ગૂગલ તેના ગ્રાહકોને સારો અનુભવ અને સુવિધાઓ આપવા માટે તેના સ્માર્ટફોન પ્રોડક્ટ્સમાં સતત નવા નવા ફેરફાર કરતું હોય છે. ત્યારે ગૂગલે વધુ એક નવા ફીચર્સનું લોન્ચિંગ કર્યું છે. માહિતી મુજબ, ભારતમાં ગૂગલે તેના Pixel ફોન માટે કાર ક્રેશ ડિટેક્શન ફીચરનું લોન્ચ કર્યું છે. આ ફીચર અકસ્માત બાદ તાત્કાલિક ઈમરજન્સી મદદ પૂરી પાડવામાં મદદ કરશે. આ ફીચર કારના સેન્સર અને સ્પીડ ડેટાનો ઉપયોગ કરીને અકસ્માતની જાણ કરશે. જો કારનો અકસ્માત થયો હશે તો આ ફીચર્સ એક એલર્ટ મોકલશે અને ઇમરજન્સી સેવાઓને કૉલ કરશે. આ સુવિધા ભારત સહિત કુલ 20 દેશોમાં ઉપલબ્ધ કરાઈ છે. ભારતમાં, આ સુવિધા ફક્ત Google Pixel 6 અને Pixel 6 Pro ફોન પર ઉપલબ્ધ છે.
સાલ 2019માં અમેરિકામાં આવી હતી આ સુવિધા
ગૂગલે જાહેરાત કરી કે કાર ક્રેશ ડિટેક્શન ભારતમાં Pixel 4a, Pixel 6a, Pixel 7, Pixel 7a, Pixel 7 Pro, Pixel 8 અને Pixel 8 Pro સ્માર્ટફોન પર આવી રહ્યું છે. આ ફીચર અમેરિકન ગ્રાહકો માટે સાલ 2019માં જ લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તે ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ ઉપલબ્ધ થશે.
મીડિયા અહેવાલ અનુસાર, હાલમાં આ સુવિધા માત્ર 11 ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેમાં અંગ્રેજી, ડચ, ડેનિશ, જાપાનીઝ, ઇટાલિયન અને કેટલીક અન્ય ભાષાઓનો સમાવેશ થાય છે. આ ફીચરને સપોર્ટ કરતી ભાષાઓમાં હિન્દી હજુ સામેલ કરવામાં આવી નથી. વૈશ્વિક બજારમાં વપરાશકર્તાઓ માટે, આ સુવિધા Pixel 4a અને તેના પછીના તમામ Pixel મોડલ્સ માટે ઉપલબ્ધ હશે.
જાણો Pixel કાર ક્રેશ ડિટેક્શન સુવિધા વિશે?
માહિતી મુજબ, એક્સીલેરોમીટરનો ઉપયોગ કરીને કાર એક્સિડન્ટ ડિટેક્શન ફીચર કારની ગતિને માપે છે. જો એક્સીલેરોમીટર અચાનક અને ઝડપી ગતિને શોધી કાઢે છે, તો આ સુવિધા અકસ્માતનો સંકેત માને છે. સેફ્ટી ફીચર લોકેશન ડેટાનો ઉપયોગ કરીને અકસ્માતનું સ્થાન પણ નક્કી કરે છે. આ ફીચર માઇક્રોફોનનો ઉપયોગ કરીને ક્રેશ અવાજો પણ સાંભળી શકે છે.