NavBharat
Politics/National

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: બપોરે 3 વાગ્યા સુધી 55.63% મતદાન, સીકરમાં પથ્થરમારો, બૂથ એજન્ટનું મૃત્યુ

આજે રાજસ્થાનમાં વિધાનસભાની 199 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. બપોરના 3 વાગ્યા સુધી 55.63 ટકા મતદાન નોંધાયું છે. જણાવી દઈએ કે, કોંગ્રેસ ઉમેદવાર અને શ્રીગંગાનગરની કરણપુર સીટ પરથી ધારાસભ્ય ગુરમીત સિંહ કુનરના નિધનના કારણે કરણપુર વિધાનસભા બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. 199 વિધાનસભા બેઠકો માટે 1,863 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. વર્તમાન મુખ્યમંત્રી અશોક ગેહલોત, કોંગ્રેસ નેતા સચિન પાયલટ, પૂર્વ સીએમ વસુંધરા રાજે, રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને દિયા કુમારી સહિત ઘણા દિગ્ગજ નેતાઓની વિશ્વસનીયતા આ ચૂંટણીમાં દાવ પર છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી દરમિયાન કેટલીક જગ્યાએ હિંસાના બનાવ પણ સામે આવ્યા છે.

સીકરમાં બે જૂથ વચ્ચે અથડામણ, ત્રણ ઘાયલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજસ્થાનમાં દિવસભર દરમિયાન એકાદ બે ઘટનાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. ધોલપુર જિલ્લાના બાડી વિધાનસભા સ્થિત રજઈ કલા ગામમાં ફાયરિંગની ઘટના બની હોવાની માહિતી છે. જ્યારે સીકરના ફતેહપુર શેખાવતીમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ છે. બંનેએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. જો કે, સ્થળ પર સુરક્ષા દળો તૈનાત છે.

શેખાવતીમાં શાંતિ, લોકો બૂથ પર જઈને મતદાન કરી શકે છે: DSP

સીકરના ફતેહપુર શેખાવતીમાં બોચીવાલ ભવન પાસે પથ્થરમારો થયો હોવાની માહિતી મળતા ભારે પોલીસ બળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો. આ પછી ફતેહપુરના ડીએસપીએ કહ્યું હતું કે, કેટલાક લોકો વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો થયો હતો. આ મામલે કેટલાકની અટકાયત પણ કરવામાં આવી છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, હાલ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે, કોઈ અડચણ નથી. આ સાથે તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

પાલીમાં પોલિંગ એજન્ટનું હાર્ટ એટેકથી મોત

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મતદાન દરમિયાન રાજસ્થાનના પાલી જિલ્લામાં એક પોલિંગ એજન્ટનું હાર્ટ એટેકથી મોત થયું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, સુમેરપુર વિધાનસભા ક્ષેત્રમાં બૂથ નંબર 47 પરના પોલિંગ એજન્ટ શાંતિલાલ કેન્દ્રમાં જ બેભાન થઈ ગયા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં અને પછી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Related posts

‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમ દરેક વ્યક્તિને મહાન ભારતના નિર્માણ સાથે જોડવાનું મોદીજીનું અભિયાન છે: અમિત શાહ

Navbharat

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત નવી દિલ્હીમાં વિશ્વના દેશોના ડિપ્લોમેટ્સ – હેડ ઓફ ધી મિશન સાથે મુખ્યમંત્રીશ્રીની બેઠક

Navbharat

ઝારખંડથી શરૂ થયેલી સંકલ્પ યાત્રા અંતર્ગત 30,000 રથો ગામે ગામ ભ્રમણ કરી સરકારની વિવિધ યોજનાઓની લોકો સુધી પહોચાડશે

Navbharat