NavBharat
Gujarat

વર્ષ ૨૦૧૦ની સરખામણીમાં એઇડ્સ સંબંધિત મૃત્યુમાં વર્ષ ૨૦૨૧માં રાજયમાં ૬૦%નો ઘટાડો જોવા મળ્યો છે: મંત્રી બચુભાઈ ખાબડ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે 1લી ડિસેમ્બરે વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે રાજ્યસ્તરીય એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં એચ.આઇ.વી./એઇડ્સના નિવારણ, સારવાર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓ અને આરોગ્ય કેન્દ્રોને મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, દર વર્ષે ૧લી ડિસેમ્બરના રોજ ‘વિશ્વ એઇડસ દિવસ’ અલગ અલગ થીમને આધારે મનાવાય છે. આ વર્ષે સામાજિક આગેવાની થકી એઇડ્સ નાબૂદીનું અભિયાન ઉપાડવામાં આવ્યું છે. એટલે કે દરેક સમાજ, દરેક વર્ગ સામાજિક જવાબદારી થકી એઇડ્સ નાબૂદી માટે નેતૃત્વ લે અને એઇડ્સ રોગમુક્ત વિશ્વમાં ભાગીદાર બને, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે સૌએ કોરોનાનો અનુભવ કર્યો છે. તેનું વિકરાળ સ્વરૂપ પણ જોયું છે ૮૦થી ૯૦ના દાયકાની અંદર એઇડ્સ નામની નવી બીમારીએ દુનિયાના મોટા ભાગના દેશોમાં પગપેસારો કર્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એઇડ્સ માટે કારણભૂત એચ.આઇ.વી. વાયરસના કારણે માણસની રોગપ્રતિકારક શકિત નબળી પડે છે અને તેને કારણે વ્યકિત ઘણા રોગોનો શિકાર થાય છે અને તેને પોતાની મહામૂલી જિંદગીનો ભોગ આપવો પડે છે. લોકોને એચ.આઈ.વી./ એઈડ્સ વિશે સાચી અને સંપૂર્ણ જાણકારી અને માહિતી મળે, તેના વિશેની ગેર-માન્યતાઓ દૂર થાય, જેથી એચ.આઈ.વી.ગ્રસ્ત વ્યક્તિઓ પ્રત્યે ધૃણા તથા ભેદભાવ દૂર થાય અને તેમના હક તથા સન્માનની જાળવણી થાય તે હેતુથી ૧લી ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ એઈડ્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એઇડ્સ નાબૂદી તરફ લઇ જવા માટે સરકારના પ્રયાસોની વાત કરીએ તો, ભારત સરકારના નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા સમ્રગ ભારતમાં નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામની અમલવારી થઇ રહી છે.

ગુજરાતમાં રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા આ કાર્યક્રમનું અમલીકરણ થઇ રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌપ્રથમ વખત એચ.આઇ.વી.નો કિસ્સો વર્ષ ૧૯૮૬માં પ્રકાશમાં આવ્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં એચ.આઇ.વી.નું વધારે પ્રમાણ ધરાવતા રાજ્યો તથા સમગ્ર ભારતની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં એચ.આઇ.વી.ના પ્રસારનું પ્રમાણ સ્થિર રહેવા પામેલ છે અને એટલું જ નહિ પરંતુ તેમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ સંસ્થા, નવી દિલ્હીના સર્વે અનુસાર ગુજરાતમાં પ્રત્યેક એકલાખ વસ્તીમાં એચ.આઇ.વી લોકોની સંખ્યા વર્ષ ૨૦૧૭ની સરખામણીમાં ૭થી ઘટીને વર્ષ ૨૦૨૧માં ૪ થઈ ગઈ છે, તેમ તેમણે ઉમેર્યું હતું

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સસ્ટેઇનેબલ ડેવલોપમેન્ટ ગોલ એટલે SDG અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં એચ.આઇ.વી./એઇડસ ને નાબૂદ કરવાનો છે. વર્ષ ૨૦૧૦ની સરખામણીમાં એઇડ્સ સંબંધિત મૃત્યુમાં વર્ષ ૨૦૨૧માં રાજયમાં ૬૦%નો ઘટાડો જોવા મળ્યો છે. સરકાર દ્વારા વધુ પ્રયાસોના ભાગરૂપે, છેક છેવાડાના માનવીને એચ.આઇ.વી./એઇડ્સ વિષયક જનજાગૃતિથી વિવિધ સંદેશાઓ દ્વારા સરળતાથી પહોચાડી શકાય તે માટે જુદા જુદા કાર્યક્રમો દ્વારા તેમજ ટી.વી તથા રેડિયો દ્વારા એચ.આઇ.વી.ની માહિતીનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જે ખૂબ જ ગૌરવની બાબત છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ ગુજરાતની વાત કરતા જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં એચ.આઇ.વી.ના પ્રસારણને રોકવામાં મહદ્દઅંશે આપણે સફળ રહ્યા છીએ. રાજ્યમાં એચ.આઇ.વી.ગ્રસ્ત લોકો માટે વિવિધ સરકારી યોજના અમલમાં મૂકીને આર્થિક સપોર્ટ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એચ.આઇ.વી. સંક્રમિત વ્યક્તિ સાથે કોઇ પણ સામાજિક વ્યવહાર કે સંપર્ક દ્વારા એચ.આઇ.વી.નો ચેપ લાગતો નથી. આથી આપણે સૌ એચ.આઇ.વી. સંક્રમિત વ્યક્તિઓને પ્રેમ, હૂંફ અને સમર્થન આપીએ. તેમને પણ આપણા સૌની માફક જીવવાનો અને કામ કરવાનો અધિકાર છે, તેમ તેમણે ઉમેર્યું.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, એચ.આઈ.વી./ એઈડ્સનો અટકાવ એ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી, આપણા સૌની સહિયારી જવાબદારી છે. હું આ માધ્યમ દ્વારા આપ સૌને અપીલ કરવા માગું છું કે આપણે સૌ ભેગા મળીને જન-જાગૃતિ ઊભી કરીને એક એવા સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ, કે જેથી એચ.આઇ.વી.નું અસ્તિત્વ ‘શૂન્ય’ થઇ જાય.

આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી , એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. રાજેશ ગોપાલ, ગુજરાત રાજ્ય કંટ્રોલ પ્રોગ્રામ, સેન્ટર ઓફ એક્સલેન્સ ડાયરેક્ટર ડો. કમલેશ ઉપાધ્યાય, ડો. કેતુલ અમીન જોઈન ડાયરેક્ટર ઓફ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ, એવોર્ડથી સન્માનિત કરાયેલ મહાનુભાવો અને તેમના પરિવારજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પ્રાકૃતિક પેદાશોના માર્કેટિંગમાં સહકાર આપવા સહકારી ક્ષેત્રના આગેવાનોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અપીલ

Navbharat

શ્રીમતી સુનીતા અગ્રવાલજીએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા

Navbharat

ગુજરાત રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ મહિને શરૂઆતના દિવસોમાં જ સાતમ-આઠમના તહેવારો હોવાથી રજાઓના દિવસે પણ જાહેર વિતરણ વ્યવસ્થા રેશનની દુકાનો પરથી ચાલુ રખાઈ

Navbharat