વર્લ્ડ કપ-2023માં 23 વર્ષીય કિવી બેટ્સમેન રચિન રવિન્દ્ર પાકિસ્તાન સામે ઓપનિંગ કરવા આવ્યો હતો. તેણે વર્લ્ડ કપમાં તેની ત્રીજી સદી 88 બોલમાં ફટકારી હતી. તે 108 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. આ ઈનિંગ દરમિયાન રચિને ઘણા શાનદાર પરાક્રમ કર્યા હતા. તેણે મહાન સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો હતો. તેનું નામ સચિન અને રાહુલના નામને જોડીને રચીન રાખવામાં આવ્યું હતું. આવો તમને જણાવીએ કે રચિને કયા રેકોર્ડ પોતાના નામે કર્યા.
25 વર્ષથી ઓછી ઉંમરે સૌથી વધુ સદી, ડેબ્યૂ વર્લ્ડ કપમાં 500 રન
રચિન 25 વર્ષથી ઓછી ઉંમરના વર્લ્ડ કપમાં સૌથી વધુ ત્રણ સદી ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો છે. સચિનના નામે બે સદી હતી. રચિન પાસે હજુ ઓછામાં ઓછી એક વધુ મેચ બાકી છે. રવિન્દ્ર ડેબ્યૂ વર્લ્ડ કપમાં 500થી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન છે. તેના પહેલા માત્ર ઈંગ્લેન્ડના જોની બેરસ્ટો આ કરી શક્યો હતો. રચિનને હવે ડેબ્યૂ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બનવા માટે માત્ર 10 રનની જરૂર છે.
રચિનના રન સચિનના રન બરાબર
રચિને 25 વર્ષથી ઓછી ઉંમરના એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના સચિનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. બંનેના 523-523 રન છે. રચિન પાસે હવે સચિનને પાછળ છોડવાની તક છે.
વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ સદી
આ વર્લ્ડ કપમાં રચિન રવિન્દ્ર એ ત્રણ સદી ફટકારી છે. તે વિશ્વ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો છે. ડેબ્યૂ વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ રચિનના નામે છે. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે સદીની ઈનિંગ્સ રમી હતી.