NavBharat
Gujarat

સિવિલના ડૉક્ટરોએ જન્મજાત અન્નનળીની ખામીથી પીડિતા બે બાળકોની દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યાં, અઢી વર્ષે માસૂમોએ ખોરાકનો સ્વાદ ચાખ્યો!

કોઇપણ ખોરાક ખાવાનું કાર્ય આપણા બધાને ખૂબ જ સરળ લાગે છે. વાસ્તવમાં, આપણામાંના ઘણાબધા, પુખ્ત વયના અને બાળકો બંને આપણને જે મનપસંદ તેમ જ ભાવતું હોય તેવું જ ખાવાનો આગ્રહ રાખીએ છીએ.
પરંતુ, એવી પરિસ્થિતિની કલ્પના કરો કે જ્યારે તમે ખોરાક તો જવા દો, લાળ પણ ગળી ન શકો અને જો આવી પરિસ્થિતિ કોઇ બાળકની હોય, તેવું કહેવામાં આવે તો વિચાર માત્રથી જ હ્રદય દ્રવી ઊઠે છે.

જ્યારે બાળકને જન્મજાત ખામીને લીધે ખોરાકની નળી યોગ્ય રીતે બની ન હોય ત્યારે આવી સ્થિતિ ઉદ્ભવે છે. અંદાજિત દર 3200માંથી લગભગ એક બાળક આ જન્મજાત ખામી સાથે જન્મે છે, જેને ઇસોફેજલ એટ્રેસિયા કહેવાય છે. સામાન્ય રીતે આવા બાળકોમાં ફુડપાઈપ અને વિન્ડપાઈપ પણ એકબીજા સાથે અસામાન્ય રીતે જોડાયેલા હોય છે. જો કે, ‘માત્ર અન્નનળીના એટ્રેસિયા’ તરીકે ઓળખાતી, દુર્લભ ખામી જેનો વ્યાપ 8% છે તેમાં કુદરતી રીતે કોઈ અન્નનળી કે ફૂડ પાઇપ હોતી નથી. પરંતુ તેની જગ્યાએ ગળાથી થોડે નીચે સુધી એક બંધ છેડો તથા જઠરથી થોડે ઉપર સુધી બીજો બંધ છેડો હોય છે, જેથી મો દ્વારા લાળ પણ ગળી શકાતી નથી.

સ્મિત અને મિતાંશ એવા બે બાળકો છે જે આ દુર્લભ જન્મજાત ખામી સાથે જન્મ્યા હતા. સ્મિત ભરૂચના મજૂરી કરી ગુજરાન ચલાવતા વિશાલભાઇ અને દક્ષાબેન ગોહિલનો અઢી વર્ષનો પુત્ર છે. જ્યારે મિતાંશ 2 વર્ષ અને 4 મહિનાનો છે અને તેના માતા-પિતા ભાવનાબેન અને મયુરભાઇ પરમાર અમદાવાદના રહેવાસી છે. જન્મબાદ આજદીન સુધી આ છોકરાઓ પોતાના મોઢાથી અન્નનો એક દાણો પણ લઇ શક્યા ન હતા. જીવનના પ્રથમ દિવસે જ આ દુર્લભ બીમારીની ખબર પડતા બંને બાળકો પર પ્રાથમિક શસ્ત્રક્રિયા કરી ઇસોફેગોસ્ટોમી એટલે કે અન્નનળીના ઉપર ના બંધ ભાગને ખોલી ગળાના બહારના ભાગમાં કાઢવાનું (લાળ બહાર આવવા માટે) અને ગેસ્ટ્રોસ્ટોમી એટલે કે જઠરમાં પ્રવાહી ખોરાક સીધો આપવા માટે પેટમાં નળી મુકવાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

