એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ સપ્ટેમ્બર મહિનામાં 17.21 લાખ સભ્યો ઉમેર્યા છે. પેરોલ ડેટા અનુસાર, EPFOમાં જોડાનારા સભ્યોની સંખ્યામાં પાછલા મહિનાની સરખામણીએ સપ્ટેમ્બરમાં 21,475નો વધારો થયો છે. જ્યારે પેરોલ ડેટા, વાર્ષિક ધોરણે 38,262 સભ્યોનો વધારો દર્શાવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બર, 2023 દરમિયાન લગભગ 8.92 લાખ નવા સભ્યો નોંધાયા છે. તેમાંથી, 18-25 વર્ષની વય જૂથના સભ્યોનો હિસ્સો આ મહિના દરમિયાન ઉમેરાયેલા કુલ નવા સભ્યોના 58.92 ટકા છે. મંગળવારના રોજ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક પ્રકાશન અનુસાર, આંકડા દર્શાવે છે કે દેશમાં સંગઠિત ક્ષેત્રના કાર્યબળમાં જોડાનારા મોટાભાગના સભ્યો યુવાનો છે, જેમાંથી મોટાભાગના પ્રથમ વખત રોજગારમાં છે.
પાછલા મહિનાની સરખામણીમાં સપ્ટેમ્બર મહિનામાં 3.64 લાખ ઉપાડ સાથે ઉપાડની સંખ્યામાં 12.17 ટકાનો ઘટાડો થયો છે. ડેટા એ પણ જણાવે છે કે, જૂન 2023થી EPFOમાંથી બહાર નીકળનારા સભ્યોની સંખ્યા ઘટી રહી છે. પેરોલ ડેટાનું લિંગ-વાર વિશ્લેષણ દર્શાવે છે કે મહિના દરમિયાન ઉમેરાયેલા કુલ 8.92 લાખ નવા સભ્યોમાંથી, લગભગ 2.26 લાખ નવા સભ્યો મહિલાઓ છે, જેઓ પ્રથમ વખત EPFOમાં જોડાયા છે. પેરોલ ડેટાનું રાજ્યવાર વિશ્લેષણ દર્શાવે છે કે નેટ સભ્ય વૃદ્ધિ મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને હરિયાણામાં સૌથી વધુ છે.