શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેશની અભિનેત્રી ગાયત્રી જોશીની કારનું થોડા દિવસ પહેલા ઇટાલીમાં જોરદાર અક્સમાત સર્જાયો હતો. જો કે, અકસ્માત બાદ અભિનેત્રી તાજેતરમાં પહેલીવાર પતિ વિકાસ ઓબેરોય સાથે જાહેર કાર્યક્રમમાં જોવા મળી હતી. ગાયત્રી જોશીએ ગઈકાલે રાત્રે પતિ વિકાસ સાથે Jio વર્લ્ડ પ્લાઝાની ઓપનિંગ ઇવેન્ટમાં હાજરી આપી હતી અને કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા.
જણાવી દઈએ કે, ઇટાલીમાં કાર અકસ્માત બાદ અભિનેત્રી ગાયત્રી જોશીની પહેલીવાર જાહેરમાં દેખાવાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ગાયત્રી જોશી ગઈકાલે સાંજે Jio વર્લ્ડ પ્લાઝા લોન્ચ ઈવેન્ટમાં યલો ડ્રેસ પહેરીને ગ્લેમરસ સ્ટાઈલમાં જોવા મળી હતી. જ્યારે અભિનેત્રી ગાયત્રી જોશીના પતિ વિકાસે નેવી બ્લુ સૂટ સાથે લાઇટ સ્કાય ચેકર્ડ શર્ટ પહેર્યો હતો.
ઇટાલીમાં કાર અકસ્માત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓક્ટોબર મહિનામાં ઈટાલીમાં ગાયત્રી જોશી અને તેના પતિ વિકાસ ઓબેરોયનો કાર અકસ્માત થયો હતો, જેમાં બે લક્ઝરી કાર અને એક કેમ્પર વાન સામેલ હતી. આ અકસ્માતમાં એક વૃદ્ધ દંપતીનું મોત થયું હતું. અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો રિપોર્ટ્સનું માનીએ તો વિકાસ ઓબેરોય વિરુદ્ધ આ મામલે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, ગાયત્રીએ અકસ્માતના સમાચારની પુષ્ટિ કરી હતી અને એ પણ જણાવ્યું હતું કે તે અને તેના પતિ બિલકુલ સ્વસ્થ છે.