મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યુ છે કે, ભારત સ્વતંત્રતાના સાડા સાત દાયકા પૂરા કરી આજે વિશ્વમાં મોટા લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે ઉન્નત મસ્તકે ઊભું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની માટીમાં પાકેલા રત્નોની સ્મૃતિને ચિરંજીવ રાખવા “મારી માટી મારો દેશ”નું અભિયાન ઉપાડ્યું છે. તેમણે ૨૦૧૪માં દેશનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ દરેક નીતિ ઘડતરમાં – “નેશન ફર્સ્ટ”નો ભાવ અડગ રાખ્યો છે. દેશમાં વિકાસની રાજનીતિનો એક નવો ઈતિહાસ વડાપ્રધાનશ્રીએ નવ વર્ષમાં રચ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ દેશની વિરાસતોનું ગૌરવ કરીને અને નાગરિક દાયિત્વ નિભાવીને એકતા-અખંડિતતા બરકરાર રાખીને માં ભારતીને પરમ વૈભવના શિખરે વિરાજિત કરવાનો સંકલ્પ કરવા સૌને આહવાન કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ પાઠવેલ પ્રજાજોગ સંદેશ અક્ષરસ: નીચે મુજબ છે
• ગુજરાતના મારા વ્હાલા નાગરિક ભાઈઓ-બહેનો સ્વતંત્રતા પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
• સ્વતંત્રતાના સાડા સાત દાયકા પૂરા કરી આજે વિશ્વમાં મોટા લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે ઉન્નત મસ્તકે ભારત ઊભું છે.
• બ્રિટિશરોની ગુલામી સામે જંગ છેડીને, સંઘર્ષ કરીને, લાઠી-ગોળી ખાઈને આપણી મા ભારતીને સ્વતંત્રતા અપાવનારા શહીદવીરો, ક્રાંતિવીરોનું પૂણ્ય સ્મરણ કરવાનો પણ આ અવસર છે.
• વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદાર સિંહ રાણા, સુખદેવ, રાજગુરૂ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ,
• આ દેશની માટીમાં આવા અનેક શૂરવીરો પાક્યાં છે જેમણે આપેલા બલિદાન અને ત્યાગની પરિપાટીએ ભારત આજે લોકશાહી રાષ્ટ્ર તરીકે વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામ્યો છે.
• સશ્ય શ્યામલામ, મલયજ શીતલામ એવી ભારતભૂમિની મુક્તિ માટે ખપી ગયેલા વીરલાઓની વંદના કરવાની તક આ આઝાદી પર્વ આપણા માટે લાવ્યું છે.
• આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની માટીમાં પાકેલા આવા રત્નોની સ્મૃતિને ચિરંજીવ રાખવા “મારી માટી મારો દેશ”નું અભિયાન ઉપાડ્યું છે.
• ૩૦ ઓગષ્ટ સુધી ચાલનારું આ અભિયાન આઝાદીના અમૃત મહોત્સવની પૂર્ણાહુતિને વધુ જાનદાર અને શાનદાર બનાવશે.
• દેશની માટીને નમન, વીરોને વંદન સાથે માતૃભૂમિને નમન અને દેશના સપૂતોને શ્રદ્ધાંજલિ આપનારું આ અનોખું અભિયાન જન જનમાં રાષ્ટ્રભાવના ઝંકૃત કરવાનું છે.
• યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ અભિયાનમાં દેશના અઢી લાખથી વધુ ગામોની માટી એકઠી કરીને દેશની રાજધાની દિલ્હીના કર્તવ્યપથ સુધી લાવી અમૃત મહોત્સવ સ્મારક અને અમૃત વાટિકાનું નિર્માણ થવાનું છે.
• ગુજરાત તો આઝાદી જંગમાં અગ્રેસર રહેલું રાજ્ય છે. આ જ ભૂમિના-આપણી જ માટીના સપૂતોની વંદના અને પુણ્ય સ્મરણ કરીને “મારી માટી મારો દેશ” અભિયાનને જ્વલંત સફળતા અપાવવાનો આપણો સંકલ્પ છે.
• ભાઈઓ બહેનો, પોતાની આઝાદીના, સ્વરાજ્ય મળ્યાના ૭૫ વર્ષનો ઉત્સવ સૌ માટે ગૌરવપૂર્ણ હોય તે સ્વાભાવિક છે.
• એમાંય ગુજરાત માટે આ અવસર વિશેષ ગૌરવમય છે. કેમ કે સ્વરાજ્ય પ્રાપ્તિ માટેનો અહિંસક જંગ ગુજરાતના બે પનોતા પુત્રો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોહપુરુષ સરદાર પટેલની આગેવાનીમાં ખેલાયો હતો.
