NavBharat
Spiritual

રામચરિત માનસ કિતાબ નથી,કાળજુ છે.

હનુમાનજી અવિદ્યા,અસ્મિતા,રાગ,દ્વૈશ, અભિનિવેષનાં પંચક્લેશને મટાડે છે.
રાગ સારી ચીજ નથી પણ રાષ્ટ્ર પર રાગ એ અનુરાગ છે.
ચોથા દિવસની કથા પ્રારંભે બાપુએ ભારતના ૭૭માં સ્વાતંત્ર દિનની વધાઈ સાથે અહીં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો એની
વાત કરી.કેમ્બ્રિજ યુનિવર્સિટીની સ્થાપનાને ૯૧૨ વર્ષ થયા અને આ ૯૨૧મી કથા એક સંયોગ છે.
એક ધનવાન વ્યક્તિએ પક્ષી પાળ્યું,તેને સોનાનાં પાંજરામાં પુરીને અલગ-અલગ ઋતુઓના તમામ ફળ
ખવડાવ્યા પછી એનું વજન કર્યું.પણ પહેલાં કરતાં પણ એનું વજન ઓછું થયું.આ જોઈ એણે પક્ષીને પૂછ્યું કે તને
તમામ સુખ આપ્યું છતાં પણ કમજોરી અને વજન ઓછું કેમ થયું?ત્યારે પક્ષીના મુખમાંથી વાણી ફૂટી:
ફર્ક ઇતના હી હૈ શય્યાદ કફસ(પીંજર) ઔર આશિયાને મેં;
યે તેરા દસ્તુર હે,ઉસે મૈને બનાયા હૈ!
આ છે થોડુંક પોતાના પણ દેશ માટે આપણાપણું.
બાપુએ કહ્યું કે રાગ સારી ચીજ નથી પણ રાષ્ટ્ર પર રાગ એ અનુરાગ છે.ભારત રોટલો,ઓટલો અને ચોટલો
આપનારો દેશ છે.
બાપુએ કહ્યું કે હનુમાનજીના જીવનનો સિલેબસ આપણા માટે પાંચ કલેશનો નાશ કરે છે. હનુમાનચાલીસામાં
પાંચ-પાંચના ટુકડાઓ છે જે એના જીવનનો સિલેબસ છે.રાગ સારી વસ્તુ નથી દ્વૈષ પણ સારો
નથી,અવિદ્યા,અભિનિવેષ,અસ્મિતા પણ એક અર્થમાં સારી નથી.પણ આપણા બુદ્ધપુરુષ પ્રત્યે રાગ એ અનુરાગ
છે.આદર્શ પતિ પત્નીનો રાગ, અનુરાગ છે,રામનો રાગ સીતા તરફ હોવો જોઈએ, શૂર્પણખામાં નહીં,રાવણનો રાગ
મંદોદરીમાં હોવો જોઈએ,સીતામાં નહીં.રાગ સ્થાન બદલે ત્યારે વિકાર બને છે.સાચા સ્થાન ઉપર જાય તો સંસ્કાર
બને છે. હરિયાળી ધરતી,વહેતી નદી,પર્વતોની અચળતા, સત્સંગ,હરિનામ જપવામાં-આ બધા પ્રત્યે રાગ એ
અનુરાગ છે.મોક્ષના જેટલા પણ કારણ અને ઉપાય છે પરમાત્માના ચરણોમાં પ્રેમ સમાન કોઈ નથી. રાગ નિરંતર
ઘટતો જાય છે,અનુરાગ પ્રતિક્ષણ વધે છે. બાપુએ કહ્યું કે રુચિકર પંક્તિને હું ઋચા કહું છું.ઋચા પ્રાકૃતમાં પણ હોઈ

