NavBharat
Spiritual

વિશ્વવિખ્યાત કેમ્બ્રિજના પ્રાંગણમાં ગુંજી માનસની ચોપાઈઓ.

*રામચરિત માનસ જંગમ વિશ્વવિદ્યાલય છે.*
*મારી માનસ વિશ્વવિદ્યાલયની પહેલી શીખ:છળ કપટ મુક્ત જીવન એ પ્રથમ પાઠ છે.*
દુનિયાની મહાન યુનિવર્સિટીઓમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી(યુકે)ની દિવાલો અને સમગ્ર પ્રાંગણ એક ઐતિહાસિક
ઘટનાથી ગૂંજ્યું જ્યારે શનિવારે નાનકડા બાળક રુદ્રએ સૌનું સ્વાગત કર્યું અને અહીં અભ્યાસ કરતા વિવિધ
સંગીત વિદ્યાર્થિઓ દ્વારા વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક આધારિત શ્રી રામ ગુણગાન,ગુરુસ્તુતિ અને પ્રથમ શ્લોકનું
સિમ્ફની આધારિત ગાન થયું.લોર્ડ ડોલર પોપટ દ્વારા બ્રિટિશ ગવર્મેન્ટના મેમ્બર તરીકે સ્વાગત ઉપરાંત
બંકિમહામ પેલેસથી રાજા કિંગ ચાર્લ્સ ત્રીજા દ્વારા બાપુને પ્રેમ ભર્યો આવકાર તેમજ આર્ચ બીશપ(કેન્ટબેરા)દ્વારા
ડીયર મોરારીબાપુને વેલકમ અને વાઈસ ચાન્સલર દ્વારા શુભેચ્છા સંદેશ સેનેટા એલેએ પ્રસ્તુત કર્યો. *માનસની
બીજ પંક્તિઓ:*
*બિશ્વનાથ મમ નાથ પુરારિ;*
*ત્રિભુવન મહિમા બિદિત તુમ્હારી.*
*ભગત બછલ પ્રભુ કૃપાનિધાના;*
*બિશ્વબાસ પ્રગટે ભગવાના.*
આ બીજ પંક્તિ સાથે બાપુએ ત્રિભુવનગુરુ મહાદેવની અસીમ કૃપાથી વિશ્વના પ્રસિદ્ધ વિશ્વ વિદ્યાલયોમાં યશસ્વી
કેમ્બ્રિજના પ્રાંગણમાં રામકથાને કેન્દ્રમાં રાખીને ભેગા થયા તેને ત્રિભુવનગુરુ મહાદેવની કૃપા જણાવી.કહ્યું કે
માનસ સ્વયં વિશ્વ વિદ્યાલય છે.વિશ્વ વિદ્યાલયોમાં કેટલીય ફેકલ્ટીઓ,વિભાગો હોય છે.માનસ એક જંગમ
યુનિવર્સિટી છે.જેના સાત વિભાગ છે.બાલકાંડથી ઉત્તરકાંડ સુધી.દરેકમાં વિશિષ્ટ કુલપતિ બેઠેલા છે. જેની તુલના
કોઈ સાથે નથી કરી શકાતી.બધા જ પોત-પોતાનામાં અનુઠા,અનોખા,વિરલાઓ અને અદ્વિતીય છે.રૂમીએ એક
વાક્ય કહ્યું છે કે:પાંચ મિનિટ કોઈ બુદ્ધપુરુષ પાસે પરમશ્રદ્ધા લઈને બેસીએ તો કોઈ વિશ્વ વિદ્યાલય ન આપી શકે
એટલું બુદ્ધપુરુષ આપે છે.રુમી તો પાંચ મિનિટ નિશ્ચિત કરે છે. રામચરિત માનસના એક કુલપતિ-ગોસ્વામીજી કહે
છે કે:
*એક ઘડી આધી ઘડી,આધી મેં પુની આધ;*
*તુલસી સંગત સાધકી કટે કોટિ અપરાધ.* વિશ્વવિદ્યાલયો અપરાધ ઓછા કરવા માટે હોવી જોઈએ,સાંપ્રત
સમયમાં ક્યારેક વિશ્વવિદ્યાલયો અપરાધોના અડ્ડાઓ પણ બનતા જોયા છે. અહીં કોઈ લાંબો કોર્સ નથી,કોઈ મોટા
વિષયો નથી.બસ એક માત્ર વિષય છે-વિશ્વાસ,કેવળ વિશ્વાસ. ડો.રાધાકૃષ્ણએ કહેલું કે માઈલો અને એકરોમાં
વિશ્વવિદ્યાલયો હોય છે પણ મારા દેશનો એક-એક ઋષિ એક૦એક યુનિવર્સિટી છે.આજે તો સબ્જેક્ટ તો ઘણા જ
વધી ગયા છે.આ યુનિવર્સિટીમાંથી દુનિયામાં સૌથી વધારે નોબેલ પ્રાઈઝ મેળવનારાઓ અભ્યાસ કરીને
