કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે દેશની રાજધાની દિલ્હીમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન હેઠળ ‘અમૃત કળશ યાત્રા’ની શરૂઆત કરી. આ પ્રસંગે તેમના સંબોધનમાં શાહે સ્પષ્ટતા કરી કે, ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમ એ દરેક વ્યક્તિને મહાન ભારતના નિર્માણ સાથે જોડવાનું મોદીજીનું અભિયાન છે.
”મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમની ટેગલાઈન ‘મિટ્ટી કો નમન, વીરો કે વંદન’ પોતાનામાં જ ઘણું બધું કહી જાય છે. ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમ પાછળ એક જ આસ્થા છે – મા ભારતીને આઝાદ કરાવવા માટે પોતાનું સર્વસ્વ આપી દેનાર વીરોનું વંદન અને તેમનું સ્મરણ.” ચંદ્રયાન-3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગને લઈને પણ શાહે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આજે દરેક દેશવાસી ગર્વ અનુભવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના કુશળ માર્ગદર્શન હેઠળ ‘હર ઘર તિરંગા’ અભિયાનની સફળતા બાદ દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનાર વીરોને સન્માન આપવા માટે ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમના માધ્યમથી વિસરાયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવાની એક નવી દ્રષ્ટિ મળશે.
આ અભિયાન ગામ, પંચાયત, બ્લોક, શહેરી સ્થાનિક સંસ્થા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ‘જનભાગીદારી’ને પ્રોત્સાહન આપવા માટે છે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં ‘અમૃત કળશ યાત્રા’ પણ આયોજિત કરવામાં આવશે. દેશના ખૂણે ખૂણેથી કળશોમાં માટી અને છોડ લઈને ‘અમૃત કળશ યાત્રા’ દેશની રાજધાની દિલ્હી સુધી જશે. માટી અને છોડને ભેગા કરીને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પાસે ‘અમૃત વાટિકા’ બનાવવામાં આવશે, જે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’નું પ્રતીક બનશે.
‘મહાન ભારતના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા પાંચ સંકલ્પો – વિકસિત ભારતનું ધ્યેય, ગુલામીની માનસિકતાથી આઝાદી, પોતાના મૂળ અને પરંપરાઓ પર ગર્વ કરવો, એકતા અને અખંડિતતા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરવું તથા નાગરિકોમાં કર્તવ્યની ભાવનાને જાગૃત કરવી – ની પ્રતિજ્ઞાને આજે અમૃતકાળમાં સાકાર કરવાના પુરજોર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’
મહાન ભારતના નિર્માણમાં દરેક પરિવાર, દરેક વ્યક્તિ, દરેક યુવા, દરેક બાળક સમર્પિત ભાવનાથી યોગદાન આપી શકે, એ પ્રકારના ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમની કલ્પના માત્ર મોદીજી જ કરી શકે છે, જેમના મનમાં દેશભક્તિનો અપાર ભંડાર ભર્યો છે.