સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને રાંદેર રોડ પર પટેલ મેડિકલ હોસ્પિટલ ધરાવતા તબીબે જાતે જ પોતાના એક હાથમાં ઇંજેક્શન મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે તબીબના પરિવારમાં ગમગીની છવાઈ છે. જ્યારે પોલીસે આ મામલે ઝડપી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના અડાજણ પાટિયા ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતા 55 વર્ષીય ડૉક્ટર ઉદય પટેલે ગત રાતે રાંદેર રોડ નજીક તારવાડી ખાતે આવેલી તેમની હોસ્પિટલની અંદર જાતે જ પોતાના એક હાથમાં નોઝલ નાખી નોવેક્સ નામનું ઈન્જેક્શન મારી આપઘાત કર્યો હતો. હોસ્પિટલના સ્ટાફને તેઓ બેભાન અવસ્થા મળી આવ્યા હતા. આથી સ્ટાફે તાત્કાલિક હોસ્પિટલમાં હાજર અન્ય ડોક્ટર્સને આ મામલે જાણ કરી હતી. તબીબોએ તપાસ કરીને તેમને મૃત જાહેર કર્યા હતા.
આપઘાતનું કારણ અકબંધ
રાંદેર પોલીસના જણાવ્યા મુજબ, ડૉ. ઉદય પટેલ એમડી ફિઝિશિયન ડૉક્ટર હતા. તેમણે કયાં કારણોસર આપઘાત કર્યો છે તે અંગે હાલ કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હાલ તેમના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જો કે, ડૉક્ટરના આપઘાતના કારણે અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. ઉદય પટેલે આપઘાતનું પગલું ભર્યું તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે. માહિતી મુજબ, ડૉ. ઉદય પટલને સંતાનમાં એક પુત્ર છે, જે હાલમાં અમેરિકામાં છે. જ્યારે તબીબ અહીં માતા-પિતા અને પત્ની સાથે રહેતા હતા. તેમણે આ પગલું કયા કારણસર ભર્યું છે, તે હાલમાં જાણી શકાયું નથી. આ મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.