• સ્વરાજ્ય મળ્યાના દાયકાઓ પછી હવે ગુજરાતની ધરતીના ગૌરવ સંતાન વિશ્વ નેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતે સુરાજ્ય-ગુડ ગવર્નન્સનો આગવો પથ કંડાર્યો છે.
• આ વર્ષે વડાપ્રધાનશ્રીના વડપણ નીચેની સરકારના નવ વર્ષ પૂર્ણ થયાં છે.
• દેશમાં વિકાસની રાજનીતિનો એક નવો ઈતિહાસ તેમણે આ નવ વર્ષમાં રચ્યો છે.
• હવે દેશમાં સર્વસમાવેશી, સર્વપોષી અને સર્વસ્પર્શી વિકાસની સંસ્કૃતિ વિકસાવી છે.
• દેશમાં તમામ નાગરિકો માટે સમાનતા અને તકો ઊભી કરવાના કમિટમેન્ટ સાથે નરેન્દ્રભાઈ મોદીની સરકાર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહી છે.
• ૨૦૧૪માં દેશનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ દરેક નીતિ ઘડતરમાં – “નેશન ફર્સ્ટ”નો ભાવ અડગ રાખ્યો છે.
• કલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં ગરીબ, વંચિત, પીડિત અને છેવાડાનાં માનવીના હિતને પ્રાથમિકતા આપી છે.
• જેમના માટે કલ્યાણકારી યોજનાઓનું નિર્માણ થાય તે યોજનાઓ ૧૦૦ ટકા લાભાર્થી સુધી પહોંચે તેવો સેચ્યુરેશનનો નવતર વિચાર હવે દેશમાં કાર્યસંસ્કૃતિ બની ગયો છે.
• નવ વર્ષના તેમના સુશાસનમાં ભારત દેશ વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો છે.
• વંચિત વર્ગોનું સશક્તિકરણ હોય કે દેશનું સાંસ્કૃતિક સંરક્ષણ – ભારત આજે વિશ્વને માર્ગ ચીંધનારા રાષ્ટ્ર તરીકે ઊભરી આવ્યું છે.
• ગુજરાતને તો આદરણીય શ્રી નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપનો લાભ બે-અઢી દાયકાથી મળતો રહ્યો છે.
• તેમનાં દૃષ્ટિવંત નેતૃત્વને પરિણામે ભારતને જી-ટ્વેન્ટી પ્રેસીડેન્સીની યજમાની મળી છે.
• ગુજરાતને પણ આ સમિટની ૧૬થી વધુ બેઠકોનાં આયોજનનું ગૌરવ તેમણે અપાવ્યું છે.
• એમના જ કંડારેલા સુશાસન, ઈઝ ઓફ લિવિંગ અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના પ્રયાસ તથા સૌના વિશ્વાસના પથને હું અને મારી સરકાર કૃતજ્ઞતાપૂર્વક અવિરત આગળ ધપાવવા સંકલ્પબદ્ધ છીએ.
• આઝાદીનું ૭૭મું પર્વ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે મારે આપને કહેવું છે કે આ એક વર્ષમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે.
• ખેતી અને ખેડૂતોના વિકાસને અમે હંમેશા અગ્રિમતા આપી છે.
• પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશી ગાય નિભાવખર્ચ યોજના હેઠળ ૧.૬૮ લાખથી વધુ ખેડૂતોને આશરે રૂ.૯૦ કરોડની સહાય આપી છે. રાજ્યમાં પોણા આઠ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
• મિત્રો, આ સરકાર ગરીબો, વંચિતો, પીડિતો, આદિવાસીઓની સરકાર છે.
• રેશનની દુકાનમાંથી “શ્રી અન્ન” ને પ્રોત્સાહન આપવા બાજરી અને જુવારનું વિતરણ અમે શરૂ કર્યું છે.
• ૭૧ લાખ કુટુંબોને દર મહિને કુટુંબદીઠ ૧ કિલો ચણાનું રાહતદરે વિતરણ તથા ઘઉં તથા ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
• આદિમજૂથોના સર્વાંગી વિકાસ માટે ‘મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ’ યોજના શરૂ કરી છે.
• પ્રત્યેક નાગરિક સ્વસ્થ રહે એવા સેવા-સંકલ્પ સાથે સૌના આરોગ્યની અમે કાળજી લીધી છે.
• આયુષ્યમાન ભારત યોજના હેઠળની સહાય આપણે કુટુંબદીઠ રૂ. પાંચ લાખથી વધારીને રૂ. ૧૦ લાખ કરી છે.
• રાજ્યના દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ સ્થાપવાની દિશામાં આ વર્ષે અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ એમ ચાર નવી મેડિકલ કોલેજો શરૂ કરવાના છીએ.
• વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં આપણે ગુજરાતને ટ્રાન્સપરન્ટ, એફિશિયન્ટ અને રિસ્પોન્સિવ ગવર્નન્સનું રોલમોડલ બનાવ્યું છે.
