ગુરુવારે મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા હતા. મલયાલમ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા કલાભવન હનીફનું અવસાન થયું હતું. તેઓ 63 વર્ષના હતા પરંતુ, ઘણા સમયથી બીમાર હતા. જેના કારણે તેમને કોચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક અઠવાડિયા સુધી દાખલ રહ્યા બાદ તેમણે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કલાભવન શ્વાંસ સંબંધી બીમારીથી પીડિત હતા, જેના કારણે તેમને એક સપ્તાહ પહેલા એર્નાકુલમની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે એક અઠવાડિયા સુધી રોગ સામે લડ્યા અને પછી જીવનની લડાઈ હારી ગયા હતા.
150થી વધુ ફિલ્મોમાં કર્યું કામ
કલાભવન હનીફ એ અભિનેતાઓમાંના એક હતા, જેમણે તેમની કારકિર્દીમાં 150થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે મલયાલમ સિનેમામાં ઘણું નામ કમાવ્યું. હનીફ જુડ એન્થોની જોસેફની 2018: એવરીવન ઈઝ એ હીરોનો પણ એક ભાગ રહ્યા હતા, જે ફિલ્મને આ વર્ષે ઓસ્કારમાં ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી પણ રહી હતી. તેમણે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે, પાંડીપાડા, દ્રષ્ટિમ, ઉસ્તાદ હોટેલ, છોટા મુંબઈ, 2018 આ યાદીમાં સામેલ છે. જો કે, એવું કહેવાય છે કે તે ક્યારેય મુખ્ય લીડ રોલ ન મળવાથી દુખી રહેતા હતા. તેઓ કોમેડિયન તરીકે વધુ જાણીતા હતા અને આ માટે તેમને ઘણી પ્રશંસા મળી હતી. કલાભવન હનીફના અંતિમ સંસ્કાર શુક્રવારે મટ્ટનચેરીમાં કરવામાં આવશે. તેમના નિધન પર મલયાલમ સિનેમાના તેમના સાથી કલાકારોએ શોક વ્યક્ત કર્યો હતો, જેમણે તેમની સાથે અમુક સમયે સ્ક્રીન શેર કરી હતી.