NavBharat
Gujarat

૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે ગુજરાતે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસ સહિત રમત ગમત ક્ષેત્રે પણ અગ્રેસર રહેવાની પરંપરા ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે ફરી એકવાર પ્રસ્થાપિત કરી છે.

ગુજરાતમાં એક સાથે ૧૦૮ સ્થળોએ કુલ ૫૦ હજારથી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા ૨૦૨૪ના વર્ષનો ભારતનો પ્રથમ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમત રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રાચીન સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સામુહિક સૂર્ય નમસ્કારના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

રમત ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને નગર મહાનગર કક્ષાએ એક માસ સુધી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત યોજવામાં આવી હતી.

આ સ્પર્ધાઓના વિજેતા સાધકો દ્વારા મોઢેરા ખાતે સામૂહિક આયોજીત રાજ્યકક્ષાના સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર રાશિ અર્પણ કરીને સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યોગ સાધકો-સૂર્ય નમસ્કાર કરનારા લોકોને પ્રેરણા આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વિશ્વનેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થયું છે.

તેમણે યોગની પ્રાચીન પરંપરાને વિશ્વસમક્ષ ઉજાગર કરીને ૨૧ મી જૂનને વિશ્વયોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી અને યોગ સાધનાથી વિશ્વને જોડવાનું કાર્ય કર્યું છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે યોગ-પ્રાણાયામ- સૂર્ય નમસ્કાર જેવી પ્રાચીન સ્વાસ્થ્ય વર્ધક વ્યાયામ અને કસરત પરંપરા વ્યક્તિને આધ્યાત્મિકતા સાથે પણ જોડનારી આગવી સંસ્કૃતિ છે તેનું ગૌરવ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વદેશી સાથે સમગ્ર પૃથ્વીના હિતનો વિચાર કર્યો છે, તેના ફળ સ્વરૂપે દેશમાં યોજાયેલ જી-20 થી વસુધૈવ કુટુંબકમની ભાવના જાગૃત થઇ છે.

મુખ્યમંત્રીશ્રીએ સૂર્યની ઉપાસના અને આરાધના કરવાનો અનેરો અવસર સૂર્યમંદિર ખાતેથી પ્રાપ્ત થયો છે તે નવા વર્ષમાં નવી ઉર્જા અને ઉષ્મા સાથે દરેકના જીવનમાં આનંદ અને ઉન્માદ લાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે બીમારીના ઇલાજ કરતાં બીમારી આવે જ નહિ તેવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ, સૂર્ય નમસ્કાર જેવી ક્રિયાઓને લોકોએ નિયમતપણે અપનાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત@૨૦૪૭ના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈના સ્વપ્નને સાકાર કરવા યોગ-પ્રાણાયામ-સૂર્ય નમસ્કારને વધુ વ્યાપક બનાવીને અમૃતકાળમાં અમૃતમય ભવિષ્ય માટે સંકલ્પ લેવા આ તકે સૌને આહવાન કર્યું હતું.

રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં સામૂહિક સૂર્યનમસ્કારની પ્રથમ ઘટના મોઢેરા સહિત રાજ્યના ૧૦૮ સ્થળોએ નોંધાઇ છે.

આ સામુહિક સૂર્યનમસ્કાર દેશ અને દુનિયાને નવિન દિશા દર્શન આપશે. સમગ્ર રાજ્યમાં છેલ્લા એક માસમાં ૧૫ લાખથી વધુ નાગરિકો સૂર્યનમસ્કાર અભિયાનમાં જોડાયા છે જે સ્પર્ધા થકી આજે રાજ્ય કક્ષાના સન્માન સમારોહથી ઐતિહાસિક ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા છીએ તેમ તેમણે કહ્યું હતું.

શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે રાજ્યના વિવિધ ૫૧ સ્થળોએ વિશ્વ વિક્રમ નોંધાયૌ છે. સમગ્ર દેશમાં ૨૦૨૪ના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કારની ગુજરાતની સિદ્ધીની ઐતિહાસિક નોંધ લેવાઇ છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ ઓળખ યોગ છે. આજે ગુજરાત યોગમાં રોલ મોડેલ બન્યું છે. તેમણે નવા વર્ષમાં નવા સંકલ્પ સાથે સૂર્નમસ્કારને અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ટેકનોલોજીની વ્યસ્તા વચ્ચે યોગને અપનાવી જીવનને સકારત્મકતા માટે પણ તેમણે ખાસ અપીલ કરી હતી.

આ પ્રસંગે રાજ્યકક્ષાની સ્પર્ધાના વિજેતા ત્રણ પુરૂષ અને ત્રણ સ્ત્રી સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પુરૂષ સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે સાબરકાંઠાના કલ્પેશભાઇ સવજીભાઇ, બીજા ક્રમે ગીર સોમનાથના અનીલકુમાર બાંભણીયા અને ત્રીજા ક્રમે છોટાઉદેપુરના રાઠવા કરશનભાઇને સન્માનીત કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાની સ્પર્ધાના સ્ત્રી ઉમેદવારોમાં પ્રથમ ક્રમે બનાસકાંઠાના પટેલ યાના વિનોદકુમાર, બીજા ક્રમે રાજકોટના વખારીયા દષ્ટી ચેતનકુમાર અને ત્રીજા ક્રમે મહેસાણાના પટેલ પૂજા ઘનશ્યામભાઇને સન્માનીત કરવામાં આવ્યા હતા.

રાજ્યક્ષાના વિજેતાઓને અનુંક્રમે ૨.૫૦ લાખ, ૧.૭૫ લાખ અને ૧ લાખનુ્ં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રમત ગમત વિભાગના અગ્રસચિવ અશ્વીનીકુમાર, યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવત્તિઓના કમિશ્નર આલોક કુમાર પાંડે, યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપુત, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર, અગ્રણી ગીરીશભાઇ રાજગોર, જિલ્લા કલેકટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તથા યોગ સાધકો, વિધાર્થીઓ ઉપસ્થતિ રહ્યા હતા.

Related posts

ભારતના સ્થાનિક નાગરિક પરમાણુ કાર્યક્રમની ઐતિહાસિક ક્ષણ

Navbharat

ગણેશ ચતુર્થીના પાવન અવસરે ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં આવેલા મધુવૃંદ રો-હાઉસ ખાતે ગણેશ ઉત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Navbharat

ગુજરાતમાંથી ટી.બી.ની સંપૂર્ણ નાબૂદી માટે જનઆંદોલનની જેમ કામ કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ

Navbharat