• મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડમાં ધ્વજવંદન- રાષ્ટ્રવંદના કર્યા
• આઝાદી-સ્વરાજ્ય માટે જીવન ખપાવી દેનારા વીર શહીદોના ભારત માતાને પરમવૈભવના શિખરે બિરાજીત કરવાના સ્વપ્નને વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સુરાજ્ય- ગુડ ગવર્નન્સથી હવે દેશ સાકાર કરી રહ્યો છેઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
———
-ઃ મુખ્યમંત્રીશ્રીઃ-
• આઝાદીના અમૃતકાળમાં ગુજરાતને અગ્રેસર રાખી યુવા પેઢીના ઉજ્જવળ ભાવિ માટે આ વર્ષે રૂ. ૩ લાખ કરોડનું ઐતિહાસિક બજેટ આપ્યું છે
• પંચ સ્થંભ આધારિત બજેટથી ભાવિ વિકાસનો રોડ મેપ કંડાર્યો છે
• ગરવું- ગતિશીલ, ગુણવંતુ અને ગ્લોબલ ગુજરાતના 4G માં હવે ગ્રીન ગ્રોથ સાથે ગુજરાત 5G બનશે
• વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમૃતકાળને કર્તવ્યકાળ બનાવવા આપેલા પંચ પ્રણોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ગુજરાત પ્રતિબધ્ધ
• આદિજાતિ ડાંગ જિલ્લાના ૨૭૯ ગામોમાં સરફેસ સોર્સથી પાણી આપવા રૂ. ૮૬૬ કરોડની યોજના જાહેર
• ભવિષ્યમાં ૩.૭૧ લાખ આદિજાતિ જનસંખ્યાને રોજનું ૩૮ એમ.એલ.ડી. પાણી મળશે
=======
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ગરિમામય ઉજવણીમાં વલસાડ ખાતે ધ્વજવંદન અને રાષ્ટ્રવંદના કર્યા હતા. તેમણે ખૂલ્લી જીપમાં સવાર થઈ ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વિશાળ જનમેદનીને સંબોધતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમૃતકાળને કર્તવ્યકાળ બનાવવા આપેલા પંચ પ્રણમાં ગુજરાત ઉત્કૃષ્ટ યોગદાન આપવા પ્રતિબધ્ધ છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પ્રેરણાત્મક પ્રવચનમાં કહ્યું કે, આઝાદી-સ્વરાજ્ય માટે જીવન ખપાવી દેનારા વીર શહીદોના ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજીત કરવાના સ્વપ્નને વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં હવે દેશ સુરાજ્ય-ગુડ ગવર્નન્સને ચરિતાર્થ કરી રહ્યો છે.
રાજ્યના નાગરિકોને સ્વાતંત્ર્યના પાવન પર્વની શુભકામનાઓ પાઠવતા તેમણે ઉમેર્યું કે, વતનની માટીનું ગૌરવગાન કરવાના ‘‘મારી માટી, મારો દેશ’’ અભિયાન અને રાષ્ટ્રની અસ્મિતાના ગૌરવ ઉજાગર કરવાના માર્ગે ચાલીને ગુજરાત અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે પણ અગ્રેસર રહેવા સંકલ્પબધ્ધ બન્યું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યની ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યથી વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારત માટે આ વર્ષે ૩ લાખ કરોડનું ઐતિહાસિક બજેટ આપીને પંચસ્તંભ આધારિત વિકાસનો રોડમેપ કંડાર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ગરીબ અને જરૂરતમંદ વર્ગો માટે પાયાની સુવિધા સહિત સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાનો વિકાસ, કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીથ ગ્રોથ એમ પાંચ વિકાસ સ્તંભની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ સાથે સંતુલન સાધીને વિકાસનો-ગ્રીન ગ્રોથનો જે મંત્ર વડાપ્રધાનશ્રીએ આપ્યો છે, તે ગુજરાત 5G થી ભલિ ભાંતિ સાકાર કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના આ 5G વિકાસની વિશદ છણાવટ કરતાં કહ્યું કે, ગરવું ગુજરાત ગતિશીલ ગુજરાત, ગુણવંતુ ગુજરાત અને ગ્લોબલ ગુજરાત એમ રાજ્યના 4Gમાં હવે ગ્રીન ગુજરાતથી 5G બનાવીશું. આ હેતુસર ગ્રીન ક્લીન એનર્જી દ્વારા ગ્રીન ગ્રોથ માટે રાજ્યમાં વિરાટ પ્રોજેકટ શરૂ થયા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
કચ્છના ખાવડા નજીક ૩૦ ગીગાવોટનો હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઇ રહ્યો છે. એટલું જ નહીં, ૧૦,૧૨૩ મેગાવોટની વિન્ડ એનર્જી ઇન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે ગુજરાત દેશમાં પ્રથમ છે, એમ પણ ભૂપેન્દ્ર પટેલે ગૌરવસહ જણાવ્યું હતું.
