NavBharat
Gujarat

વિશ્વ સંસ્કૃત દિવસ વિશેષ ‘અષ્ટાધ્યાયી’થી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તરફ…

आदर्शानां गुणानां च संस्काराणां निधेस्तथा ।
शास्त्राणां जननीभूता संस्कृतिः संस्कृताश्रिता ।। १०३ ।। (अभिनवसुभाषितावलिः – २)
(મોટા મોટા આદર્શોની, મહાન ગુણોની, સંસ્કારોનાં નિધિની અને શાસ્ત્રોની જનની સ્વરૂપ એવી સંસ્કૃતિ સ્વયં સંસ્કૃત ભાષાને આશ્રિત છે.)

સદીઓથી માનવ ઉત્ક્રાંતિની અને તેની સર્જનાત્મક દીપ્તિની સાક્ષી તથા વિશ્વને ભારતવર્ષની સર્વોત્તમ ભેટ એટલે સંસ્કૃત ભાષા. પ્રતિવર્ષ શ્રાવણ સુદ પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવતા વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી આ વર્ષે 31 ઑગસ્ટના રોજ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત માં દેશવાસીઓને વિશ્વ સંસ્કૃત દિવસની શુભકામના પાઠવવા સાથે તેમને સંસ્કૃતમાં લેખેલા પત્રો મળ્યાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
‘સંસ્કૃત’ શબ્દ ‘સમ્’ ઉપસર્ગ અને ‘કૃ’ ધાતુ, એમ બે શબ્દોની સંધિથી બનેલો છે. જેનો અર્થ ‘પરિપૂર્ણ’ અથવા ‘પરિષ્કૃત’ (Purified) એવો થાય છે. બોલવા, વાંચવા, સાંભળવા અને સંચારની દ્રષ્ટીએ સંપૂર્ણ વૈજ્ઞાનિક અને શુદ્ધ એવી સંસ્કૃત વિશ્વનો સૌથી મોટો શબ્દકોષ ધરાવે છે. વ્યાકરણનું સુવ્યવસ્થિત માળખું અને ભાષા સમૃદ્ધિના કારણે માત્ર ધર્મ નહીં પરંતુ તેની સાથે સાથે સાહિત્ય, ગણિત, વિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર સહિતના અનેક ક્ષેત્રોમાં થયેલા શોધ-સંશોધનનું સંસ્કૃત ભાષામાં ઉત્કૃષ્ટ દસ્તાવેજીકરણ છે.
સદીઓથી ભારતમાં ચાલતી ગુરૂકુલ પ્રણાલીના પ્રતાપે સંસ્કૃતનું સંવર્ધન થતું હતું અને તેનું પ્રભુત્વ જળવાઈ રહ્યું હતું. પરંતુ મુઘલ આક્રાંતાઓના હુમલાઓમાં નાશ પામેલા સંસ્કૃત ગ્રંથો અને ત્યારપછી બ્રિટીશર્સ દ્વારા દાખલ કરવામાં આવેલી શિક્ષણ પદ્ધતિથી જાણે સંસ્કૃત શિક્ષણનો મૃત્યુઘંટ વાગ્યો. અપવાદોને બાદ કરતાં દુઃખદ રીતે સંસ્કૃતની અવહેલના અને નહીવત્ વપરાશ આવનારા સમયમાં આપણને ભારતના પ્રાચીન જ્ઞાનવારસાથી વિમુખ ન કરી દે તો જ નવાઈ.
જ્યારે જ્યારે વાત સંસ્કૃત ભાષાની આવે ત્યારે તેને ધર્મ સાથે જોડી દેવામાં આવે છે, પણ સંસ્કૃત એ માત્ર કર્મકાંડની ભાષા નથી. યજ્ઞવેદી બનાવવા ‘શતપથ બ્રાહ્મણ’માં આપવામાં આવેલા બીજગણિતની વાત હોય કે ‘શુબ્લસુત્ર’ (સુલભસુત્ર)માં આપવામાં આવેલા પાયથાગોરસ થીયરમની, વિજ્ઞાનના ટાઈમ ડાયલેશન કે પેરેલલ યુનિવર્સ થિયરીની વાત હોય કે મોર્ડન ડે સર્જરી અને મેડિકલ સાયન્સની, માનવ ઈતિહાસની અનેક મહાનત્તમ શોધના મૂળ સંસ્કૃત ગ્રંથો અને પુરાણોમાં છે.
પણ આ વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી નિમિત્તે વાત કરવી છે, પ્રાચીન ભારતમાં સંસ્કૃત ભાષામાં રચાયેલા ગ્રંથોની વિશેષતા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વિકાસના આ યુગમાં ટેક્નોલોજીકલ એડવાન્સમેન્ટ માટે સંસ્કૃત ભાષામાં રહેલી અસિમિત ક્ષમતાઓ અને સંસ્કૃત ભાષાના સંવર્ધનની જરૂરિયાત વિશે.
