NavBharat
Politics/National

કોઈપણ દેશની ઇકોનોમી તેનું એન્જિન છે, જ્યારે તે દેશની સંસ્કૃતિ તેની હેડલાઇટ : CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત યુનિવર્સિટી ખાતેના કલ્ચરલ ઈકોનોમી કોન્કલેવનો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તથા મજબૂત અર્થવ્યવસ્થા વિકસિત ભારતનો આધાર બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા સાંસ્કૃતિક વારસા અને આપણી અર્થવ્યવસ્થાના પુન:જાગરણના સંવાહક છે. વર્ષ ૨૦૪૭માં આપણે જ્યારે આઝાદીનો શતાબ્દી મહોત્સવ ઉજવીએ ત્યારે ભારત વિકસિત દેશ હોય તે માટેનું દિશાદર્શન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત યુનિવર્સિટી ખાતે બે દિવસીય કલ્ચરલ ઈકોનોમી કોન્કલેવનો પ્રારંભ કરાવ્યો હતો. આ કોન્કલેવના ઉદ્ઘાટન પ્રસંગે તેલંગાણાના રાજ્યપાલ તથા પુડુચેરીના ઉપરાજ્યપાલ ડો. તમિલીસાઈ સૌંદરાજન ઉપસ્થિત રહ્યાં હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાના પારસ્પરિક જોડાણ અંગે વાત કરતા જણાવ્યું કે, દેશની અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજા પર તેમનો પ્રભાવ છે. દેશની સંસ્કૃતિને ઓળખવી અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી તે દેશના વિકાસ માટે સૌથી મહત્વની બાબત છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાઇ રહેલી આ કલ્ચરલ ઈકોનોમી કોન્કલેવ આ ઉદ્દેશને સાર્થક કરવાની દિશામાં મહત્વની સાબિત થશે એમ તેમણે જણાવ્યું હતું.
આ વિશે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આપણા તહેવારો, આપણી પરંપરાઓ, સામાજિક મેળાવડાઓ તથા સામાજિક કાર્યક્રમો દેશની અર્થવ્યવસ્થાને સમૃદ્ધ બનાવવાનું કાર્ય કરે છે. તહેવારો આપણી સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો છે. આવી ઉજવણીઓ અનેક લોકોને તથા ઉદ્યોગ-ધંધાને રોજગારી પૂરી પાડીને દેશની અર્થવ્યવસ્થાને સ્થિરતા બક્ષે છે. દિવાળીના તહેવારમાં દેશનું જીએસટી કલેક્શન સૌથી વધુ હતું, જે આ વાતની સાબિતી આપે છે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર અને અર્થવ્યવસ્થામાં તેના યોગદાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, હમણાં જ યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. ગુજરાતનો નવરાત્રી તહેવાર ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી અને ફેસ્ટિવલ ઇન્ડસ્ટ્રીની આવકમાં મહત્વનું યોગદાન આપે છે. અમદાવાદમાં યોજાતી હેરિટેજ વોક કલ્ચર અને ઈકોનોમીના જોડાણનું સાક્ષી છે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં જીએસટી, જનધન યોજના, માઇક્રો ફાઇનાન્સ જેવા આર્થિક ઉપક્રમો દ્વારા દેશ આજે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં કલ્ચરલ રિફોર્મ થઈ રહ્યું છે. કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ કોરિડોરનું નિર્માણ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આ બંને કોરિડોરના નિર્માણથી ‘પિલગ્રીમેજ ટુરિઝમ’ને પ્રોત્સાહન મળ્યું છે અને સ્થાનિક ઇકોનોમીને પણ વેગ મળ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાર ધામ યાત્રા પ્રોજેક્ટ અંતર્ગત ઓલ વેધર રોડનું નિર્માણ પણ ચાલી રહ્યું છે.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક આદાન પ્રદાન સાથે સાથે વ્યાપારિક સબંધોને વેગ આપવા ગુજરાતમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમમની એક નવી પરંપરા શરૂ કરવામાં આવી છે. આ સંગમ થકી તમિલ ભાઈઓ-બહેનોએ ગુજરાતના સોમનાથ અને ઉત્તરપ્રદેશના વારાણસીનો પ્રવાસ કર્યો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં આ પ્રસંગે તમિલ ભાઈઓ-બહેનો સાથે સાંસ્કૃતિક આદાન-પ્રદાનની સાથે કપડાં અને વ્યાપાર સબંધિત સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માધવપુર ઘેડ મેળાની પરંપરા શરૂ કરી ગુજરાત અને ઉતર-પૂર્વ વચ્ચેના પ્રાચીન સબંધોને એક નવી ઊર્જા આપી છે. ગુજરાતના દ્વારકામાં પણ પ્રિલગ્રીમેજ ટુરિઝમ માટે કોરિડોરનું નિર્માણ થઇ રહ્યું છે. કલ્ચરલ એપીસેન્ટર સમાન ધર્મ સ્થાનોના વિકાસ માટે ‘પ્રસાદ’ યોજના અમલમાં છે.
 
 
 
 
 
 
 
 

Related posts

તમિલનાડુના મંત્રી સેંથિલ બાલાજીને મની લોન્ડરિંગ કેસમાં નથી મળી રાહત, 4 ડિસેમ્બર સુધી લંબાવાઈ કસ્ટડી

Navbharat

પ્રધાનમંત્રીએ 9મી જી20 સંસદીય સ્પીકર્સ સમિટ (પી20)નું ઉદઘાટન કર્યું

Navbharat

2024ના ભાજપ સાથે ગઠબંધનની વાત અધૂરી: જનતા દળ સેક્યુલરના કુમારસ્વામી

Navbharat