નીકળેલા છે.અહીં સાત અને ચાર મળીને ૧૧ વિશ્વ વિદ્યાલયની વાત કરશું.એક છે વશિષ્ઠ વિશ્વવિદ્યાલય જ્યાં
સાક્ષાત પરમાત્મા જ્ઞાન પ્રાપ્તિ માટે ગયેલા.બીજું વિશ્વવિદ્યાલય છે- વિશ્વામિત્ર જ્યાં બળ અને તેજ વધે એવું
ભણાવ્યું. એ જ રીતે મહર્ષિ ગૌતમ,વાલ્મિકી,અગત્સ્ય, યાજ્ઞવલ્ક્ય અને આપણને ખૂબ નજીક પડે એવા
કાગભુષંડી એ સાત કુલપતિઓ છે.ચાર પરમ વિશ્વવિદ્યાલય કૈલાશ-જ્યાં સાક્ષાત શિવ બેઠા છે, પ્રયાગ,નીલગિરિ
અને તુલસીદાસજી.
સાંપ્રત સમયની સમસ્યાઓનું રામચરિતમાનસ સમાધાન પ્રદાન કરે છે.આપણી ભૂમિના નાલંદા અને
તક્ષશિલાને પણ યાદ કરીએ જેના ખંઢેર જોઈને લાગે છે કે કેટલા મહાન હશે.વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાઓનું
આદાન-પ્રદાન થાય છે રામચરિત માનસ વૈરાગ્યનું પણ વિશ્વ વિદ્યાલય છે,જ્ઞાન અને વિજ્ઞાનનું પણ
વિશ્વવિદ્યાલય છે.અહીંની વિવિધ કોલેજોમાં ભણાવતા અનેક વિષયોની યાદી જોઈ અને કોઈને કોઈ
ચોપાઈ,દોહરો,સોરઠામાં એનો સંકેત છે અમુક વિભાગો અન આવશ્યક પણ છે.આ રીતે માનસને બીજી દ્રષ્ટિથી
જોવાનો અવસર મને પણ મળી રહ્યો છે.સદગ્રંથ મહિમાં કહેતા બાપુએ કહ્યું કે સદગુરુ સદગ્રંથ પણ છે અને
અનેક ગ્રંથોનો ગ્રંથાવતાર છે એવું ઓશો પણ કહેતા.પહેલા દિવસે વંદના પ્રકરણ બાદ વિરામ અપાયો.
*બીજા દિવસની કથા*
પ્રારંભે બાપુએ કહ્યું કે માનસને વિશ્વવિદ્યાલય કહીએ છીએ તો એના પણ નિયમ છે. ઓક્સફર્ડમાં મતભેદ થવાથી
પછી કેમ્બ્રિજની સ્થાપના થઈ.૮૦૦-૯૦૦ વર્ષ જૂની આ યુનિવર્સિટી છે.એ વખતે મૂળ છ વિભાગ હતા.મારા માટે
માનસવિશ્વ વિદ્યાલય સર્વોપરી છે.એના ઉપર હું પ્રકાશ પાડી રહ્યો છું.એ વખતે એક-કલાવિજ્ઞાન બે
જૈવિકવિજ્ઞાન,ત્રણ-ક્લિનિકલ મેડિસિન વિજ્ઞાન,ચાર માનવતા સામાજિકવિજ્ઞાન,પાંચ-ભૌતિક વિજ્ઞાન અને છ-
ટેકનોલોજી વિજ્ઞાન હતું.વૃંદાવન પ્રેમની યુનિવર્સિટી છે,ચિત્રકૂટ સત્યની અને કૈલાશ કરુણાની યુનિવર્સિટી છે તો
તલગાજરડા શું છે? ખાબોચિયાને દરિયાનું નામ આપવું આજે સહેલું બની ગયું છે.આઠ-દસ એકર જમીન લઈ બે
ચાર મકાન બનાવી તેને યુનિવર્સિટીનું નામ આપી અને પણ ચલાવતું હોય છે.મારા માટે તલગાજરડા સત્ય પ્રેમ
અને કરુણાના ત્રણ વિષયો સાથેની નાનકડી યુનિવર્સિટી છે.અહીં કોઈ પ્રવેશ પરીક્ષા નથી,ફી નથી ડિગ્રી પણ
નથી,આશ્રય અને અશ્રુ બે જ વાત છે. પણ આ તો મારી પોતાની વાત!ખખ્ખર સાહેબે લેખ લખ્યો
છે:પ્રેમબીજથી કેમ્બ્રિજ.તક્ષશીલા વિદ્યાલયમાં ૬૪ વિભાગ હતા કારણ કે નિર્ણય કરનાર નાગાર્જુન અને ધોમ્ય
ઋષિ હતા.જે ગણમાન્ય મહામહીમ,પ્રજ્ઞાવાન ઋષિઓ નિર્ણય કરેલો એ વખતે કુલપતિ,મહામાત્ર,દંડક,રજીસ્ટાર
એવા પદ હતા.માનસ વિશ્વ વિદ્યાલયના કુલપતિ રઘુકુલપતિ સૂર્યકુલપતિ ભગવાન રામ છે. વાલ્મિકીજી કહે છે.