ભાષા શબ્દ भाष् ધાતુમાંથી બનેલો છે, જેનો અર્થ થાય બોલવું. એ ભાષાનું મૂળ તત્વ છે, જ્યારે વ્યાકરણ તેની પ્રક્રિયા અને આંતર ક્રીયાઓ સમજાવે છે. વ્યાકરણ ભાષાની વ્યાખ્યા કરે છે. સંસ્કૃત ભાષાના વિશાળ વ્યાકરણને સુવ્યવસ્થિત કરવાનું શ્રેય મહર્ષિ પાણીનીને જાય છે. ભારતમાં ઈ.સ. પૂર્વે 400 વર્ષ પહેલાં મહર્ષિ પાણીનીએ વિવિધ આઠ પ્રકરણમાં 3,959 સુત્રો દ્વારા સંસ્કૃત વ્યાકરણના પદ્ધતિસરના નિયમો દર્શાવતા ‘અષ્ટાધ્યાયી’ ગ્રંથની રચના કરી હતી.
વૈદિક કાળથી જ્ઞાન પરંપરા મૌખિક રીતે પેઢી દર પેઢી આગળ વધારવામાં આવતી. જેમાં શબ્દોના સાચા ઉચ્ચારણ અને પ્રસ્તુતિની રીતનું પણ વિશેષ મહત્વ રહેતું. સદીઓ બાદ દસ્તાવેજીકરણનું મહત્વ જાણીને આ જ્ઞાનને લેખિત સ્વરૂપે સાચવવાની પરંપરા પણ શરૂ થઈ. આ પ્રક્રિયામાં વ્યાકરણ દોષ ન રહી જાય તે માટે થયેલા અનેક પ્રયત્નો પૈકી મહર્ષિ પાણિની દ્વારા સંસ્કૃત ભાષાના વ્યાકરણના નિયમોને સુવ્યવસ્થિત કરવાનું મહાકાર્ય સૌથી પદ્ધતિસરનું અને વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણથી દોષરહિત છે.
નવા શબ્દોની રચનાથી લઈ વાક્યરચના માટેના નિયમોથી સુરચિત ‘અષ્ટાધ્યાયી’ ના શરૂઆતમાં આપવામાં આવેલા 14 મહેશ્વર સુત્રોથી લઈ પરિભાષા, અતિદેશ સુત્રો, નિયમ સુત્રો અને પ્રતિષેધ કે નિષેધ સુત્રો દ્વારા મહર્ષિ પાણિનીએ આજની મૅટાભાષાની જેમ સંસ્કૃત વ્યાકરણને કોડીફાઈ કર્યું. જેમાં શિખવનાર અને શિખનાર વચ્ચે જો કોઈપણ ભાષાનું સામ્ય ન હોય તેમ છતાં ‘અષ્ટાધ્યાયી’ ના અભ્યાસ દ્વારા સંસ્કૃત શિખી શકાય તેમ છે. આ જ રીતે નાલંદા અને તક્ષશિલા જેવી વિશ્વ વિદ્યાપીઠોમાં અન્ય દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓને સંસ્કૃત શિખવવામાં આવવામાં સરળતા રહેતી. થોડા સમય પહેલાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના પીએચ.ડી સ્કોલર રિશી રાજપોપટ દ્વારા સંસ્કૃતના 2,500 વર્ષ જૂના કોયડાનો ઉકેલ શોધ્યાનો દાવો કરવામાં આવ્યો ત્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન પાણીનીની ‘અષ્ટાધ્યાયી’ તરફ ખેંચાયું હતું.
લગભગ આ જ અરસામાં લખાયેલો અન્ય એક ગ્રંથ કમ્પ્યુટર સંચાલનમાં વપરાતી બાયનરી નંબર સિસ્ટમનો પ્રેરણાસ્ત્રોત હોવાનું મનાય છે. હાલ કમ્પ્યુટરની 0 અને 1 ની ભાષા, જેને બાયનરી નંબર સિસ્ટમ કહે છે તેની શોધના મૂળ પણ આચાર્ય પીંગલના ‘છંદઃશાસ્ત્રમ્’માં હોવાનું માનવામાં આવે છે. આજથી 2300 વર્ષ પહેલા મહાન ગણિતજ્ઞ આચાર્ય પિંગલે તેમના પુસ્તક ‘છંદઃશાસ્ત્રમ્’માં શબ્દોને લઘુ અને ગુરૂ સંજ્ઞામાં વિભાજીત કરી વિવિધ સુત્રો દ્વારા તેના ગણિતિય ઉપયોગ દર્શાવ્યા હતા. આ જ સંજ્ઞાઓને મોડીફાઈ કરી બાયનરી નંબર સિસ્ટમ અસ્તિત્વમાં આવી હોવાનું માનવામાં આવે છે.