ગુજરાતે પરંપરાગત ઈંધણથી ચાલતા વાહનોને બદલે ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા EV પોલિસી અમલમાં મૂકી છે, તેની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં ૮૫ હજારથી વધુ EV વાહન વપરાશકારોને રૂ. ૨૧૫ કરોડથી વધુની સબસિડી રાજ્ય સરકારે આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ ડાંગ જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગો, આદિજાતિઓને પાયાની સુવિધા પૂરી પાડવા માટે બજેટના પ્રથમ સ્તંભને અનુરૂપ એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી. જેમાં ડાંગ જિલ્લાના ૨૭૯ ગામોની ભવિષ્યની વસ્તીને સરફેસ સોર્સ આધારિત પીવાનું પાણી પૂરું પાડવા માટે રૂ. ૮૬૬ કરોડની યોજના મંજૂર કરી છે એમ જણાવ્યું હતું.
આ યોજના અન્વયે તાપી નદીના હાલના કાકરાપાર વિયરના ઉપરવાસમાં ઇન્ટેકવેલ બનાવી ૮૫ કિમી લાંબી બલ્ક પાઇપલાઇનથી અંદાજે ૩.૭૧ લાખ આદિજાતિ વસ્તીને રોજનું ૩૮ એમએલડી પાણી પહોંચાડવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આદિજાતિ યુવાઓને ઘરઆંગણે મેડિકલ શિક્ષણ આપવા સરકારે વલસાડ, દાહોદ, રાજપીપળા, ગોધરા જેવા વનવાસી વિસ્તારો સહિત ૮ મેડિકલ કોલેજો શરૂ કરી છે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી શિક્ષણનીતિ અંતર્ગત વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને મેડિકલ જેવા પ્રોફેશનલ અભ્યાસક્રમો માતૃભાષામાં ભણી શકે એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. એન્જિનિયરિંગના વિવિધ વિષયોના પુસ્તકો ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવી એ દિશામાં ડગલું માંડી દીધું છે.
રાજ્યના યુવાનો ઉચ્ચ અભ્યાસ કરીને આગળ વધી શકે તે માટે ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ અંતર્ગત અત્યાર સુધીમાં ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૧૮૦૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર ગુજરાતમાં સલામતી, શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ વધુ મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે કામ કરી રહી હોવાનું જણાવતા ઉમેર્યુ કે, રાજ્યના પોલીસ દળનું મનોબળ વધારીને અસામાજિક તત્વો અને ડ્રગ્સ પેડલરો સહિત ગુનાખોરી અને ગુનાખોરો સામે “ઝીરો ટોલરન્સ”ની નીતિ અપનાવી છે. ડ્રગ્સ સામેની ઝુંબેશ હોય કે વ્યાજખોરોથી મુક્તિ હોય, રાજ્ય સરકારે ગુનો આચરતા તત્વો સામે કડક હાથે કામ લઈને ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સંગીન સ્થિતિ સાથે સુરાજ્યની અનુભૂતિ કરાવી છે.
