NavBharat
Gujarat

વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (OPOP) અને ગુજરાત સરકાર દ્વારા સ્વદેશી ઉત્કૃષ્ટતાનું પ્રદર્શન

વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) પ્રોગ્રામ એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT – ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રોત્સાહન માટેનો વિભાગ) હેઠળની એક પહેલ છે. આ પ્રોગ્રામે ગુજરાતની સ્વદેશી હસ્તકલા અને તેના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં ગુજરાત સરકાર સાથે તેનો પ્રથમ સહયોગ જાહેર કર્યો છે. DPIITના સંયુક્ત સચિવ શ્રીમતી મનમીત નંદા તેમજ રેસિડેન્ટ કમિશનર અને ગુજરાત સરકારના નાણા વિભાગના સચિવ (આર્થિક બાબતો) શ્રીમતી આરતી કંવરે આજે સંયુક્ત રીતે ગરવી ગુજરાત ભવન ખાતે ODOP વૉલનું ઉદ્ઘાટન કર્યું.

ODOP પહેલનો ઉદ્દેશ્ય દેશના તમામ જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપીને દેશ અને તેના લોકોને આત્મનિર્ભર બનાવવા માટેના ભારતના માનનીય વડાપ્રધાનના વિઝનને સાકાર કરવાનો છે. આ કાર્યક્રમ દરેક જિલ્લામાંથી એક અનન્ય ઉત્પાદન પસંદ કરે છે, તેને બ્રાન્ડ બનાવે છે અને તેનો પ્રચાર કરે છે, અને આ રીતે સમગ્ર દેશમાં વિવિધ શ્રેણીની પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરે છે, જેમાં હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ સહિત વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આ લક્ષ્યાંકને વધુ સારી રીતે સાકાર કરવા માટે ODOP ની ટીમ મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચવા માંગે છે અને તે માટે ODOPની ટીમ આ દિશામાં કામ કરી રહેલી અન્ય સરકારી અને ખાનગી કંપનીઓ સાથે જોડાણ કરી રહી છે. ગુજરાત, તેના 33 જિલ્લાઓ સાથે, રાજ્યભરમાં વિવિધ પ્રોડક્ટ્સ માટે વિશાળ ભૌગોલિક કવરેજ અને અપાર સંભાવનાઓ ધરાવે છે. ODOP-ગુજરાત ટીમ પાસે 68 યુનિક પ્રોડક્ટ્સનું એક સમૃદ્ધ કલેક્શન છે, જેમાં ગામઠી બ્લોક પ્રિન્ટ અને માતાની પછેડી જેવી પરંપરાગત હસ્તકલાથી માંડીને મગફળી અને જીરું જેવા કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

આ મહત્વપૂર્ણ સહયોગ દ્વારા ODOPએ ગુજરાત સરકાર સાથે પ્રોડક્ટ ટેગિંગ અને સ્ટોરી કાર્ડ્સના અમલીકરણ માટે ભાગીદારી કરી છે, જે ગુજરાતની યુનિક પ્રોડક્ટ્સની ઓળખ અને પ્રચારમાં વધારો કરે છે. આ સહયોગનો હેતુ ગ્રાહકોને એમ્પોરિયા તરફ આકર્ષિત કરવાનો, વેચાણમાં વધારો કરવાનો અને ગુજરાતની પ્રોડક્ટ્સની દ્રષ્યતા વધારવાનો છે. ગરવી ગુજરાત ભવને ગુજરાતની હસ્તકલાને વધુ સારી રીતે પ્રદર્શિત કરવા માટે તેના આંતરિક ભાગમાં ODOP પ્રોડક્ટ્સને સંકલિત કર્યા છે.

ગુજરાતમાં ODOP પ્રોગ્રામની કામગીરીઓમાં ખાસ કરીને અમુક ચોક્કસ પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી કરીને તેમની માર્કેટ પ્રેઝન્સ એટલે કે બજારમાં હાજરીને વધારી શકાય. ઉદાહરણ તરીકે, સુજાની હેન્ડલૂમ, જામનગરી બાંધણી અને પાટણના પટોળા માટે GeM (સરકારી ઈ-માર્કેટપ્લેસ) ઓનબોર્ડિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. વધુમાં, ખંભાત જિલ્લાના અકીકના પથ્થર અને ભરૂચ જિલ્લામાંથી સુજાની માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID) વર્કશોપ તરફથી સપોર્ટ આપવામાં આવ્યો છે.

Related posts

૭૭મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી: ૨૦૨૩-વલસાડ

Navbharat

આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માટે રાજ્ય સરકારનો વધુ એક માનવીય અભિગમ: શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર

Navbharat

આગામી તા. ૬ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ યોજાનાર રાજ્યની મહાનગરપાલિકાઓ – નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવાની રહેશે

Navbharat