આજે આ વાત એટલા માટે કરવી રહી, કારણ કે મોર્ડન કમ્પ્યુટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના ઈન્ટરફેસ ડેવલપમેન્ટ માટે સંસ્કૃત ઉત્કૃષ્ઠ ભાષા તરીકેના માપદંડો પર ખરી પુરવાર થઈ રહી છે. સૌપ્રથમ આ અંગે અમેરિકન સ્પેસ એજન્સી NASA સાથે સંકળાયેલા રિસર્ચર રિક બ્રિગ્સ દ્વારા વર્ષ 1985માં રજૂ કરવામાં આવેલા રિસર્ચ પેપર “Knowledge Representation in Sanskrit and Artificial Intelligence” માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યા બાદ આ દિશામાં સંશોધનોનો દોર શરૂ થયો છે.
અગાઉ વાત કરી તેમ મહર્ષિ પાણિનીના વ્યાકરણ ગ્રંથ ‘અષ્ટાધ્યાયી’ માં સંસ્કૃતને મૅટાલેંગ્વેજની જેમ કોડિફાઈ કરવામાં આવી છે. કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં વપરાતા કી-વર્ડ, ઑપરેશન, ફંકશન અને પ્રિમિટીવ ડેટા ટાઈપની જેમ ‘અષ્ટાધ્યાયી’ સંજ્ઞા, પ્રત્યય, વિધી અને પ્રત્યાહાર જેવી પ્રક્રિયા દ્વારા સુરચિત છે. દુનિયાની તમામ ભાષાઓએ એકબીજામાંથી ગ્રહણ કરેલા શબ્દોની સાપેક્ષમાં સંસ્કૃત ભાષાની શુદ્ધતા અને વિશાળ શબ્દભંડોળની સાથે સાથે વ્યાકરણની તર્કબદ્ધ અને પદ્ધતિસરની રચના તેને પ્રોગ્રામિંગ માટે શ્રેષ્ઠ પુરવાર કરે છે.
એનો મતલબ એ જરાય નથી કે હાલમાં પ્રોગ્રામિંગ કરવા માટે વપરાતી JAVA, C++ કે PYTHON જેવી કોડિંગ લેંગ્વેજને સંસ્કૃત રિપ્લેસ કરી લેશે. કમ્પ્યુટર મશીન લેંગ્વેજ એટલે કે બાયનરી ભાષા સમજે છે જ્યારે આપણે નેચરલ લેંગ્વેજનો ઉપયોગ કરીએ છીએ. આ મશીન લેંગ્વેજ અને નેચરલ લેંગ્વેજ વચ્ચેના સેતુરૂપે ઈન્ટરફેસ વિકસાવવા સંસ્કૃતના ઉપયોગ પર હાલ સંશોધનો ચાલી રહ્યા છે.
ગત 25મી મે, ના રોજ ઉજ્જૈન ખાતે મહર્ષિ પાણિની સંસ્કૃત એન્ડ વેદિક યુનિવર્સિટીના ચોથા દિક્ષાંત સમારોહમાં ISROના ચેરમેન એસ. સોમનાથે જણાવ્યું હતું કે, “આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના ક્ષેત્રોમાં કામ કરતા લોકો સંસ્કૃતને પસંદ કરે છે. કમ્પ્યુટિંગ અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ સંસ્કૃતનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તે દિશામાં વિવિધ સંશોધનો ચાલી રહ્યા છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વેદિકકાળથી ભારત ગણિત, ચિકિત્સા, અધ્યાત્મશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર સહિતના ક્ષેત્રોમાં જ્ઞાનનો ભંડાર હતું. પરંતુ આ તમામ જ્ઞાન હજારો વર્ષો પછી ‘પશ્ચિમી વૈજ્ઞાનિકોની શોધ’ તરીકે દેશમાં પાછા આવ્યા છે.”
અગાઉ વર્ષ 2013માં પણ સાઉથ ઈન્ડિયા એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજીત શ્રીચંદ્રશેખર સ્વામી નેશનલ એમિનન્સ એવોર્ડ સમારોહમાં પુરસ્કૃત પૂર્વ વિદેશમંત્રી સ્વ.સુષ્મા સ્વરાજ દ્વારા પણ આ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આવનારા સમયમાં ટોકિંગ કમ્પ્યુટર બનાવવા માટે થઈ રહેલા પ્રયત્નોમાં દુનિયાની તમામ ભાષાઓની સમિક્ષા બાદ સંસ્કૃત ભાષા ઉત્કૃષ્ટ સાબિત થઈ છે. ભવિષ્યમાં જ્યારે વિશ્વ આ માટે ભારત તરફ નજર નાંખશે તો તેમને કમ્પ્યુટર ઉપરાંત સંસ્કૃતનું જ્ઞાન ધરાવતા વિદ્વાનો પૂરા પાડવાની જવાબદારી આપણી હશે.”

