NavBharat
Education

અમેરિકા ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીને ‘આંતરરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ‘થી સન્માનિત કરાઈ

ગુજરાત રાજ્ય આજે વિશ્વમાં સૌથી ઝડપી વિકસી રહેલા ભારત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે અને સાથે જ અનેક સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. સમગ્ર વિશ્વ આજે ગુજરાતના સર્વાંગી વિકાસથી સૌ કોઈ પરિચિત છે, અને તાજેતરમાં જ રાજ્યની ગૌરવ ગાથામાં વધુ એક નવો અધ્યાય ઉમેરાયો છે. કૃષિ સંબંધિત શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે અગ્રેસર આણંદ કૃષિ યુનિવર્સિટીને અમેરિકા ખાતે‘આંતરરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ‘થી સન્માનિત કરવામાં આવી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીને આ ગૌરવશાળી એવોર્ડ મળવા બદલ અભિનંદન પાઠવતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કૃષિ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળે તે રાજ્યના દરેક નાગરિક માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે. અનેક વર્ષોથી ગુજરાત કૃષિ પ્રધાન રાજ્ય રહ્યું છે, અને આજે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ટેકનોલોજી અને કૃષિ સંશોધનોના પરિણામે ગુજરાત એગ્રીકલ્ચર પાવરહાઉસ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ એવોર્ડ મળવાથી આગામી સમયમાં કૃષિ અભ્યાસ અને સંશોધનમાં રસ દાખવતા અનેક આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ ગુજરાત તરફ આકર્ષિત થશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ એવી શૈક્ષણિક સંસ્થાઓને આપવામાં આવે છે, જેમણે પર્યાવરણના બચાવ અને ઇકોલોજીકલ બેલેન્સ માટે કેમ્પસ તેમજ અભ્યાસક્રમમાં ગ્રીન પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતા દાખવી તેના માટે પ્રયાસો કર્યા હોય. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યુનિવર્સિટી દ્વારા પર્યાવરણ સરંક્ષણ માટે આવી જ અનેક નવતર પહેલો હાથ ધરવામાં આવી છે. જેમાં હરિયાળું અને પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ, જળ સંરક્ષણ, પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોનો ઉપયોગ જેવી વિવિધ પહેલોને ધ્યાને લઇ યુનિવર્સિટીને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે.

અમેરિકાના ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રની ૭૮મી સામાન્ય સભાની સમાંતરીત આયોજિત થયેલી ગ્રીન સ્કૂલની ૭મી કોન્ફરન્સમાં ગુજરાતને આ સન્માન પ્રાપ્ત થયું હતું, અને આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે કુલસચિવ ડૉ. ગૌતમ પટેલને આ ગૌરવશાળી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખીય છે કે, કુલપતિશ્રીના નેતૃત્વ હેઠળ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પાસાઓ ઉપર વિસ્તૃત અહેવાલ તૈયાર કરી આ એવોર્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં યુનિવર્સિટીના અભ્યાસક્રમ, પર્યાવરણ સબંધિત વિષયો, યુનિવર્સિટીમાં જળ સંરક્ષણ અને રીસાયકલ માટેના પ્રયત્નો, કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ, ઉર્જા માટે સૌર પેનલ્સનો ઉપયોગ, પરિવહન માટે ગ્રીન વાહનના ઉપયોગ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતા કૃષિ વિષયક સંશોધનોમાં પણ પર્યાવરણની જાળવણી માટેના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવે છે.

Related posts

આજે રવિવારની રજા નહીં, યોગી સરકારનો યુપીની શાળાઓ માટે નિર્દેશ

Navbharat

પદવીદાન સમારોહમાં ૪૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ,૧,૧૭૮ને ડિગ્રી જ્યારે ૨૩ વિદ્યાર્થીઓને પીએચ.ડીની પદવી એનાયત કરાઈ

Navbharat

20 પીજી અભ્યાસક્રમમાં 660 બેઠકો પર પ્રવેશ માટેની તક, પરીક્ષા 11 થી 28 માર્ચ 2024 દરમિયાન યોજાશે.

Navbharat