વર્લ્ડ કપ 2023ની 38મી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું હતું. આ મેચ જીત્યા બાદ બાંગ્લાદેશની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન ઈજાના કારણે વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો છે. મીડિયા અહેવાલ અનુસાર, શાકિબ અલ હસન શ્રીલંકા સામેની મેચમાં બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની ઇંડેક્સ ફિંગરમાં ઈજા થઈ હતી. મેચ બાદ તેનો એક્સ-રે પણ કરવામાં આવ્યો હતો, જે બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તે ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશની છેલ્લી લીગ મેચ રમી શકશે નહીં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશ ટીમના ફિઝિયો બાયઝેદુલ ઈસ્લામ ખાને તેની ઈજા વિશે માહિતી આપતા કહ્યું, “શાકિબને તેની ઇનિંગ્સની શરૂઆતમાં તેની ડાબી તર્જની આંગળીમાં ઈજા થઈ હતી, અને પેઈન કિલર લેતી વખતે તેણે બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. મેચ પછી તેણે દિલ્હીમાં એક્સ-રે કરાવ્યો હતો, જેમાં ડાબા પીઆઈપી જોઈન્ટમાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ હતી. તેણે હવે રિકવર થવામાં ત્રણથી ચાર અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. શાકિબ હવે બાંગ્લાદેશ જવા રવાના થશે.” શ્રીલંકા સામેની મેચમાં શાકિબ અસ હસને શાનદાર બેટિંગ કરી હતી. તેણે 65 બોલનો સામનો કરીને 82 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશને જીત તરફ દોરી હતી. આ સાથે જ શાકિબે 2 વિકેટ પણ લીધી હતી.
શાકિબ અલ હસન શ્રીલંકા સામે વિવાદમાં ફસાયો
કેપ્ટન શાકિબ અલ હસને બાંગ્લાદેશ સામે શ્રીલંકન ટીમના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુસને ટાઇમ આઉટ આપવાની અપીલ કરી હતી. એન્જેલો મેથ્યુઝને ક્રિઝ પર પહોંચવામાં વધુ સમય લાગ્યો હોવાની શાકિબે અપીલ કરી હતી, આથી અમ્પાયરોએ ચર્ચા કર્યા બાદ તેને ટાઈમ આઉટ આપ્યો હતો, જેથી ખેલાડીને પેવેલિયન જવાની ફરજ પડી હતી. તમને જણાવી દઈએ કે, મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઈમઆઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.