આ બેઉ પરિવારો માટે જીવનનો આ સમય ખૂબ જ કઠિન અને દયનીય હતો. પોતાના વ્હાલ્સોયા દીકરાઓને જીવાડવા માતા-પિતા કેટલી હદ સુધી સંઘર્ષ કરી શકે છે, તેનું આ ઉતમ ઉદાહરણ છે. જન્મબાદથી બે વર્ષ સુધી આ બંને માતા-પિતા એ પોતાના બાળકોને ડોક્ટરોની સલાહ મુજબ બાળકને લાળ સતત બહાર આવ્યા કરે અને ભુલથી પણ તેમાં ભરાવો થઇ લાળ શ્વાસનળીમાં ન જાય તેની કાળજી લીધી અને પેટ પર મુકેલી નળી દ્વારા દર બેથી ત્રણ કલાકના સમયાંતરે દિવસ-રાત જોયા વગર ચોક્કસ માત્રામાં પ્રવાહી ખોરાક પોષણ માટે આપતા રહ્યા.

20 સપ્ટેમ્બર, 2023 અને 20 ઑક્ટોબર, 2023ના રોજ, સ્મિત અને મિતાંશને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રિક પુલઅપ નામની નિર્ણાયક સર્જરી કરવામાં આવી. જઠરનો ઉપયોગ કરીને છાતીના હાડકાની પાછળથી અન્નનળીના પરના ખૂલ્લા ભાગ સુધી ખેંચીને નવી ફૂડ પાઇપ બનાવવામાં આવી. આ શસ્ત્રક્રિયા ડૉ. રાકેશ જોષી (વિભાગના વડા, બાળ સર્જરી વિભાગ અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ), ડૉ. જયશ્રી રામજી (એસોસિયેટ પ્રોફેસર, બાળ સર્જરી વિભાગ) દ્વારા કરવામાં આવી હતી. એનેસ્થેસિયા ટીમનું નેતૃત્વ ડૉ. ભાવના રાવલ (પ્રોફેસર) અને ડૉ. નમ્રતા (એસોસિયેટ પ્રોફેસર) દ્વારા કરવામાં આવ્યું અને એક જટીલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.

આ સર્જરી વિશે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, જઠરના ભાગને છાતી સુધી ખેંચવા છતા પણ તે સ્વસ્થ રહે તે સુનિશ્ચિત કરવું એ આ ઓપરેશન માટે સૌથી વધુ પડકારજનક હતું. સદનસીબે, ઓપરેશન અને તે પછીનો પોસ્ટ ઓપરેટિવ સમય બંને બાળકોમાં કોઈપણ તકલીફ વિના, સરળતાથી પૂરો થયો. ઓપરેશન પછી શરુઆત ના સમયમાં બાળકોને પોષણ પૂરું પાડવા માટે નાના આંતરડામાં કામચલાઉ ફીડિંગ ટ્યૂબ મૂકવામાં આવી હતી. નવી બનાવેલી અન્નનળી સારી રીતે જોડાય ગઇ છે અને તેમાં રુઝ બરાબર આવી ગઇ છે તેની ખાતરી કર્યા બાદ બંને છોકરાઓને મોઢેથી ખોરાક આપવામાં આવ્યો અને બંને હવે સારી રીતે ખોરાક મોઢેથી લઈ શકે છે.

બંને બાળકો એ તેમના જીવનના અઢી વર્ષમાં પ્રથમ વખત ખોરાકનો સ્વાદ ચાખ્યો! તેમના ચહેરા પરના હાવભાવ અને તેમના માતા-પિતાનો આનંદ અમૂલ્ય અને અવર્ણનીય હતો! આ સંતોષકારક સર્જરીમાં સામેલ અમારા બધા માટે, એક મહિનાના સમયગાળામાં આ બે સફળતા દિવાળીની વહેલી ભેટ સમાન છે.

Related posts

વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગુજરાતથી ગ્લોબલ

Navbharat

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો સાથે વધુ ૪ MoU થયાં

Navbharat

સ્વચ્છતા હી સેવા અભિયાન: ગુજરાતના 17,425 મહિલા સ્વસહાય જૂથો બન્યા સ્વચ્છતા ચેમ્પિયન્સ

Navbharat