ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં સભ્યોને ભારપૂર્વક જણાવ્યુ કે ગાંધી વિચારો પર કાર્યરત આ સંસ્થાઓમાં ગાંધીજીના મૂળ આદર્શોનું મજબૂતાઈ સાથે પાલન થાય; એ સુનિશ્ચિત કરવાની જરૂર છે. તેમણે તમામ સભ્યોને આ સંસ્થાઓમાં ગાંધીજીના વિચાર-દર્શનને અનુરૂપ તમામ ગાંધી સંસ્થાઓને ‘નવજીવન’ આપવાની અપીલ કરી હતી. ગુજરાત વિદ્યાપીઠ મંડળની વર્ષ 2023-24ની ચોથી બેઠક આજે કોચરબ આશ્રમ, પાલડી-અમદાવાદ ખાતે, ગુજરાતના રાજ્યપાલ તથા ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ માત્ર અક્ષર જ્ઞાન આપવા માટે નહોતી કરી; પણ સાથે-સાથે આધ્યાત્મિક ચિંતન, આત્મનિર્ભરતા, ગ્રામીણ વિકાસ અને દેશ સર્વાંગીણ વિકાસ તરફ આગળ વધે; એ ઉદ્દેશ સાથે કરી હતી. ગાંધીજીનું જીવન જ તેમનો સંદેશ હતો. બાપૂ જે કહેતા હતાં; તેમના મન, વચન, કર્મમાં તે પ્રતિબિંબિત થતું હતું.
રાજ્યપાલશ્રીએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે ગાંધીજીના વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે. મંડળે આ વિચારોના આધારે સંસ્થાઓ માટે નીતિ-નિયમો બનાવવા જોઇએ કે જેથી ગાંધી વિચારના મૂળ આદર્શોનું પાલન થાય તથા નવી પેઢીને ગાંધી માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરી શકાય. આ કાર્ય જ ગાંધીજીના આત્માને સાચી શ્રદ્ધાંજલિ હશે.
કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ બેઠકમાં વિદ્યાપીઠના શૈક્ષણિક સ્તરને વધુ શ્રેષ્ઠ બનાવવા, વહીવટી તંત્ર તથા વ્યવસ્થાપનને વધુ સરળ તેમજ સુદૃઢ બનાવવા અને આર્થિક બાબતો અંગે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સભ્યો સમક્ષ ભારતમાં જેટલા પણ મૂળ ગૌ વંશ છે, તેમનું એક રાષ્ટ્રીય કેન્દ્ર ગુજરાતમાં સ્થાપિત કરવા માટે પોતાનો વિચાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ગાંધીજીના મૂળ આદર્શોને અનુરૂપ ભારતની ગાયોના વિવિધ વંશોનું સંરક્ષણ કાર્ય ગુજરાત વિદ્યાપીઠે કરવું જોઇએ. રાજ્યપાલશ્રીના આ પ્રસ્તાવનો તમામ સભ્યોએ સહર્ષ સ્વીકાર કર્યો હતો તથા વહેલી તકે આ યોજના પર કાર્ય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
તમામ સભ્યોએ ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં સક્રિયતાપૂર્વક ભાગ લેવા તેમજ મંડળનું માર્ગદર્શન કરવા બદલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો હતો.