*શ્રી રામ: શરણં સમસ્ત જગતાં રામં વિના કા ગતિં* *રામેણ પ્રતિહન્યતે કલીમલં રામાય કાર્યં નમઃ*
*રામાત્ ત્રસ્યતિ કાલભીમભુજગો રામસ્ય સર્વં વશે*
*રામે ભક્તિર્ખંડીતા ભવતુ મે રામ ત્વમેવાશ્રય:*
રામ શબ્દના થોડાક સંસ્કૃત રૂપ અહીં મળે છે.રામ એક માત્ર સમગ્ર વિશ્વનું શરણ છે.રામ વિના કઈ
ગતિ?શંકરાચાર્યજી કહે છે કે મા વિના સંતાનોની શું ગતિ?ગુરુ વિના આશ્રિતો,સમુદ્ર વિના નદીની અને પ્રકાશ
વિના સૂર્યની શું ગતિ?સુરજને મિટાવી શકાતો નથી પણ દબાવી શકાય છે.સૂર્ય સત્ય છે.સૂર્યને કોણ દબાવે
છે?વાદળ,અંધારું અને માટી-ધૂળ સૂર્યને દબાવે છે.અંધારું એ ક્રોધ છે.માણસને ક્રોધ આવે ત્યારે સત્ય દેખાતું
નથી.ક્રોધ તમસ છે પણ એ ઝાઝું નહીં ટકે,ફરી સવાર પડશે.માટી રજ છે કામ રજોગુણ છે એ પણ વધારે ટકાઉ
નથી.જે યુનિવર્સિટીઓમાં જ્ઞાન વિજ્ઞાનથી તૃપ્તિ મળે એવા કોર્સ હોવા જોઈએ.આપણને એક આહારતૃપ્તિ: જ્યાં
રુચિકર,સ્વાદુ,શક્તિવર્ધક સમયસર અને ખુમારીથી ભોજન મળે,લાચારીનું નહીં,સન્માન અને આદરથી ભોજન
મળે.એક વાસનાતૃપ્તિ હોય છે લાખ વાતો કરીએ નિષ્કામતાની પણ શરીર જ એવું બનાવેલું છે,વાસના ઉઠશે જ!
એક પાત્ર સંબંધોની તૃપ્તિ હોય છે.એક ધનની તૃપ્તિ.લોભ એ વાદળ છે અને એનું નિવારણ છે:વરસી જાય,
યોગ્ય જગ્યા ઉપર વરસી જાય.સત્ય દયા દાન અને તપને લીડ કરે છે.જે તપ કરશે કામનાથી મુક્ત થશે,દાન
કરશે એ લોભથી અને દયા કરશે એ ક્રોધથી મુક્ત થશે. કળિયુગમાં બીજું તપ શું૪ સમ્યક વિહાર જ તપ છે.
ઈચ્છા તૃપ્તિ:ક્યાંક તો રોક લગાવવી જ પડશે! તક્ષશિલામાં શૂન્યનું વિજ્ઞાન પણ નીકળેલું આજે
યુનિવર્સિટીઓમાં ખોટા તત્વ ઘૂસી ગયેલા છે પણ ઇનઆવશ્યક મલને રામ નાશ કરે છે. રામના આ કાર્યને
નમન,રામથી કાળરૂપી સર્પ કાંપે છે, રામ,રામકથા કાળથી પણ બહાર લઈ જાય છે. બધું જ રામના વશમાં
છે,એવા રામના ચરણોમાં મારી ભક્તિ અખંડ હો, હે રામ! તારો જ આશ્રય હો એવું વાલ્મિકીજી કહે છે.
રામચરિત માનસમાં મહામાત્ર(એક પદ)નથી, મહામંત્ર છે:
*મહામંત્ર જેઈ જપત મહેસુ;*
