિની ગતિ જળવાઈ રહેશે એવા અનુમાન છે. રોકાણકારોની સંખ્યા હજુ ઘણી ઓછી છે. ડીમેટ ખાતામાં વધારાનો સીધો અર્થ એ છે કે શેરબજાર સારું પ્રદર્શન કરી રહ્યું છે.
માર્ચ મહિનાથી શેરબજારમાં તેજી
માર્ચથી રોકાણકારોને સારો નફો થયો છે, જેની અસર ડીમેટ ખાતાઓ પર પણ જોવા મળી રહી છે. અગાઉ પણ માર્કેટમાં આવેલી તેજીએ ડીમેટ ખાતા તરફ લોકોનો ઝોક વધાર્યો છે.