દેશની જાણિતી એરલાઇન કંપની એર ઈન્ડિયાને ટાટા ગ્રુપ દ્વારા ટેકઓવર કર્યા બાદ કંપનીમાં સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે હવે માહિતી છે કે, આગામી છ મહિનામાં એરલાઈન્સ 30થી વધુ નવા એરક્રાફ્ટ લાવી શકે છે. આ સિવાય એરલાઈન્સ સાપ્તાહિક 400 ફ્લાઈટ્સ ઉમેરવાની પણ યોજના બનાવી રહી છે. માહિતી મુજબ, એરલાઇન દેશની બહાર ચાર નવી જગ્યાઓ માટે ફ્લાઇટ શરૂ કરી શકે છે. ટાટા ગ્રૂપની એરલાઇન હાલના નેટવર્ક અને ફ્લાઇટ્સના વિસ્તરણ પર કામ કરી રહી છે.
400થી વધુ સાપ્તાહિક ફ્લાઇટ્સની યોજના
મીડિયા અહેવાલ અનુસાર, એર ઇન્ડિયાની યુરોપ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ એશિયામાં આંતરરાષ્ટ્રીય વિસ્તરણ કરવાની યોજના છે. શિયાળુ કાર્યક્રમના ભાગ રૂપે, એરલાઈન માર્ચ, 2024 સુધીમાં તેના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં 400થી વધુ સાપ્તાહિક ફ્લાઈટ્સ ઉમેરવા ઇચ્છે છે. શિયાળું પ્રોગ્રામ 29 ઓક્ટોબરથી 30 માર્ચ, 2024 સુધી લાગુ રહેશે.
માહિતી છે કે, એર ઈન્ડિયાએ ઘણા સ્થાનિક રૂટ પર 200થી વધુ સાપ્તાહિક ફ્લાઈટ્સ શરૂ કરવાનું લક્ષ્ય પણ રાખ્યું છે. સાથે જ કંપની આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર પણ 200થી વધુ સાપ્તાહિક ફ્લાઇટ્સ શરૂ કરી શકે છે. આમાં 80થી વધુ સાપ્તાહિક ફ્લાઇટ્સ પહેલેથી જ ઉમેરવામાં આવી છે. એર ઈન્ડિયાની એક પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2024 સુધીમાં એર ઈન્ડિયાના કાફલામાં 30થી વધુ મોટા કદના એરક્રાફ્ટ સામેલ થવાની અપેક્ષા છે. કાફલામાં ચાર B777, છ A350 અને 20 A320 neoનો સમાવેશ થાય છે.