NavBharat
Gujarat

ભુજ ટાઉનહોલ ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ -2023ની ઉજવણી કરાઈ

કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં 24 અને 25 નવેમ્બર, 2023 એમ બે દિવસ રવિ કૃષિ મહોત્સવ-2023ની ઉજવણી કરવામાં આયોજન કરાયું છે. જે અંતર્ગત આજરોજ ભુજ ટાઉનહોલ ખાતે ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. ગુજરાત રાજ્યકક્ષાના કાર્યક્રમનો શુભારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદથી કરવામાં આવ્યો હતો, જેનું જીવંત પ્રસારણ ટાઉનહોલ ભુજ ખાતે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ખેડૂતોએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, દિવસેને દિવસે કૃષિ આધુનિક બનતી જાય અને તેમાં અવનવા સંશોધનો થતા જાય છે. આ તમામ નવીન સંશોધનોની માહિતી છેવાડાના ખેડૂતો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેતીનો વિકાસ દેશના વિકાસ સાથે સીધો જ સંબંધ ધરાવે છે. ખેડૂતોને પારંપારિક ખેતી ઉપરની નિર્ભરતા ઘટાડીને નવી તકનિકોને અપનાવવા ધારાસભ્યે અનુરોધ કર્યો હતો. તેઓએ ઉમેર્યું કે, ખેતીમાં નફો વધારવો હોય તો ખર્ચ ઘટાડવાની બાબતને પ્રાથમિકતા આપવી પડશે. આધુનિક ઢબે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહથી ખેતી કરવામાં આવે તો ખર્ચ ઘટી શકે છે. કચ્છ સહિત રાજ્યના ખેડૂતોને બિયારણ, ખાતર, દવાઓ વગેરે સમયસર મળી રહે તે માટે સરકારે વ્યવસ્થા ઊભી કરી છે.

ધારાસભ્યે રવિ કૃષિ મહોત્સવમાં સહભાગી થઈને તેનો મહત્તમ લાભ લેવા માટે સૌ ખેડૂતભાઈઓને અપીલ કરી હતી. ધારાસભ્યે ભુજ ટાઉનહોલ પરિસરમાં કૃષિ પ્રદર્શન અંતર્ગત ઊભા કરવામાં આવેલા વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લઈને ખેડૂતોને પ્રોત્સાહન પુરી પાડીને સંવાદ કર્યો હતો. કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આ રવિ કૃષિ મહોત્સવ એક જ જગ્યાએ ખેડૂતોને તમામ પ્રકારનું ખેતી વિષયક માર્ગદર્શન પુરું પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ સાથે તેમણે ભુજ તાલુકાનો સમાવેશ અટલ ભૂ યોજના અંતર્ગત કરવામાં આવ્યો હોવાથી તેનો લાભ લેવા અપીલ કરી હતી. ઉપરાંત, મહત્તમ ખેડૂતો ડ્રીપ ઈરિગેશન અપનાવીને પોતાના ઘરે કિચન ગાર્ડેનિંગ કરે તેવો અનુરોધ કર્યો હતો.

બાગાયત પાકોમાં નવીનત્તમ ટેક્નોલોજી અંગે કૃષિ વૈજ્ઞાનિકોએ ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લામાં ખેતીમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ, તાલુકાકક્ષાનો એવોર્ડ, સન્માનપત્ર અને સહાય વિતરણ પત્ર આપવામાં આવ્યા હતા. ઉપરાંત, પ્રદર્શનમાં આધારકાર્ડ, શ્રી અન્ન વાનગી પ્રદર્શન, ડ્રોનથી દવાનો છંટકાવ, પશુપાલન, એફપીઓ, ટ્રેક્ટર સહાય, મેડિકલ, ખેતી વિષયક સરકારી યોજનાઓની માહિતી વગેરે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, કિશાન સંઘના પ્રમુખ શિવજી બરાડિયા, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, મદદનીશ ખેતી નિયામક કે.વી.પટેલ, કૃષિ વૈજ્ઞાનિક ડૉ. જયદીપ ગોસ્વામી, સરદાર કૃષિ યુનિવર્સિટીના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. બી.આર. નાકરાણી, સર્વે ગ્રામસેવકો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ: દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને

Navbharat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ

Navbharat

કચ્છ રણોત્સવમાં એક વધુ મોરપીંછ ઉમેરાયું

Navbharat