મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ સંદર્ભે મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠકો નો ઉપક્રમ તેમના મુંબઈના એક દિવસીય પ્રવાસ મુલાકાત દરમ્યાન પ્રયોજ્યો છે.
આ વન-ટુ-વન મુલાકાત બેઠકના ઉપક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ P&Gના એમડી શ્રી એલ.વી. વૈદ્યનાથન સાથે મુલાકાત કરી હતી.
શ્રી વૈદ્યનાથને મુખ્યમંત્રીશ્રીને કંપની વિશે માહિતગાર કરતા કહ્યું હતું કે, P&Gની સ્થાપના ૧૮૦ વર્ષ પહેલાં કરાઈ હતી. હાલમાં વિક્સ, એરિયલ, ટાઇડ, વ્હિસ્પર, ઓલે, જિલેટ, અંબીપુર, પેમ્પર્સ, પેન્ટેન, ઓરલ-બી હર્બલ એસેન્સ, હેડ એન્ડ શોલ્ડર્સ, બ્રૌન અને ઓલ્ડ સ્પાઈસ સહિતની વિશ્વસનીય, ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ સાથે માર્કેટમાં મજબૂત પોર્ટફોલિયો ધરાવે છે.
આ તમામ ઉત્પાદનો ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ, ૯૫ ટકાથી વધુ ઉત્પાદન સ્થાનિક રીતે કરવામાં આવે છે.
P&Gનો ૨૦૧૫થી અમદાવાદના સાણંદમાં અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ કાર્યરત છે તેની પણ ચર્ચા તેમણે મુખ્યમંત્રીશ્રી સાથે કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ તેમને વાયબ્રન્ટ ૨૦૨૪માં જોડાવા આમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.