નવેમ્બર મહિનામાં દિવાળી સહીતના તહેવારોના પગલે ઓટોમોબાઈલ ક્ષેત્રે વેચાણમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને કુલ વાહનોના વેચાણમાં 35 ટકાનો વધારો જોવા મળ્યો છે. FADA દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર નવેમ્બર મહિનામાં કુલ 2854242 વાહનોનું વેચાણ થયું હતું.
FADA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નવેમ્બર 2023 દરમિયાન પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં માસિક ધોરણે લગભગ 1.82 ટકાનો વધારો થયો હતો. જ્યારે વાર્ષિક ધોરણે 17.19 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. માસિક ધોરણે ટુ વ્હીલરના વેચાણમાં લગભગ 49.05 ટકાનો વધારો થયો છે, જ્યારે વર્ષના આધાર પર, ગયા વર્ષની સરખામણીએ છેલ્લા મહિનામાં 21.08 ટકાનો વધારો જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે થ્રી-વ્હીલરના વેચાણમાં 23.31 ટકા અને કોમર્શિયલ વાહનોના સેગમેન્ટમાં લગભગ 1.82 ટકાની નકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. ખાસ કરીને નવા સેગમેન્ટમાં આવી રહેલી કારના વેચાણો વધું વધી રહ્યા છે. હ્યુન્ડાઈ, મારુતી, ટાટા, ટોયલો સહીતની કંપનીઓએ એક પછી એક નવી કારના મોડલ માર્કેટમાં ઉતાર્યા છે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, નવેમ્બરમાં કુલ વાહનોના વેચાણમાં મહિનાના આધારે લગભગ 35 ટકાનો વધારો નોંધાયો છે અને વાર્ષિક ધોરણે 18 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
કુલ 2854242 વાહનોનું વેચાણ થયું
FADA દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર નવેમ્બર મહિનામાં કુલ 2854242 વાહનોનું વેચાણ થયું હતું. જેમાં પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર, ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. વાર્ષિક ધોરણે વેચાણમાં વધારો થયો છે. ડેટા અનુસાર, નવેમ્બર 2022 દરમિયાન દેશભરમાં કુલ 2409535 યુનિટ્સનું વેચાણ થયું હતું. નવેમ્બર 2023 દરમિયાન પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 360431 યુનિટ વેચાયા હતા જ્યારે નવેમ્બર 2022 દરમિયાન આ સંખ્યા 307550 હતી. જ્યારે ઓક્ટોબર મહિનામાં આ સંખ્યા 353990 યુનિટ હતી. ટુ-વ્હીલર સેગમેન્ટમાં, નવેમ્બર 2023 દરમિયાન મોટરસાઇકલ, સ્કૂટર અને મોપેડનું કુલ વેચાણ 2247366 યુનિટ હતું. જ્યારે થ્રી-વ્હીલરના વેચાણમાં કુલ યોગદાન 99890 યુનિટ હતું. નવેમ્બરમાં ટ્રેક્ટરના 61969 યુનિટ અને કોમર્શિયલ વાહનોના 84586 યુનિટ વેચાયા હતા.