NavBharat
Gujarat

વસ્ત્રાપુરમાં હાટ ખાતે બિરસા મુંડાની 148મી જયંતી નિમિત્તે આદિવાસી હસ્તકલા-કૃતિ, વનૌષધીયના વેચાણ સાથે પ્રદર્શન મેળાનું આયોજન

વસ્ત્રાપુરના અમદાવાદ હાટ ખાતે બિરસા મુંડાની 148મી જયંતીએ મનાવાતા ‘જનજાતિય ગૌરવ દિવસ’ના ઉપલક્ષ્યમાં પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, વનૌષધીય વેચાણ, આહાર અને પ્રદર્શન મેળાનું આયોજન કરાયુ છે. ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ ગુજરાત સરકારના મંત્રી ડૉ. કુબેર ડીંડોર અને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી કુબેર ડીંડોરે ગોલ્ડ જુડો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીતેલા રમતવીરોને મોમેન્ટો અને રૂ. 21 હજારનો ચેક આપીને સન્માનિત કર્યાં હતા. આ પ્રસંગે તેમણે આદિવાસી સમાજની રહેણીકરણી, સંસ્કૃતિ, વન્ય પરંપરાઓ, વન ઔષધીઓ, વૃક્ષો, આદિજાતિ વિસ્તારમાં રહેતા પક્ષીઓ, ખોરાક વગેરેને યાદ કરતા આદિવાસી સમાજની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે તેમણે ભારતના ઇતિહાસને યાદ કરતા આદિજાતિના શહીદો અને દેશપ્રેમીઓની સરાહના કરી હતી. તેમ તેમણે કહ્યું હતું કે, આદિવાસી લોકોનો દેશપ્રેમ અને બલિદાનો દેશમાં હંમેશાં યાદ કરવામાં આવશે અને રાષ્ટ્રપ્રેમનો આદિવાસીઓનો જુસ્સો હંમેશાં યથાવત રહેશે. ભારત સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્માન ભારત યોજના, ઉજ્જવલા યોજના, જનધન યોજના વગેરેનો ઉપયોગ કરીને નવા સંકલ્પ અને ઉપલબ્ધિયો સાથે આદિવાસી સમાજ પ્રગતિ કરે તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી.

મંત્રી કુંવરજી હળપતિએ આદિવાસી સમાજના ગૌરવ અને રત્ન સમાન પદ્મશ્રી પરેશભાઈ રાઠવાનું પણ સન્માન કર્યું હતું. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને સંબોધિત કરતા કહ્યું કે, આજે વડાપ્રધાન એ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ ઝારખંડના છોટા નાગપુર જેવા આદિવાસી વિસ્તારમાંથી કરાવ્યો, એ આદિવાસી લોકો માટે ગૌરવની વાત છે. ભગવાન બિરસા મુંડાની 148મી જયંતી નિમિત્તે મંત્રીએ બિરસા મુંડાનો દેશ માટેનો સંઘર્ષ અને દેશની આઝાદી માટેની લડતને યાદ કરતા તેમનો જીવન પરિચય આપ્યો હતો. અસામાન્ય સંજોગોમાં પણ બિરસા મુંડા જેવા 25 વર્ષના યુવાને કેવી રીતે દેશ માટે બલિદાન આપ્યું હતું તેને યાદ કરીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ આદિવાસી વિસ્તારમાંથી કરવામાં આવ્યો, તે આદિવાસી લોકો માટે ગર્વ લેવા જેવી બાબત છે. ફક્ત આદિવાસી લોકો માટે જ ઘડવામાં આવેલી વનબંધુ યોજનાઓ જેવી અનેક યોજનાઓ બનાવીને સરકાર તેમના વિકાસ માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

Related posts

સેમિકોનઇન્ડિયા ૨૦૨૩: દ્વિતીય દિવસ: પ્રથમ સત્ર

Navbharat

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનની લોકભાગીદારીથી નિર્મિત ‘ યુએન વૉટર કોન્ફરન્સ તળાવ’નું લોકાર્પણ કર્યું

Navbharat

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની જલજીવન મિશન સેમિનારમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ

Navbharat