તો શું આવનારા ભવિષ્યમાં આ સંભવિત જવાબદારી નિભાવવા આપણે સક્ષમ છીએ? હા, જરૂરિયાત છે માત્ર આપણા ભવ્ય સંસ્કૃત જ્ઞાનવારસાને આત્મસાત કરવાની. ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતે વિશ્વના દેશોમાં ડંકો વગાડ્યો છે ત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સંસ્કૃતના સાયુજ્ય દ્વારા નવી ટેક્નોલોજીના વિકાસની દિશામાં પણ જરૂરી સંશોધનો થઈ રહ્યા છે.
સંસ્કૃત ભાષાના ઘટતા પ્રભાવના પરિણામે સામાન્યજન માટે પ્રાચીન ગ્રંથો સમજવા લગભગ અશક્ય બન્યા છે ત્યારે IIT ખડગપુરની ટીમ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ થકી સંસ્કૃત સાહિત્યને જનસામાન્યના ઉપયોગમાં લાવી શકાય તે માટેના સંશોધન કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2021માં IIT ખડગપુરના કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડૉ. પવન ગોયલ અને તેમની ટીમ દ્વારા સંસ્કૃત વ્યાકરણના નિયમો, મુક્ત વાક્ય રચનાના અવકાશ, સંધિ વિચ્છેદ, પદ વિશ્લેષણ અને કારક વિશ્લેષણ સહિતની બાબતોનો ઉપયોગ કરી એક AI ટૂલ તૈયાર કરવામાં આવ્યું હતું.
ડૉ. પવન ગોયલ દ્વારા આ જ વિષય પર કામ કરી રહેલા અન્ય સંશોધકોના સહયોગથી સ્પીચ રેકગ્નિશન અને ક્વેશ્ચન-આન્સર કરી શકે તેવા સ્ટેટ ઑફ ધ આર્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ તૈયાર કરવાની દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ધર્મને લગતા ગ્રંથો અને પુરાણો સિવાય પણ સંસ્કૃતમાં વિવિધ વિષયોનો જે વિશાળ જ્ઞાનભંડાર છે તેના સરળતાથી ઉપયોગ માટે આ ટૂલ મહત્વપૂર્ણ સાબિત થશે.

સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર પણ વિશેષ પ્રયત્નો કરી રહી છે. નવી શિક્ષણનીતિ 2020માં થ્રી લેંગ્વેજ ફોર્મ્યુલા થકી પ્રાથમિકથી લઈ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં પણ સંસ્કૃતને મુખ્યધારામાં સામેલ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી એક્ટ 2020 પસાર કરી 3 ડિમ્ડ યુનિવર્સિટીને સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
તા. 27 ઓગસ્ટના રોજ મન કી બાતના 114મા એપિસોડમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંસ્કૃત સંવર્ધન પ્રતિષ્ઠાન દ્વારા યોગ અને આયુર્વેદ જેવા વિષયો માટે થઈ રહેલા પ્રયત્નો તથા સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃતને જનભાષા બનાવવા માટેના ફળદાયી પ્રયાસો ઉજાગર કરવામાં આવ્યા હતા. IIT અને IIM જેવા વિદ્યાસંકુલોમાં સંસ્કૃત કેન્દ્રોની લોકપ્રિયતા અને આજના સમયમાં સંસ્કૃત પ્રત્યે લોકોમાં આવેલી જાગૃતિ અંગે આનંદ પણ વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2005માં સંસ્કૃત સાહિત્યના અભ્યાસ અને સાયન્ટિફિક રિસર્ચ માટે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને સંવર્ધન માટે ઓક્ટોબર 2020માં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની રચના કરવામાં આવી હતી. જે રાજ્યભરના સંસ્કૃત ભાષાના શિક્ષકોને તાલીમ આપે છે, સાથે જ બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાનું સરળ રીતે શિક્ષણ આપી શકાય તે માટે મોડલ ટીચીંગ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રી જયશંકર રાવલના માર્ગદર્શન અને નેતૃત્વમાં બોર્ડ દ્વારા સંસ્કૃતના પ્રચાર-પ્રસાર અને સંવર્ધન માટે કાર્ય કરતી સંસ્કૃત પાઠશાળાઓ અને સંસ્કૃત ભારતી જેવી સંસ્થાઓના સહયોગથી વિવિધ સ્થળોએ નિઃશુલ્ક સંસ્કૃત સંભાષણ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. સાથે જ સંસ્કૃત ભાષાની નિવાસી તાલીમ માટે શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડમાં ખાસ ફરજ પરના અધિકારીશ્રી ડૉ. મહેશ મહેતાએ જણાવ્યું હતું કે, “ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અને સંવર્ધન માટે રાજ્ય સરકાર દ્વારા બોર્ડની સ્થાપના એ મહત્વપૂર્ણ પગલું છે. બોર્ડ દ્વારા માત્ર ત્રણ વર્ષના ટૂંકાગાળામાં ખુબ સારી કામગીરી કરવામાં આવી છે. સંસ્કૃત સંભાષણ વર્ગમાં આવનારા નાગરિકોની વધતી સંખ્યા જનસામાન્યના સંસ્કૃત ભાષા પ્રત્યેના પ્રેમ અને તેના સંવર્ધન માટેની જાગૃતિની સુખદ નિશાની છે. રાજ્યભરના નાગરિકો સરળતાથી સંસ્કૃત ભાષા શિખી શકે તે માટે આવનારા સમયમાં બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાનું ઑનલાઈન શિક્ષણ આપવામાં આવે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.”