શકે છે.હનુમાનજી કહે છે મારો આશ્રય કરશે એના પંચ ક્લેશ હું મટાડી દઈશ.હનુમાનજીએ પરીક્ષા ખૂબ આપવી
પડી.આ પંચક્લૈશ: અવિદ્યા,અસ્મિતા,રાગ,દ્વેષ અને અભિનિવેષ છે.
સાપ ભી,બિન ભી,મદારી ભી!
યે તો બતાવો આપ ક્યા ક્યા હૈ!
બુદ્ધપુરુષનો આ પરિચય છે.
અવિદ્યાનો સીધો અર્થ છે બધું જ ઊંધું દેખાય.જેમ કે મૃગજળ,અથવા તો આપણી પાસે આવીને કોઈ કહે કે રામ-
રામની જગ્યાએ અમારો મંત્ર જપો!અસ્મિતાનો સીધો અર્થ છે ગૌરવ,અભિમાન નહીં.માણસને સાદગીનું પણ
ગૌરવ હોય છે.જ્યારે ગૌરવનો આપણે બોજ ઉઠાવીએ ત્યારે અસ્મિતા કલેશ બની જાય છે.ગૌરવ બોજ બની જાય
તો કમર ઝુકાવી દે છે.રાગ સારી વાત નથી પણ સારી વસ્તુથી જોડાય તો અનુરાગ છે.ત્રણ વસ્તુથી ક્યારેય
પાછીપાની ન કરવી:પરમ સત્ય પરમપ્રેમ અને પરમ કરુણા.અબ્રાહમ લિંકન પોતાના પુત્રને શાળામાં દાખલ
કરવા જાય છે એ વિશ્વવિખ્યાત પત્ર બાપુએ ખૂબ જ વિસ્તારથી સમજાવ્યો.દ્વૈષના કારણે આપણે અપાકર્ષણી બની
જઈએ છીએ.અભિનિવેષનો સીધો અર્થ છે સફળતાનો અહંકાર.હનુમાન ચાલીસા ખૂબ કરો,તેનું રહસ્ય પણ
સમજો.હનુમાનજીના પાંચ મુખ:વરાહમુખ, હયગ્રીવમુખ,વાનરમુખ,નૃસિંહમુખ,ગરુડમુખનું રામ રહસ્ય બાપુએ
સમજાવ્યું.બાપુએ કહ્યું કે આ કથા પછી નેપાળમાં માનસ સંન્યાસ વિષય પર ઓશોના સંન્યાસીઓ પાસે કથાગાન
કરવા જવાનું છે.હનુમાનજી પાંચ ક્લેશને કાપે,પાંચકૂળ, પંચપ્રાણની રક્ષા પણ કરે છે.પાંચ સંકટ: પ્રાણસંકટ-
ભરતનું,ધર્મસંકટ-સુગ્રીવનું,રાષ્ટ્ર સંકટ આસુરી વૃત્તિનું ઉપરાંત પારિવારિક અને વિશ્વ સંકટથી હનુમાનજી બચાવે
છે.વિશ્વવિદ્યાલયનો કુલપતિ વિદ્યાદાતા,અભયદાતા,આશ્રયદાતા, શાસ્ત્રદાતા હોવો જોઈએ.
પાંચમાં દિવસની કથામાં સાંજના વિશેષ કાર્યક્રમ વિશેની વાત કરી બાપુએ કહ્યું અમૃત પીનાર કાયમ પ્રસન્ન રહી
શકતો નથી,ઝેર પીનાર હંમેશ પ્રસન્ન રહે છે.પ્રસન્નતાની કસોટી વિષ પીધા પછી થાય છે.વંદે બ્રહ્મકુલમં
કલંકશમનં-શંકર અજન્મા છે,માતા-પિતા નથી,જન્મભૂમિ કે મરણભૂમિ નથી,નિરાકાર છે, વિગ્રહના રૂપમાં પૂજીએ
છીએ,વિભૂતિ નહીં વિભુ છે. તેના દસ નામ છે:નીલકંઠ,નટરાજ,પશુપતિ,પુરારિ, મહાદેવ,પ્રલયકંજ,નિર્વાણદાતા
વગેરે.એક કુલપતિ કૈલાશપતિ મહાદેવ છે.મહાભારતમાં શિક્ષક પછી ઉપરનું પદ
અધ્યાપક,ઉપાધ્યાય,મા,પિતા,આચાર્ય, ગુરુ અને અંતે મહાદેવ શંકર એ રીતે પદનો ઉલ્લેખ છે.
રામાયણ અને રામચરિત માનસનું અંતર બાપુએ કહ્યું દિશા અને દીક્ષામાં પણ અંતર છે.મહાપ્રભુજી કહે છે ત્રણ
વસ્તુ હોવી જોઈએ:ધૈર્ય વિવેક અને આશ્રય. યમુનાષ્ટક સ્વભાવ બદલી નાખે છે,થોડીક ધીરજ રાખવી જરૂરી છે.વૈષ્ણવોના હનુમાન ચાલીસા યમુનાષ્ટક છે,મારું યમુનાષ્ટક હનુમાન ચાલીસા છે! આપણી સમસ્યાઓના ચાર
કેન્દ્રબિંદુ છે:કાળ,કર્મ, ગુણ અને સ્વભાવ.રામચરિતમાનસ નામ રાખ્યું રામાયણ નહીં.તુલસીજીનો જવાબ છે:
અયનનો એક અર્થ છે વાયુનું આવવું અને જવું,બારીને વાતાયન કહીએ છીએ.રામાયણ ગતિ કરે છે,આગળ વધે
છે.અયનનો બીજો અર્થ છે:આલય,ભવન,મંદિર જે ઘર સૂચક શબ્દ છે.માનસનો મતલબ માનસરોવર છે.મંદિર
અને સરોવરમાં ફર્ક છે.મંદિરમાં પવિત્ર થઈને જવાય સરોવર પવિત્ર થવા માટે જવાય. મંદિરમાં દર્શન માટે સમય
હોય,સરોવર હંમેશા ખુલ્લું હોય છે.મંદિરમાં ભોગ લગાવો પડે અહીં ભોગ આપવો પડે છે.રામચરિત માનસ કિતાબ
નથી કાળજુ છે.મહાદેવ રુપી કુલપતિમાં પાંચ વસ્તુ છે: વિચારપુરુષ,ભાવપુરુષ,વેદપુરુષ,ઓમકારપુરુષ અને
વિશ્વપુરુષ.એ પછી શિવચરિત્ર અને શિવ વિવાહની કથાનું ગાન થયું.

Related posts

પૂજ્ય મોરારી બાપુ દ્વારા આયોજિત ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનું ગુજરાતમાં તલગાજરડા ખાતે સફળ સમાપન

Navbharat

પૂજ્ય મોરારી બાપૂએ સોલર મીશનના સફળ લોંચ ઉપર ઇસરોના વિજ્ઞાનીઓને અભિદનંદન આપ્યાં

Navbharat

વર્ષ 2024માં ચાર ગ્રહણ જોવા મળશે, બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે, એક ક્લિક પર જાણો તારીખ અને સમય 

Navbharat