NavBharat
Gujarat

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પુરુષાર્થના ફળસ્વરૂપે વિશ્વસ્તરની ઇકોસિસ્ટમ સાથે મોટાપાયે સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનશેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બીજી સેમિકોન ઇન્ડિયા સમિટનો પ્રારંભ કરાવતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દૃઢ વિશ્વાસ સાથે જણાવ્યું કે સેમિકંડક્ટરના નિર્માણક્ષેત્રે ભારત ગ્લોબલ હબ બનવા સંપૂર્ણપણે તૈયાર છે. ભારત સેમિકંડક્ટર ક્ષેત્રનું પાવર કંડક્ટર સાબિત થશે. વર્તમાન સમય ચોથી વૈશ્વિક ઔદ્યોગિક ક્રાંતિનો સમય છે, જેનું નેતૃત્વ કરવા ભારત સજ્જ છે. ભારતના યુવાનો મહત્ત્વાકાંક્ષી છે, સાથોસાથ તેઓ પોતાની વૈશ્વિક જવાબદારી સમજીને મેક ફોર ઇન્ડિયાની સાથે મેક ફોર ધ વર્લ્ડના સૂત્રને અનુરૂપ વિકાસ કરી રહ્યા છે. ભારતમાં રોકાણ કરનારાઓને બમણા કે ત્રણ ગણા વળતરની ખાતરી આપતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે ભારત સાથે પોતાનાં સપનાઓ અને અપેક્ષાઓ જોડીને ભરોસો મૂકનારાઓને આ દેશ ક્યારેય નિરાશ કરતો નથી.

આ પ્રસંગે સેમિકંડક્ટર ક્ષેત્રની વિશ્વની દિગ્ગજ કંપનીઓના વડાઓ તેમજ પ્રતિનિધિઓને આવકારતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે આજથી એક વર્ષ પહેલાં યોજાયેલી પ્રથમ સેમિકોન ઇન્ડિયા સમિટમાં ભારતમાં સેમિકંડક્ટર ક્ષેત્રે રોકાણ શા માટે કરવું? એ પ્રશ્ન પર વિશદ ચર્ચાઓ થઈ હતી, પરંતુ આજે એક વર્ષ પછી ભારતીય યુવાનોની મહત્ત્વાકાંક્ષાઓના પરિણામસ્વરૂપ આ પ્રશ્ન બદલાઈ ગયો છે અને આજે ‘ભારતમાં રોકાણ શા માટે ન કરવું?’ એ પ્રશ્ન પર ચિંતન કરવામાં આવી રહ્યું છે.

આ મુદ્દાની છણાવટ કરતાં વડાપ્રધાનશ્રીએ મૂરના નિયમ(Moore’s Law)નું ઉદાહરણ આપીને કહ્યું કે ભારતે પણ ડિજિટલ અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. તેમણે કહ્યું કે 21મી સદી એ ભારત માટે અવસરોની સદી છે. વિશ્વની આ સૌથી મોટી લોકશાહી તરીકે અહીં સ્કિલ્ડ ફોર્સ છે. ડેમોક્રેસી, ડેમોગ્રાફી થકી મળતા ડિવિડન્ડથી અહીં રોકાણ કરનારાનો બિઝનેસ બમણો-ત્રણ ગણો થશે.

તેમણે ઉમેર્યું કે આજે ગ્લોબલ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ભારતનું યોગદાન અનેક ગણું વધ્યુ છે. વર્ષ ૨૦૧૪માં ભારતનું ઈલેક્ટ્રોનિક ઉત્પાદન 30 બિલિયન ડોલરથી ઓછું હતું, જે આજે 100 બિલિયન ડોલરને પાર કરી ગયું છે. છેલ્લા 2 વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ઉપકરણોની નિકાસ બમણી થઈ છે. વર્ષ ૨૦૧૪ પછી ભારતમાં થયેલા ટેકનોલોજિકલ વિકાસ પર પ્રકાશ પાડતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે વર્ષ ૨૦૧૪ પહેલા ભારતમાં માત્ર બે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ હતા જ્યારે આજે ૨૦૦થી પણ વધુ યુનિટ છે. વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં બ્રોડબેન્ડ યુઝર્સની સંખ્યા માત્ર ૬ કરોડ હતી, જે આજે 80 કરોડથી પણ વધુ થઈ છે. જ્યારે ઈન્ટરનેટ કનેક્શનની સંખ્યા ૨૫ કરોડથી વધીને આજે 85 કરોડ જેટલી થઈ છે. વડાપ્રધાનશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ આંકડાઓ માત્ર ભારતની પ્રગતિ જ નહીં, પરંતુ ઔદ્યોગિકક્ષેત્રે થઈ રહેલાં વ્યાવસાયિક વિકાસનો માપદંડ છે.