તમે કોઈને સંસ્કૃત ભાષા શિખવાની વાત કરો એટલે પહેલો પ્રશ્ન એ પૂછવામાં આવે છે કે, “અત્યારે કોણ સંસ્કૃત બોલે છે?, આ જમાનામાં સંસ્કૃત શિખીને શું કરશો?” વગેરે વગેરે… સંસ્કૃતની ભવ્યતા કદાચ આપણે યુનિવર્સિટી કે સંસ્થાઓના મુદ્રાવાક્ય પૂરતી સિમિત કરી દીધી છે. જર્મની જેવા દેશોમાં સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ તેની યુનિવર્સિટીઝમાં અપાતા સંસ્કૃત શિક્ષણ પરથી જણાશે. જ્યારે આપણે તેને ‘દેવભાષા’ની ઉપાધી આપી ભારતની પ્રાચીન ભવ્યતા માટે જાતે જ પોતાની પીઠ થાબડી રાજી થઈએ છીએ. અંગ્રેજીનું શિક્ષણ મેળવી આપણા જ સંસ્કૃત ગ્રંથો અને પુસ્તકોના આપણે અંગ્રેજી ભાષાંતર વાંચીએ છીએ. આવી આવૃત્તિઓમાં મહદ્અંશે ભળતા ભાષાંતરનો ભય પણ રહેલો છે.
તો કેમ આપણે જ સંસ્કૃત શિખીને આપણા જ જ્ઞાનવારસાનું સંવર્ધન ન કરી શકીએ? હવે તો ઉચ્ચ અભ્યાસ સુધી સંસ્કૃત શિક્ષણની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. વળી અગાઉ વાત કરી તેમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટીક્સ જેવા ક્ષેત્રોમાં તો સંસ્કૃતના ઉપયોગ અંગે સંશોધન અને ટેક્નોલોજીના વિકાસમાં કામ થયું છે અને આવનારા સમયમાં તે વધુ એડવાન્સ લેવલ સુધી પણ જઈ શકે. રોજગારીની દ્રષ્ટીએ પણ વિજ્ઞાનની સાથે સંસ્કૃતના જ્ઞાનનો આ સોદો ફાયદાકારક પુરવાર થઈ શકે તેવી પૂરી શક્યતાઓ છે.
જે ભાષા જનભાષા બને અને તેનો ઉપયોગ ઉત્તરોત્તર વધે ત્યારે તે ભાષાના વિકાસની સાથે સાથે તેની સાથે જોડાયેલા ક્ષેત્રોના વિકાસને પણ વેગ મળે છે. આજથી જ સંસ્કૃતને વિષય તરીકે નહીં પણ ભાષા તરીકે શિખી તેનો પ્રચાર-પ્રસાર કરીએ તો તેના સંવર્ધનની સાથે તેના ઉન્નત જ્ઞાનભંડાર તરફના દ્વારા આપોઆપ ખુલતા જશે.
सुरस सुबोधा विश्वमनोज्ञा ललिता हृद्या रमणीया ।
अमृतवाणी संस्कृत भाषा नैव क्लिष्टा न च कठिणा ॥
(સુંદર, સમજવામાં સરળ, સાર્વભોમિક રૂપથી સહમત, રૂચિપૂર્ણ, પ્રિય, સુખદ સંસ્કૃત ભાષાનું મધુર ભાષણ ન તો અસ્પષ્ટ છે અને ન તો અઘરૂં છે.)

जयतु संस्कृतम्
जयतु भारतम्

Related posts

અમદાવાદમાં આવતીકાલે બે દિવસીય ‘ગ્લોબલ ફિશરિઝ કોન્ફરન્સ ઇન્ડિયા-2023’ યોજાશે, CMની હાજરીમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ઉદઘાટન કરશે

Navbharat

મોડાસા-શામળાજી રોડ નજીક ચાલતા જતા શખ્સ પાસેથી દારૂની 8 બોટલ મળી, સુરત ઘરે પ્રસંગ હોવાથી રાજસ્થાનથી લઈ જતો હતો

Navbharat

હિંમતનગર કિરણ મોટર્સના ગોડાઉનમાંથી 3 બ્રાન્ડેડ કારની ચોરી કરનાર 4ની ધરપકડ, ચોરીની 4 કાર પણ કબજે કરાઈ

Navbharat