• ટેકનોલૉજીનો વધુને વધુ ઉપયોગ કરીને સિટીઝન સેન્ટ્રીક સર્વિસીસની ડિલિવરી ફાસ્ટ કરી છે.
• ગામડાઓમાં સ્માર્ટ અને સસ્ટેનેબલ માળખાકીય સુવિધાઓ વિકસાવવા સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના શરૂ કરી છે અને પાંચ-પાંચ લાખના પુરસ્કાર જાહેર કર્યા છે.
• રાજ્યનાં નગરો-શહેરોમાં ૪૦ જેટલી સેવાઓ એક જ સ્થળેથી લોકોને સરળતાથી આપવા સીટી સિવિક સેન્ટર્સ શરૂ કર્યા છે.
• વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય માનવીની રજૂઆતો-ફરિયાદોના નિવારણ માટે ટેકનોલોજીનો ઉપયોગ ‘સ્વાગત’ ઓનલાઇન દ્વારા બે દાયકાથી શરૂ કરાવ્યો છે.
• “સ્વાગત” તો ગ્રીવન્સીસ રીડ્રેસલનું એક આગવું મોડલ બન્યો છે.
• હવે લોકોને પોતાની ફરિયાદો કે રજૂઆતો માટે સરકારી કચેરીમાં આવવું નથી પડતું એવી જ્વલંત સફળતા “સ્વાગત” થી મળી છે.
• આપણે તેમાં એક ડગલું આગળ વધીને સ્માર્ટ ગવર્નન્સ સાકાર કરવા CMO વોટ્સએપ બોટ, ગ્રીવન્સીસ રીડ્રેસલ મોનીટરીંગ સિસ્ટમ જેવા નવતર અભિગમ અપનાવ્યા છે
• લોકો પોતાના પ્રશ્નો-સમસ્યાના નિવારણના ફીડબેક આપી શકે તે હેતુથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ facebook, instagram અને kooને સ્વાગત સાથે જોડ્યાં છે.
• આવા ઈઝ ઓફ લિવિંગ સાથે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ દ્વારા ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવ્યું છે.
• વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટના વર્લ્ડ મેપ પર મૂકવા શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટ આજે બેંચમાર્ક બની ગઈ છે.
• જાન્યુઆરી-૨૦૨૪માં વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી યોજવાના છીએ.
• શાંત અને સલામત ગુજરાત ઉત્તમ આંતરમાળખાકીય સુવિધાઓ, પોલિસી ડ્રિવન સ્ટેટ, સ્કીલ્ડ લેબર ફોર્સ, વીજળી-પાણીની ઉપલબ્ધિ વગેરેને કારણે દુનિયાભરના રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું સ્થાન બન્યું છે.
• ગુજરાત ૩૩ ટકા નિકાસ સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે.
• ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગ્લોબલ હબ બનાવવાના વડાપ્રધાનશ્રીના લક્ષ્યની દિશામાં સેમિકન્ડક્ટર ચીપ મેન્યુફેક્ચરિંગનો દેશનો પ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં થવાનો છે.
• કેન્દ્ર-રાજ્યના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.
• ભાઈઓ બહેનો, આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ.
• આ અમૃતકાળને રાજ્ય અને રાષ્ટ્રના ભાવિ વિકાસનો અમૃતકાળ બનાવવો છે.
• આદરણીય વડાપ્રધાનશ્રીએ ૨૦૪૭માં દેશની આઝાદીની શતાબ્દીને વિકાસની સદી બનાવવા અને સ્વાતંત્ર્યવીરોના સપનાનું ભારત બનાવવા પંચ પ્રણ નું આહવાન કર્યું છે.
• તેમણે આ આ પંચ પ્રણના પ્રથમ પ્રણ તરીકે વિકસિત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે. ગુજરાત વિકસિત ભારતના અર્થતંત્રની આધારશિલા બનશે.
• બીજો સંકલ્પ તેમણે ગુલામીના દરેક અંશથી મુક્તિ મેળવવાનો આપ્યો છે.
• આ માટે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ થઈએ.
• દેશની વિરાસતોનું ગૌરવ કરીને અને આપણું નાગરિક દાયિત્વ નિભાવીને એકતા-અખંડિતતા બરકરાર રાખીને માં ભારતીને પરમ વૈભવના શિખરે વિરાજિત કરવાનો સંકલ્પ કરીએ.
• આઝાદીનું આ પર્વ આપણા ગુજરાતને દેશનું અગ્રિમ રાજ્ય બનાવવાનું સંકલ્પ પર્વ બને એ જ અપેક્ષા છે.
• ફરી એકવાર, સ્વતંત્રતા દિવસની સૌને શુભેચ્છાઓ…
• વંદે માતરમ…. ભારત માતા કી જય… જય જય ગરવી ગુજરાત…