*કાશી મુકુતી હેતુ ઉપદેસુ*
અહીં દંડક કોણ છે?
*રઘુપતિ કીરતિ બિમલ પતાકા,*
*દંડ સમાન ભયભ્રાતા.*
લક્ષ્મણ જેવો દંડ છે.લક્ષ્મણ રૂપી દંડ ઊભા થશે તો રામ ઉભા થશે,રામ ઉભા થશે તો ધનુષ ઉઠશે,ધનુષ ઉઠશે
ત્યારે સિયજયમાળ ઉઠશે.રક્ષક છે હનુમાનજી અને રજીસ્ટાર સ્વયં ગોસ્વામી તુલસીદાસ છે. આ નવ દિવસનો
કોર્સ છે.રામચરિત માનસનું એક-એક સોપાન એના વિભાગ છે.મારી ત્રિભુવનીય યુનિવર્સિટીમાંથી મેં શું મેળવ્યું
અને એને કેટલો નિભાવી શક્યો એ આપને કહું તો બાલકાંડનું એકમાત્ર સૂત્ર,જેને ભરપૂર કોશિશ કરી,તૂટી જાઉં એટલી કોશિશ કરી એ છે:છલમુક્ત જીવન. આ છે મારી માનસ વિશ્વવિદ્યાલયની પહેલી શીખ:છળ કપટ મુક્ત
જીવન એ પ્રથમ પાઠ છે. કોઈનો જ્ઞાનદીપ પુરી માત્રામાં પ્રજ્વલિત હોય ત્યારે તેને છલ-બલ- અને કલથી
બુઝાવી દેવાની કોશિશો થતી હોય છે. અયોધ્યાકાંડમાં નિર્લેપ જીવનની કોશિશ કરું છું.ઘટ અને ઘરમાંથી રાગ
દ્વેષ ચાલ્યા જાય ત્યાં કાયમ શાંતિ સ્થાપિત થશે. વધારે નજીક રહીએ તો રાગ અને દૂર રહીએ તો દ્વૈષ
છે.અરણ્યકાંડની શીખ છે નિર્ભય બનીને જીવવું.રામ વનમાં નિર્ભય બનીને જીવે છે.સત્ય વગર નિર્ભયતા આવતી
નથી. નિરંતર સત્સંગ કરવાથી પણ અભય બનાય છે.કિષ્કિંધાકાંડ નિષ્પક્ષ રહેવાનું શીખવે છે.રામની નિષ્પક્ષતા
પર પણ આરોપ લગાડનાર નીકળેલો.સુંદરકાંડની શિક્ષા નિશ્ચલ નિર્ણય છે.સુંદરકાંડ સાધનાનો નિર્ણાયક તબક્કો
છે.લંકાકાંડ નિર્દ્વંદતા શીખવાડે છે. અહીં બે દલ નથી રામ નિર્દ્વંદ છે.પહેલા સેતુ બનાવે પછી કરવો પડે તો સંઘર્ષ
કરે છે.ઉત્તર કાંડથી નિશ્ચિત થઈ જવું-પાયો પરમ વિશ્રામ.આપણે પવિત્ર છીએ એ જ ભરોસો હોવો જોઈએ. કથા
પ્રવાહમાં નામ મહિમાના ગાનમાં બાપુએ કહ્યું કે નામ એ બતાવે છે કે હું હજી ક્યાં છું.

Related posts

અંબાજી માતા મંદિર ગુજરાત

Navbharat

કારતક મહિનામાં ક્યારે છે વૃશ્ચિક સંક્રાંતિ? જાણો તેની પૂજા વિધિ, મહત્ત્વ અને શુભ સમય વિશે!

Navbharat

મોરારી બાપુએ મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો

Navbharat