NavBharat
Gujarat

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશનની માફક કામ કરવા કલેકટર્સ-ડીડીઓને અનુરોધ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્યના તમામ જિલ્લા કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા તાલુકા અને જિલ્લા કક્ષાએ વધુ સુદ્રઢ કરવા તથા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશનની માફક કામ કરવા અનુરોધ કર્યો હતો. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ્થાનેથી સીએમ ડેશબોર્ડના માધ્યમથી બંને મહાનુભાવોએ કલેકટર્સ- ડીડીઓ સાથે સંવાદ કર્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કૃષિમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય તે માટે સતત ચિંતિત છે. પ્રાકૃતિક ખેતી પરિણામદાયી ત્યારે જ કહેવાશે જ્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે ઓછો કરી શકીશું. રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગથી ભારતની ભૂમિ વેરાન થઈ ગઈ છે, હવા અને પાણી પ્રદૂષિત થયા છે, ગ્લોબલ વૉર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી જ એક માત્ર ઉકેલ છે. આપણે પ્રાકૃતિક ખેતીને મિશન બનાવીને દેશમાં મોટી ક્રાંતિ કરી શકીશું અને તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાનું માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર હિન્દુસ્તાન બનાવી શકીશું.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોના વેચાણ માટે માર્કેટની સુદ્રઢ અને સુનિશ્ચિત વ્યવસ્થા કરવા તથા દર મહિને એ વ્યવસ્થાની સમીક્ષા કરવા કલેકટર્સ-જિલ્લા વિકાસ અધિકારીઓને અનુરોધ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જિલ્લા અને તાલુકા કક્ષાએ દર અઠવાડિયે રવિવાર અને ગુરુવારે પ્રાકૃતિક બજાર ભરાય એ સુનિશ્ચિત કરીએ. ૧૦-૧૦ ગામોના ક્લસ્ટર્સમાં ખેડૂતોને તાલીમ આપી રહેલા કૃષિ વિભાગના કર્મચારી અને ખેડૂત જ પ્રાકૃતિક ખેત પેદાશોને પ્રમાણિત કરશે અને પ્રાકૃતિક ખેત પેદાશો જ પ્રાકૃતિક બજારમાં વેચાય તેની ખાતરી કરશે. તેમણે પ્રત્યેક તાલુકામાં પ્રાકૃતિક ખેતીના આદર્શ ફાર્મ બને એવા પ્રયત્નો કરવા અને મોડેલ ફાર્મ દ્વારા ખેડૂતોને પ્રેરણા આપવા પણ અનુરોધ કર્યો હતો. જો પ્રમાણિકતાપૂર્વક આ દિશામાં આપણે આ ગતિથી કામ કરીશું તો આગામી બે વર્ષમાં આપણે આપણા ગુજરાતને સો એ સો ટકા ઝેરમુકત ગુજરાત બનાવી શકીશું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ક્લસ્ટર્સ આધારિત તાલીમ અભિયાનથી દર મહિને સરેરાશ ૩ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ રાજ્ય સરકાર વિનામૂલ્યે આપે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવનારી પેઢીના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવા પ્રતિબદ્ધ છે ત્યારે તમામ કલેકટર્સ અને ડીડીઓ આ ઈશ્વરીયકાર્યમાં પ્રમાણિકતાપૂર્વક સક્રિયતાથી જોડાશે તો આપણી આવનારી પેઢીને, લોકોના સ્વાસ્થ્યને, ધરતી માતાને, ગાય માતાને અને પર્યાવરણને બચાવી શકીશું. ખેડૂતોની આવક બમણી કરી શકીશું. ભારતની ભૂમિને સશ્ય શ્યામલામ્ બનાવી શકીશું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
—————

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રાકૃતિક ખેતીના સમગ્ર અભિયાનને મિશન મોડમાં ઉપાડવા આહવાન કર્યું હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લોકોનું અને જમીનનું બેયનું સ્વાસ્થ્ય સુધરે, જીવન નિરોગી અને સુખમય બને તે માટેનો આ પ્રાકૃતિક ખેતીનો માર્ગ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને ચીંધ્યો છે.

મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ રાસાયણિક ખાતરોના ઉપયોગથી જે સમસ્યાઓ આવી રહી છે તેના નિવારણનું વિઝન પ્રાકૃતિક ખેતીની મુહિમથી આપ્યું છે.

ગુજરાત સરકાર આ મુહિમમાં સક્રિયતાથી જોડાઈને સારાં પરિણામો આપતી આવી છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતનું માર્ગદર્શન આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બન્યું છે તેમ પણ તેમણે કહ્યું હતું.

પ્રાકૃતિક ખેતીની મુહિમમાં પોણા આઠ લાખથી વધુ ખેડૂતો જોડાયા છે ત્યારે જિલ્લાના વહીવટી વડા તરીકે કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેને વધુ પરિણામકારી અને વ્યાપક બનાવે તે પણ એટલું જ આવશ્યક છે એવો સ્પષ્ટ નિર્દેશ શ્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેકટરો, વિકાસ અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે, તેમના સેવાકાળ દરમિયાન જનસેવા અને લોકહિતના સારા કામોની જે તક મળી છે તેમાં પ્રાકૃતિક ખેતીને પ્રાયોરિટી આપવી જોઈએ.

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પોતાના જિલ્લામાં ખેડૂતોની, ગામોની મુલાકાત દરમિયાન તેમના તરફથી પ્રાકૃતિક ખેતી સંદર્ભમાં આવતા પ્રશ્નો કે રજૂઆતો રાજ્ય સરકાર સુધી પહોંચાડીને તેનું સમાધાન લાવી શકાશે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક ખેતી અંગેના માર્ગદર્શનથી આ પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રેસર રહે તે જ આપણો સહિયારો સંકલ્પ છે તેમ પણ ઉમેર્યું હતું.

સીએમ ડેશબોર્ડના માધ્યમથી આયોજિત વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના આરંભે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે ગુજરાતમાં અત્યારે જિલ્લા કક્ષાએ ૩૯ કેન્દ્ર, બ્લોક કક્ષાએ ૬૭ અને ક્લસ્ટર કક્ષાએ ૨૩૧ વેચાણ કેન્દ્રો કાર્યરત છે. આ વ્યવસ્થા વધુ સુદ્રઢ અને કાયમી થાય એવા પ્રયત્નો કરીએ. અંતમાં આત્માના ખાસ ફરજ પરના અધિકારી શ્રી દિનેશભાઈ પટેલે સૌનો આભાર માન્યો હતો.

Related posts

રાજ્યમાં બનશે નવા 11 એરપોર્ટ, વિમાની મથકો-એરપોર્ટના વિકાસ માટે ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે MoU

Navbharat

માંડવી બીચ ખાતે સરકારી જમીન પર આવેલ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી

Navbharat

આગામી તા. ૬ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ યોજાનાર રાજ્યની મહાનગરપાલિકાઓ – નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવાની રહેશે

Navbharat