તેમણે વ્યાજખોરો સામેના અસરકારક અભિયાન અંગે વિગત આપતા જણાવ્યું કે, ગરીબ નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવા સરકારે ૪ હજાર જેટલા લોક દરબાર યોજ્યા છે. જેમાં ૧.૨૯ લાખથી વધુ લોકોએ હાજરી આપી છે. ઉપરાંત વ્યાજના વિષચક્રમાંથી લોકોને બચાવવા સરકારે ૨૨ હજારથી વધુ જરૂરિયાતમંદોને સ્વરોજગાર માટે લોન આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે ગુજરાત પર ત્રાટકેલા બિપરજોય વાવાઝોડા દરમ્યાન ગુજરાત સરકારે કરેલી સઘન કામગીરીનો ચિતાર આપતા જણાવ્યું કે, વાવાઝોડાની વિકટ સ્થિતિમાં ૧ લાખથી વધુ લોકોને સમયસર સલામત આશ્રયસ્થાનો પર પહોંચાડીને આ આફતનો મક્કમતાપૂર્વક સામનો કર્યો હતો. જેથી ઝીરો કેઝ્યુલ્ટી સુનિશ્ચિત કરવામાં સફળતા મળી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વને પરિણામે ભારતને G-20 સમિટની યજમાની મળી છે. ગુજરાતને પણ આ સમિટની ૧૬ થી વધુ બેઠકોનાં આયોજનનું ગૌરવ મળ્યું છે. ગુજરાતને બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટના વર્લ્ડ મેપ પર મૂકવા વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટ આજે બેંચમાર્ક બની ગઈ છે. જાન્યુઆરી-૨૦૨૪માં રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટની ૧૦ મી કડી યોજાશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
ગુજરાત આજે વિશ્વભરનાં રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું સ્થળ બની ગયું હોવાનું હર્ષભેર જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ભારતને સેમીકન્ડક્ટર ક્ષેત્રનું વૈશ્વિક હબ બનાવવાના વડાપ્રધાનશ્રીના વિઝનને સાકાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. રાજયની પોતાની સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત છે એવુ તેમણે ગર્વથી જણાવ્યું હતું. દેશમાં સેમીકન્ડક્ટર ચિપ્સનો સૌપ્રથમ પ્લાન્ટ સાણંદમાં રૂ. ૨૨,૫૦૦ કરોડના રોકાણથી આકાર લેવા જઈ રહ્યો છે. નવસારીના વાંસી બોરસી ખાતે ૧૧૪૧ એકરમાં અત્યાધુનિક પી.એમ મિત્ર પાર્ક સાકાર થશે. જેના થકી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કુલ ૩ લાખ રોજગારી ઉભી થશે તેની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
વડાપ્રધાનશ્રીના પંચ પ્રણની પ્રેરણા અંતર્ગત વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ગુલામીની માનસિકતાના નિશાનોને નાબૂદ કરવા, આપણા ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે એકજૂથ થવા અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવા સૌ પ્રતિજ્ઞાબદ્ધ બને તેવું આહ્વાન તેમણે કર્યું હતું.
કાર્યક્રમ સ્થળે વાયુદળના હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. પોલીસ બેન્ડના જવાનોએ સંગીતમય રાષ્ટ્રગીત રજૂ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
આ વેળાએ બાળકો દ્વારા ડાંગી નૃત્ય, ગરબા અને દેશભક્તિ ગીતો રજૂ કરાયા હતા. ગુજરાત પોલીસના એસ.ડી.આર.એફ./એમ.ટી.એફ.નો વાવાઝોડા, પૂર, આગ જેવી આપદામાં બચાવનો ડેમો, પોલીસ તાલીમનો ડેમો, મહિલા રાયફલ ડ્રીલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો, પોલીસ દળ અશ્વ શો દ્વારા હેરતઅંગેઝ કરતબો તેમજ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેને નિહાળીને ઉપસ્થિત સૌ નાગરિકો, મહાનુભાવો મંત્રમુગ્ધ થયા હતા.
આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી રાજકુમાર, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પુરી, સામાન્ય વહીવટ વિભાગના એ.સી.એસ. શ્રી કમલ દયાની, રાજ્ય પોલીસ વડાશ્રી વિકાસ સહાય, જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, સાંસદ ડો. કે.સી.પટેલ, ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા સહિત જિલ્લાના અગ્રણી મહાનુભાવો અને નાગરિકો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.