NavBharat
Sport

રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળી ૫૭ મેડલ જીતીને દાહોદના બાળકોએ ગુજરાતનું નામ રોશન કર્યું

ગુજરાતમાં રમત-ગમત ક્ષેત્રે દાહોદ જિલ્લાનું યોગદાન સૌથી વધુ અને મહત્વપૂર્ણ છે. આદિવાસી વિસ્તાર દાહોદના ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોમાં રહેલી ખેલ ક્ષમતાને વધુ ઉજાગર કરવા તેમજ તેમને ભણતર સાથે રમત-ગમતની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા દાહોદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ‘હાઈ પરફોર્મન્સ સેન્ટર‘ બનાવવામાં આવ્યું છે, તેમ રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.

તેમણે વધુ માહિતી આપતા ઉમેર્યું હતું કે, દાહોદ જિલ્લાની ૯ શાળાઓને ઈન સ્કુલ યોજના સાથે જોડવામાં આવી છે. જેમાં અભ્યાસ કરતા ૪૭૩૯ વિદ્યાર્થીઓને ભણતર સાથે રમત ગમતની તાલીમ આપવામાં આવે છે. આ બાળકોનો ભણતર અને રમતગમતનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર કરે છે. આ ઉપરાંત દાહોદમાં આવેલી ૬ ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં આશરે ૨૬૦ જેટલા પ્રતિભાવાન વિદ્યાર્થીઓ રમતની તાલીમ સાથે ભણતર મેળવી રહ્યા છે. આમ, દાહોદના કુલ ૫૧૦૦થી વધુ બાળકોને રાજ્ય સરકાર વિવિધ રમતોમાં તાલીમ સાથે ભણતર આપી રહી છે.

મંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના પ્રતિભાવાન બાળકોએ રાજ્ય કક્ષાએ ૫૫ ગોલ્ડ, ૩૩ સિલ્વર અને ૩૯ બ્રોન્ઝ મેડલ મળી કુલ ૧૨૭ મેડલ જીત્યા છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ પણ દાહોદના બાળકોએ ગુજરાત માટે ૧૮ ગોલ્ડ, ૧૫ સિલ્વર અને ૨૪ બ્રોન્ઝ મળી કુલ ૫૭ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આટલું જ નહીં, દાહોદના બાળકોએ વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ દેશ માટે જીત્યા છે.

ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે ખૂબ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. રમતગમત ક્ષેત્રે આદિવાસી બાળકોમાં રહેલી ક્ષમતાને બહાર લાવવા આગામી સમયમાં રાજ્ય સરકાર તાલુકા કક્ષાએ પણ ઉત્તમ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પ્રતિબદ્ધ છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

Related posts

‘ટાઇમ આઉટ’ વિવાદ બાદ બાંગ્લાદેશી ઓલરાઉન્ડર શાકિબ અલ હસન વર્લ્ડ કપ-2023માંથી થયો બહાર, જાણો સાચું કારણ!

Navbharat

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની સત્તાવાર બેવરેજ ભાગીદાર Thums Up, હવે પછીની કેમ્પેન “થમ્સ અપ ઉઠા, ઇન્ડિયા ઇન્ડિયા મચા” રજૂ કરે છે

Navbharat

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે T20નો મુકાબલો, અગાઉ વરસાદના કારણે રદ થઈ હતી મેચ

Navbharat