વડાપ્રધાનશ્રીએ ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉપલબ્ધ નીતિઓ અંગે વિગતવાર માહિતી આપતા કહ્યું કે આજે દેશમાં સૌથી ઓછો કોર્પોરેટ ટેક્સ ભારતમાં છે. 2014 પછી ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસને ધ્યાને લઈને ઔદ્યોગિક વિકાસ માટે નડતરરૂપ અનેક જૂના કાયદાઓ અને ગૂંચવણોને દૂર કરવામાં આવ્યા છે. સ્પેશિયલ ઇન્સેન્ટિવ્સ પણ આપ્યા છે. એટલું જ નહીં, 50 ટકા સુધીની નાણાકીય સહાય સાથે સરકાર સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને બળ પૂરું પાડી રહી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રની વાત કરતાં વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે અનેક ઇન્ડસ્ટ્રિયલ રિફોર્મ્સની સાથે ભારત આજે વિશ્વની સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનું પાવર કંડક્ટર બનવા માટે સજ્જ છે.
વર્તમાન વૈશ્વિક ઔદ્યોગિક વિકાસને ચોથી વૈશ્વિક ઔદ્યોગિક ક્રાંતિ ગણાવીને વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે વિશ્વમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિઓ કોઈ ને કોઈ દેશની મહત્ત્વાંકાંક્ષાનું પરિણામ છે. ત્યારે આજનો યુગ એ ભારતનો સમય છે. ભારતમાં ગરીબી આજે તીવ્ર ગતિએ ઘટી રહી છે અને એક નવો મધ્યમ વર્ગ – નિઓ મિડલ ક્લાસ ઉભરી રહ્યો છે. આજનો ભારતનો યુવાન મહત્ત્વાકાંક્ષી છે અને ટેક્નોલોજી એડોપ્શન માટે હંમેશાં તત્પર રહે છે.

વિશ્વને આજે ચિપ સપ્લાય ચેઇનની જરૂર છે અને ભારતથી વધુ વિશ્વાસપાત્ર કોણ હોય શકે? તેવું ગૌરવભેર જણાવતાં વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે ભારત પર દુનિયાનો ભરોસો સતત વધી રહ્યો છે. જેની વૈશ્વિક જવાબદારી ભારત પણ સુપેરે સમજે છે અને માત્ર મેક ફોર ઇન્ડિયા નહીં, પરંતુ મેક ફોર ધ વર્લ્ડના ભાવ સાથે સેમિકંડક્ટર ક્ષેત્રનું હબ બનવા અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવા તૈયાર છે. આ માટે સાથી દેશોના સહયોગથી વિસ્તૃત રોડમેપ તૈયાર કરીને કામ થઈ રહ્યું છે.

તાજેતરમાં જ ભારતે નેશનલ ક્વૉન્ટમ મિશનને મંજૂરી આપી છે. સેમિકંડક્ટર ઈકો-સિસ્ટમ માટે બદલાવો કરવામાં આવી રહ્યા છે. આ માટે દેશભરમાંથી 300 જેટલી કૉલેજોની ઓળખ કરવામાં આવી છે. જ્યાં સેમિકંડક્ટર વિષય પરના અભ્યાસક્રમોની શરૂઆત થશે. એક અંદાજ પ્રમાણે આગામી પાંચ વર્ષમાં એક લાખ ડિઝાઇન એન્જિનિયર અહીં તૈયાર થશે. ભારતની સ્ટાર્ટઅપ ઈકો-સિસ્ટમથી સેમિકંડક્ટર ક્ષેત્રને નવું બળ મળશે. જેના થકી ભારત વિશ્વની સેમિકંડક્ટર ઇન્ડસ્ટ્રીનું પાવર-કંડક્ટર બનશે.

વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે વર્તમાન વર્ષ માટે ભારતને જી-20 દેશોનું યજમાનપદ મળ્યું છે, જેની થીમ ‘વસુધૈવ કુટુંબકમ્ – એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ છે. એ દૃષ્ટિએ સમગ્ર વિશ્વને પરિવાર ગણીને બહેતર વિશ્વના નિર્માણ માટે ભારત હંમેશાં તત્પર છે. ભારતની સ્કિલ, કેપેસિટી અને કેપેબિલિટીનો વિશ્વને લાભ મળે એ નિર્ધાર સાથે ભારતનું સામર્થ્ય વધારવાનો અમારો શ્રેષ્ઠ પ્રયાસ છે. આ સહિયારા પ્રયાસમાં વૈશ્વિક ઉદ્યોગકારો માટે ભારતે હંમેશાં લાલ જાજમ બિછાવી છે.

લાલ કિલ્લા પરથી બોલેલા વચનોને દોહરાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે ‘યહી સમય હૈ, સહી સમય હૈ – દેશ કે લિએ ભી, દુનિયા કે લિએ ભી’ આ માટે તેમણે કહ્યું કે પોતાનાં સપનાઓ અને અપેક્ષાઓ જોડીને ભરોસો મૂકનારાઓને ભારત દેશ ક્યારેય નિરાશ કરતો નથી.

સેમીકોન ઇન્ડિયા ૨૦૨૩ના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે કરાયેલા સફળ પુરુષાર્થના પરિણામે વિશ્વસ્તરની ઇકોસિસ્ટમ સાથે ગુજરાત મોટાપાયે સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનશે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત સેમિકંડક્ટર પોલિસી ૨૦૨૨-૨૭ લાવનાર દેશનું પ્રથમ રાજ્ય છે. આ પોલિસી અંતર્ગત સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત દેશનું હબ બનશે. ભારતને સેમિકંડક્ટર ક્ષેત્રમાં ગ્લોબલ પ્લેયર બનાવવાનું વડાપ્રધાનશ્રીનું વિઝન છે. આ વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારે સેમિકંડક્ટર ક્ષેત્ર માટે સમર્પિત સેમિકડક્ટર પૉલિસી જાહેર કરી છે. ગુજરાતે સેમિકંડક્ટર પોલિસી અંતર્ગત અનેક આકર્ષક લાભ અને ઇન્સેન્ટિવ્સની વ્યવસ્થા કરી છે, જે સેમિકંડક્ટર સેક્ટર માટે ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન બનાવે છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને ગુજરાતની પારદર્શક, સફળ અને ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીઝના પરિણામે આજે ગુજરાત અનેક ગ્લોબલ કંપની માટે બિઝનેસ સેંટર બન્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ જ આજે ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ અને ઓટો હબ બન્યું છે. ગુજરાતમાં આજે વૈશ્વિક કક્ષાનું લૉજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે.

Related posts

ગુજરાત 11 ડિસેમ્બરે પ્રથમવાર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવની સાથે ભારતના રમતગમત ઉદ્યોગને પ્રોત્સાહન આપશે

Navbharat

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે ગુજરાતનાં ગાંધીનગરમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક યોજાઈ

Navbharat

અમદાવાદ જિલ્લામાં 80થી વધુ ગામડાંઓમાં ફરી સંકલ્પ યાત્રા, 38000થી વધુ લોકોએ લીધા શપથ, 20,000થી વધુ લોકોએ હેલ્થ ચેકઅપ કરાવ્યું

Navbharat