NavBharat
Gujarat

જાપાન-સિંગાપોરના સાપ્તાહિક પ્રવાસે જવા CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રતિનિધિમંડળ 25 નવેમ્બરે થશે રવાના, ઉદ્યોગ-વાણિજ્ય ક્ષેત્રની ભાગીદારી વ્યાપક બનાવવાનો ઉદ્દેશ્ય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આગામી 25 નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના એક સપ્તાહનાં પ્રવાસે જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં જાપાન અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક ઉપર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે, તેના સંદર્ભમાં જાપાનના ઉદ્યોગ-વાણિજ્ય ક્ષેત્રની ભાગીદારી વ્યાપક બનાવવાના ઉદ્દેશથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

જીઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ જાપાન પ્રવાસ અંગેની વિસ્તૃત વિગતો આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના વિવિધ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો પણ આ પ્રવાસમાં સામેલ થશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતને ઉદ્યોગ, વેપાર અને ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારો માટે ગ્લોબલ ડેસ્ટીનેશન બનાવનારી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશન આગામી જાન્યુઆરી 2024માં યોજાવાની છે.

જાપાન 2009થી આ વાઇબ્રન્‍ટ સમિટમાં પાર્ટનર કન્‍ટ્રી રહ્યું છે. ત્યારે આગામી 10મી એડિશનમાં પણ જાપાનનાં સહયોગને વ્યાપક ફલક પર વિસ્તારવામાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનો આ જાપાન પ્રવાસ ઉપયુક્ત બનશે તેમ રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ 26 નવેમ્બરના રોજ ટોકિયોમાં વસતા ગુજરાતી સમાજના લોકો સાથેની મુલાકાતથી તેમના જાપાન-સિંગાપોર પ્રવાસની શરૂઆત કરશે. દરમિયાન મુખ્યમંત્રી ગુજરાતી સમાજના લોકો સાથે વાતચીત કરશે અને જાપાનના વિકાસમાં તેમના યોગદાન અંગે જાણકારી મેળવશે. તે પછીના દિવસે એટલે કે 27 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ જાપાનના ટોકિયો ખાતે એમ્બેસીની ટુંકી મુલાકાત લેશે.

ગુજરાતમાં ઔદ્યોગિક આર્થિક વિકાસની અનોખી સંભાવનાના સંદર્ભમાં જાપાન ભાગીદાર બને તે હેતુસર જાપાન સરકાર, જાપાનના ઉદ્યોગો તેમ જ જાપાનીઝ સંસ્થાઓની મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળ મુલાકાત લેશે તથા પરસ્પર સહયોગના ક્ષેત્રો વિકસાવવા માટે પરામર્શ કરશે. આ દિવસે મુખ્યમંત્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ JETROના પ્રેસિડેન્ટ, ટોક્યોના ગવર્નર તેમ જ JBICના ગવર્નરની પણ મુલાકાત લેશે. 27 નવેમ્બરની સાંજે મુખ્યમંત્રી અને ગુજરાત પ્રતિનિધિમંડળ જાપાનમાં ભારતના રાજદૂત શ્રીયુત સીબી જ્યોર્જ દ્વારા ઇન્ડિયા હાઉસ ખાતે આયોજિત ગુજરાતનાં મુખ્યમંત્રીના માનમાં આયોજિત ડિનરમાં જોડાશે.

ગુજરાતમાં હાલ અનેક જાપાનીઝ ઉદ્યોગો અને ઉત્પાદન એકમો કાર્યરત છે. બેસ્ટ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર, પ્રો-એક્ટિવ પોલિસીઝ, ગૂડ ગવર્નન્‍સ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઝીરો મેન ડઈઝ લોસ જેવા ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમથી પ્રેરિત થઈને વધુ જાપાનિઝ ઉદ્યોગો ગુજરાતમાં મૂડીરોકાણ માટે અને પરસ્પર સહયોગનાં ક્ષેત્રો વધુ વિકસે તેવા ઉદ્દેશય સાથે ટોકિયોમાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અગ્રણી ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠકો પણ યોજવાના છે.

29 નવેમ્બરે ટોકિયોની ઇમ્પિરિયલ હોટલ ખાતે રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શૉ દરમિયાન પણ મુખ્યમંત્રી સાથે વિવિધ વન-ટુ-વન બેઠકો આયોજિત કરવામાં આવી છે. રોડ શૉ પૂરો થયા પછી 29 નવેમ્બરની સાંજે મુખ્યમંત્રી અને ગુજરાતનું ઉચ્ચસ્ચરીય પ્રતિનિધિમંડળ બુલેટ ટ્રેન મારફતે કોબે જવા રવાના થશે. જાપાન પ્રવાસના પાંચમા દિવસે એટલે કે 30 નવેમ્બરના રોજ સીએમ ભૂપેન્‍દ્ર પટેલ કોબેના ગવર્નર અને મેયરની મુલાકાત લેશે. ત્યારબાદ સીએમ અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ જાપાનમાં વસતા ગુજરાતી સમાજના લોકો સાથેના ભોજન સમારોહમાં જોડાશે અને જાપાનમાં વિવિધ ક્ષેત્રે ભારતીય તથા ગુજરાતી સમુદાયનાં લોકોના યોગદાન અંગે ચર્ચા-પરામર્શ કરશે. ત્યારબાદ તેઓ ત્યાંથી સિંગાપોર જવા રવાના થશે.

1 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંગાપોર સરકારના અધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠકો કરશે. લંચ પછી પણ મુખ્યમંત્રીની વિવિધ વન-ટુ-વન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ સિંગાપોર ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીની મુલાકાત પણ લેશે. 2 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી અને ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સિંગાપોરમાં વિવિધ સાઇટ્સ વિઝિટ કરીને સિંગાપોરથી અમદાવાદ પરત આવવા રવાના થશે.

Related posts

જી 20 મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી પરિષદ 27 ઓગષ્ટ થી 29 ઓગષ્ટ)

Navbharat

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો સાથે વધુ ૪ MoU થયાં

Navbharat

ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે જનતાની સલામતી, કાયદો-વ્યવસ્થાની જાળવણી હેતુસર અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

Navbharat