NavBharat
Sport

ભારત સામે 243 રને હાર્યા બાદ સાઉથ આફ્રિકાના કોચે કહ્યું કે, અમારા બોલરોએ 70થી 80 રન…!

રવિવારે કોલકાતા ખાતે આઈસીસી વર્લ્ડ કપ 2023ની 37મી મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને સાઉથ આફ્રિકાને 243 રને હરાવી હતી. ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરીને 5 વિકેટે 326 રન બનાવ્યા હતા. જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 83 રનમાં જ ઓલ આઉટ થઈ હતી. સાઉથ આફ્રિકાની કારમી હાર બાદ તેમના કોચનું નિવેદન સામે આવ્યું છે.

સાઉથ આફ્રિકાના કોચ રોબ વોલ્ટરે મેચ બાદ કહ્યું કે, તે 326 રનની પિચ નથી, પરંતુ તેમના બોલરોએ 70-80 રન વધુ આપ્યા હતા. તેમણે કહ્યું, ‘પીચને દોષ આપવો ખોટું હશે. આ પીચ પર એક ટીમે 326 રન બનાવ્યા અને બીજી ટીમ 100 રન પણ બનાવી શકી નહીં. આવી સ્થિતિમાં પીચને દોષ આપવો યોગ્ય નથી. તેમણે કહ્યું, ‘એવું ચોક્કસપણે કહી શકાય કે તે 320 રનની પિચ નહોતી. અમારા બોલરોએ 70થી 80 રન વધુ આપ્યા. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે કહ્યું, ‘ભારતે દરેક વિભાગમાં અમારા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું. આ ટુર્નામેન્ટમાં અમે અત્યાર સુધી અન્ય ટીમો સામે પણ સારું પ્રદર્શન કર્યું છે પરંતુ, ભારતીય ટીમ આજે અમારા કરતા ઘણી સારી હતી.

તેમણે ઈડન ગાર્ડનમાં લગભગ 65,000 દર્શકોની સામે વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ રમવાને તેમની ટીમ માટે એક મોટી તક ગણાવી. વોલ્ટર કહ્યું કે, ‘આવી તક વારંવાર આવતી નથી. તમે ભરચક ઈડન ગાર્ડન્સમાં વર્લ્ડ કપમાં ભારત સામે રમી રહ્યા હતા. તમામ ખેલાડીઓ તેનાથી ઉત્સાહિત હતા પરંતુ, નર્વસ ન હતા.’ નવા બોલ સાથે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરનાર ઝડપી બોલર માર્કો જેન્સન ઈડન ગાર્ડન્સ ખાતે તેની લય ગુમાવી બેઠો હતો અને તેણે ઘણા વધારાના રન આપ્યા હતા. જો કે, કોચે તેનો બચાવ કર્યો અને કહ્યું, ‘તેણે આવી મેચમાં આટલા બધા દર્શકો સામે બોલિંગ કરીને શીખ લીધી હશે. મને ખાતરી છે કે તે નોકઆઉટ સ્ટેજમાં ફરીથી ફોર્મમાં આવી જશે.’ તેમણે કહ્યું, ‘સારી વાત એ છે કે તે એવી મેચ નહોતી જે જીતવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. સારી ટીમ સામે રમવાનો મોકો હતો. અમે સારું રમી શક્યા નથી પરંતુ, માનસિક અને શારીરિક રીતે તાજગી સાથે પરત ફરીશું.

Related posts

રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળી ૫૭ મેડલ જીતીને દાહોદના બાળકોએ ગુજરાતનું નામ રોશન કર્યું

Navbharat

PAK vs ENG: પાકિસ્તાનને સેમી ફાઇનલમાં પહોંચવા માટે વસીમ અકરમે આવ્યું આ ફની સૂચન, જાણી તમે પણ ખડખડાટ હસવા લાગશો

Navbharat

Essilor®ભારતમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિરાટ કોહલીને પસંદ કર્યા

Navbharat