આદિજાતિ દીકરીઓ અને દીકરાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વવાળી ગુજરાત સરકાર સંકલ્પબદ્ધ છે. આ સંકલ્પને સિદ્ધ કરવાના ઉદેશ સાથે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડૉ.કુબેરભાઇ ડિંડોરના માર્ગદર્શનમાં ગુજરાતમાં આદર્શ નિવાસી શાળાઓમાં તા.૩૦ જૂન- ૨૦૨૩ની સ્થિતિએ ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ ૯ થી ૧૨માં ૯,૮૨૧ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જેમાં ૪,૯૮૮ કુમાર તેમજ ૪,૮૩૩ કન્યા એમ કુલ ૯,૮૨૧નો સમાવેશ થાય છે તેમ, આદિજાતિ વિકાસ નિયામક શ્રી સુપ્રિતસિંહ ગુલાટીએ જણાવ્યું છે.
નિયામકશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ ૧૯૮૬-૮૭થી આ યોજના અમલી છે. છેલ્લા પાંચ વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૮-૧૯માં ૮,૭૭૦ વિદ્યાર્થીઓને, વર્ષ ૨૦૧૯-૨૦માં ૮,૫૮૮, વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૦,૨૨૩, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૦,૯૫૩ જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૫૫ એમ કુલ ૪૮,૯૮૯ વિદ્યાર્થીઓને આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, આ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૩૯,૭૪૬ લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
નિયામકશ્રી ગુલાટીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને છેવાડાના માનવી સુધી લઇ જવાની નેમ સાથે વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેઠા અરજી કરી શકે તે માટે ગુજરાતમાં પ્રથમવાર આદર્શ નિવાસી શાળાઓમાં ઓનલાઇન અરજી કરવાનો આ વર્ષથી પ્રારંભ કરવામાં આવ્યો છે. અરજીથી શાળા પસંદગી સુધીની તમામ પ્રક્રિયા આ વર્ષે ઓનલાઇન પોર્ટલના માધ્યમથી સંપૂર્ણ કેન્દ્રિયકૃત રીતે કરવામાં આવી છે. આ ઓનલાઇનપદ્ધતિના પરિણામે હવે મેરિટમાં સ્થાન મળ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેઠા પોતાની મનપસંદ શાળા મેરિટના આધારે પસંદ કરી શકે છે.
વધુમાં, આ વર્ષથી પ્રથમવાર આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા પદ્ધતિ અપનાવવામાં આવી છે જેમાં ઓ.એમ.આર. પદ્ધતિથી પરીક્ષા લઇને મેરિટના આધારે આદર્શ નિવાસી શાળાઓમાં સંપૂર્ણ પારદર્શકતાથી પ્રવેશ આપવામાં આવ્યો છે.
¤ કેવી રીતે મળે છે આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ ?
આ શાળાઓમાં પ્રવેશ માટે https://ans.orpgujarat.com પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેમાં એસ.ટી. અને એ.સીના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે કોઈ આવક મર્યાદા નથી જયારે એસ.ઈ.બી.સી. તેમજ આર્થિક રીતે પછાત જાતિના છાત્રો માટે વાલીની વાર્ષિક આવક રૂ. ૧૦,૦૦૦ કરતા ઓછી હોવી જોઈએ. વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા આપવાની રહે છે ત્યારબાદ મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. ધોરણ-૯ થી ૧૦ માધ્યમિક કક્ષાના વર્ગો અને વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ-૧૧ અને ૧૨ના ઉચ્ચતર માધ્યમિકના વર્ગો ચલાવવામાં આવે છે. પ્રવેશ માટે સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ-મેમાં પ્રક્રિયા કરવામાં આવે છે તેમ, નિયામકશ્રીએ ઉમેર્યું હતું.
¤ આદર્શ નિવાસી શાળાઓ ધરાવતાં જિલ્લા : ગુજરાતમાં આદિજાતિ બાળકોને તેમના ઘર-ગામની નજીક વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત નિવાસી શિક્ષણ આપવાના હેતુથી વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી અને ગીરસોમનાથ એમ કુલ ૧૮ જિલ્લામાં કુમાર,કન્યા અને મિશ્ર એમ કુલ ૭૫ આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે. ૧૦૦ ટકા રાજ્ય પુરસ્કૃત આ શૈક્ષણિક યોજના અંતર્ગત આદર્શ નિવાસી શાળાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ અને આર્થિક રીતે પછાત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને વિનામૂલ્યે શિક્ષણ, ભોજન અને નિવાસની સુવિધા આપવામાં આવે છે.
જેમાં મુખ્યત્વે સૌથી વધુ દાહોદ જિલ્લામાં ૦૯, તાપી, સુરત અને નર્મદામાં ૮-૮, વલસાડમાં ૬ તેમજ છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં ૫-૫ સહિત વિવિધ ૧૮ જિલ્લામાં આદર્શ નિવાસી શાળાઓ આવેલી છે.
વધુમાં આદિજાતિ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ના ગુજરાત બજેટમાં આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમ શાળાઓ તેમજ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓના અંદાજે ૧.૫ લાખ વિદ્યાર્થીઓ માટે રૂ. ૬૬૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત આદર્શ નિવાસી શાળાઓ તેમજ સરકારી છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વધુ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી રૂ. ૧૨૦ કરોડની જોગવાઇ પણ ચાલુ વર્ષના બજેટમાં કરાઇ છે.