NavBharat
Gujarat

દિવાળી પહેલા ઓક્ટોબર માસમાં રાજ્યના 72 લાખથી વધુ NFSA કુટુંબોને અનાજ વિતરણ કરાયું: પુરવઠા મંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં NFSA કુટુંબોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારોમાં સસ્તા દરે અનાજ, ખાદ્યતેલ, ખાંડ, ચણા અને ડબલ ફોર્ટિફાઈડ મીઠાના વિતરણનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દિવાળીના તહેવારોમાં જરૂરિયાતમંદોને પૂરતા પ્રમાણમાં સસ્તા દરે અનાજ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી રહે. આ માટે ઓક્ટોબર-2023માં રાજ્યના 72.51 લાખ NFSA કુટુંબોને એટલે કે અનાજનું 95 ટકા વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સિવાય ઓક્ટોબર માસમાં બાકી રહી ગયેલા કાર્ડ ધારકોને નવેમ્બર માસમાં અનાજ આપવામાં આવશે. આ ઉપરાંત, આગામી તહેવારો નિમિત્તે નવેમ્બર-2023નો મળવાપાત્ર જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેની વિતરણ વ્યવસ્થાનો પણ રાબેતા મુજબ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, જેનો લાભાર્થી કુટુંબોએ મહત્તમ લાભ લેવા પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ અનુરોધ કર્યો છે.

પુરવઠા મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને સરકાર દ્વારા આગોતરું આયોજન કરી “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013’ હેઠળના રેશનકાર્ડધારકોને રાહત દરે કાર્ડદીઠ 1 લીટર સીંગતેલ તથા અંત્યોદય અને બીપીએલ રેશનકાર્ડધારકોને કાર્ડદીઠ વધારાની 1 કિ.ગ્રા. ખાંડનું ઓક્ટોબર-2023માં વિતરણ કરાયું છે. ઓક્ટોબર માસમાં 73 હજાર મે. ટન ઘઉં, 1.05 લાખ મે. ટન ચોખા, ખાદ્યતેલ-સીંગતેલના એક લીટરના 67 લાખ પાઉચ, 8,500 મે. ટન ખાંડ, 5 હજાર મે. ટન ચણા અને 3,300 મે. ટન ડબલ ફોર્ટિફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવ્યું છે. આમ, કોઈ કાર્ડધારક દિવાળીના તહેવારમાં રાજ્ય સરકારની સસ્તા અનાજની યોજનાથી બાકાત રહે નહીં તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

પુરવઠા મંત્રી કુંવરજીભાઈએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સાથે ગત સપ્ટેમ્બર-2023માં સસ્તા અનાજના દુકાનદાર એસોસિયનના હોદેદારો સાથે થયેલી બેઠકમાં નક્કી થયા મુજબ ગત સપ્ટેમ્બર 2023ના માસનું તમામ જિલ્લાના વાજબી ભાવના દુકાનદારોને મિનિમમ કમિશન રૂ.20 હજાર પેટે રૂ.3.53 કરોડથી વધુની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ સિવાય પણ પ્રજાના હિતમાં સસ્તા અનાજના દુકાનદારોના પ્રશ્નોના યોગ્ય ઉકેલ માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે તેમ, પણ મંત્રીએ ઉમેર્યું હતું.

Related posts

જીવનમાં ભૌતિકતા અને અધ્યાત્મિકતા; બન્નેના સુયોગથી જ સાચો આનંદ માણી શકાશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

Navbharat

સરકાર 1 સપ્ટેમ્બરથી 6 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં ‘મેરા બિલ મેરા અધિકાર’ GST પુરસ્કાર યોજના શરૂ કરશે

Navbharat

પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર પર વોટ્સઅપ અને વેબસાઇટ દ્વારા મેળવી શકાશે

Navbharat