NavBharat
Education

પદવીદાન સમારોહમાં ૪૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ,૧,૧૭૮ને ડિગ્રી જ્યારે ૨૩ વિદ્યાર્થીઓને પીએચ.ડીની પદવી એનાયત કરાઈ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ન્યાયસંગત સમાજ-ઘડતર અને રાષ્ટ્રનિર્માણમાં NFSUના વિદ્યાર્થીઓનું વિવેકપૂર્ણ યોગદાન ભારતને આગામી સમયમાં સુરાજ્ય-રામરાજ્ય તરફ આગળ ધપાવશે. વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને ચરિતાર્થ કરવા માટે વિદ્યાર્થીઓ વ્યક્તિગત વિચારથી આગળ વધીને ૨૧મી સદીમાં ભારતને વિશ્વસ્તરે આગળ વધારે તે સમયની માગ છે. સ્પર્ધાત્મક દુનિયામાં ભૌતિકતાની સાથે ભારતીય આધ્યાત્મિકતા પણ ખૂબ મહત્વની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તાજેતરમાં જે ત્રણ નવા કાયદા પસાર કરવામાં આવ્યા છે તેમાં નાગરિકોને દંડ નહીં પણ ન્યાય અપાવવામાં મદદરૂપ થશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી- NFSUનો ‘દ્વિતીય પદવીદાન’ સમારોહ યોજાયો હતો. જેમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ઉત્તીર્ણ ૪૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, વિવિધ ૩૭ દેશોના ૬૪ સહિત કુલ ૧,૧૭૮ને ડિગ્રી જ્યારે ૨૩ વિદ્યાર્થીઓને પીએચ.ડીની પદવી કેન્દ્રીય મંત્રી શ્રી પ્રધાનના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવી હતી.

કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી પ્રધાને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વમાં ઘડાયેલી નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ના ભાગરૂપે NFSU ખરા અર્થમાં મલ્ટી-ડિસિપ્લિનરી યુનિવર્સિટી બની છે. NFSU જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થામાં વિદ્યાર્થીઓને મળીને તેમજ તેઓને ડી.એસસી.,પીએચ.ડી. સહિતની ડિગ્રી પ્રદાન કરીને ગૌરવની લાગણી અનુભવું છું. આ યુનિવર્સિટીમાં ૫૫ ટકા દીકરીઓ ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરી રહી છે, તે ગૌરવ સમાન છે. આર્થિક પ્રગતિએ નવા પડકારો ઊભા કર્યા છે. વિશ્વમાં નવી વિશ્વ-વ્યવસ્થાનું નિર્માણ થઈ રહ્યું છે અને તેમાં ઉદભવતા પડકારોનો સામનો કરવા સાયબર સિક્યોરિટી સહિતના ક્ષેત્રોમાં NFSU કાર્યરત છે અને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે નવી તકો ઊભી કરી રહી છે.

તેમણે કહ્યું હતું કે, ભારતમાં ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે વર્ષે અંદાજે ૧૦,૦૦૦ થી વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થ‌ઈ રહી છે. NFSU એ હવે ભારતમાં જ નહીં પણ યુગાન્ડામાં પણ પોતાનું કેમ્પસ શરૂ કરીને વૈશ્વિક ઓળખ ઊભી કરી છે. વિવિધ દેશોના વિદ્યાર્થીઓ આ કેમ્પસમાં અભ્યાસ કરી રહ્યા છે તે આપણે માટે ગૌરવ સમાન છે.

ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી પદવી મેળવનાર સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, આપ હવે અભ્યાસ પૂર્ણ કરી નવી દુનિયામાં જઈ રહ્યા છો. અત્યાર સુધી આપે અભ્યાસ પોતાના માટે, પરિવાર માટે અને તમારી જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કર્યો પણ હવે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાના હેતુથી યોગદાન આપવા મંત્રીશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રિપબ્લિક ઓફ ઝિમ્બાબ્વેના શિક્ષણ મંત્રી શ્રી એડસન મોયો, રવાન્ડાના ભારત ખાતેના હાઇકમિશનર જેકેલિન મુકાન્ગિરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

NFSUના કુલપતિ, ડૉ. જે.એમ.વ્યાસે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની સ્થાપના એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વ માટે ઉપયોગી કુશળ ફોરેન્સિક નિષ્ણાતોનું સર્જન કરવા માટેનું સ્વપ્ન છે અને ગુનાખોરી સંબંધિત પડકારોનો સામનો કરવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે. ૭૩ વિદ્યાર્થીઓ સાથે શરૂ કરેલી આ સંસ્થામાં આજે દેશ -વિદેશના ૬,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. ૧૪ વર્ષના ટૂંકા ગાળામાં યુનિવર્સિટીએ રાજ્ય સ્તરથી લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીની અભૂતપૂર્વ પ્રગતિ કરી છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું પણ નિરંતર માર્ગદર્શન, પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે. દર વર્ષે ૨,૦૦૦થી વધુ વિદેશી પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક વૈજ્ઞાનિકો, ન્યાયાધીશો, વિવિધ લો એન્ફોર્સમેન્ટ એજન્સીના અધિકારીઓ આ યુનિવર્સિટીમાં તાલીમ મેળવે છે.

ડો. વ્યાસે કહ્યું હતું કે હાલમાં, યુનિવર્સિટી ૭૨ અત્યંત વિશિષ્ટ ડોક્ટરલ, પોસ્ટ-ડોક્ટરલ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ, ઇન્ટિગ્રેટેડ UG-PG પ્રોગ્રામ્સ, પોસ્ટ-ડોક્ટરલ -D.Sc. / D.Litt. / LLD, B. Sc. જેવા ફોરેન્સિક સાયન્સ સાથે સંબંધિત અભ્યાસક્રમો ચલાવે છે. જ્યારે હાલમાં ૩૫થી વધુ દેશોના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી રહ્યાં છે. ભારતમાં NFSU વિવિધ શહેરોમાં ૦૯ કેમ્પસ ધરાવે છે. વિદેશમાં યુગાન્ડા ખાતે પોતાનું કેમ્પસ શરૂ કરનારી ભારતની સૌ પ્રથમ સરકારી યુનિવર્સિટી બનવાનું ગૌરવ પણ NFSU ધરાવે છે. તેમણે આ પ્રસંગે સૌને અભિનંદન આપી સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પદવીદાન સમારોહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના વાઈસ ચાન્સેલર શ્રી રમાશંકર દુબે, બોર્ડ ઓફ ગવર્નર્સ અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો; પ્રો. (ડૉ.) એસ. ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર-ગાંધીનગર, શ્રી સી. ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, NFSUની વિવિધ સ્કૂલ્સના ડીન અને એસોસિયેટ ડીન,વિવિધ ક્ષેત્રના મહાનુભાવો,અધ્યાપકગણ,વિદ્યાર્થીઓ- વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને 3 વર્ષ પૂર્ણ થયા

Navbharat

કોવિડ દરમિયાન શાળા શિક્ષણમાં જિલ્લાઓના પ્રદર્શનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે: એમઓઇ રિપોર્ટ

Navbharat

ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે ડેકિન યુનિવર્સિટી કેમ્પસ

Navbharat