મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત ઈઝરાયેલના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત નાઓર ગિલોને ગાંધીનગરમાં લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ બેઠક દરમિયાન કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૭માં ઇઝરાયેલની મુલાકાત લીધી તેના પરિણામે ભારત-ઈઝરાયેલ અને ગુજરાત વચ્ચેના સંબંધો ઈન્વેસ્ટમેન્ટ-સ્ટ્રેટેજીક પાર્ટનરશીપમાં પરિવર્તિત થયા છે.
ઈઝરાયેલનાં રાજદૂત શ્રીયુત નાઓર ગિલોને પણ વર્ષ ૨૦૧૮માં ઈઝરાયેલનાં વડાપ્રધાનની ગુજરાત મુલાકાત અંગે આ બેઠક દરમિયાન વાતચીત કરી હતી.
તેમણે કહ્યું કે, ઈઝરાયેલનાં સ્ટાર્ટપ નેશન સેન્ટ્રલ અને ગુજરાતનાં iCreate વચ્ચે સપ્ટેમ્બર-૨૦૨૦માં ઇનોવેશન અને ટેકનિકલ સહયોગને વેગ આપવા દ્વિપક્ષીય કાર્યક્રમ પર કરાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, iCreate દ્વારા ઈઝરાયેલની ટેકનિયન યુનિવર્સિટી સાથે સૌપ્રથમ MoU પણ કરવામાં આવેલો છે.
ઇઝરાયેલ રીન્યુએબલ એનર્જી સેક્ટર, ગ્રીન હાઈડ્રોજન તેમજ સેમિકન્ડક્ટર સેક્ટરમાં ફેબ્રિકેશન ઉત્પાદનમાં ગુજરાતમાં રોકાણ સહભાગીતા કરવા તત્પર છે એમ ઇઝરાયેલના રાજદૂત શ્રીયુત નાઓર ગિલોને વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
ભારત, ઇઝરાયેલ, યુ.એસ અને યુ.એ.ઈ એ ફુડ સિક્યુરિટી શરૂ કરવા કરેલી મોટી પહેલ I2U2 અન્વયે ટેકનોલોજી અને હાઈડ્રોપોનિક્સ એક્સપર્ટીઝ ક્ષેત્રે ઇઝરાયેલ સહયોગ કરશે તે સંદર્ભમાં આ બેઠકમાં પરામર્શ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇઝરાયેલના રાજદૂતને ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક હબનું ડેવલપમેન્ટ, ધોલેરા SIR, સુરત ડાયમંડ બ્રુશ જેવા ફ્યુચર મેગા રેડી પ્રોજેક્ટસની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
તેમણે આગામી વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪માં ઇઝરાયેલ ડેલીગેશનને જોડાવા માટેનું આમંત્રણ પણ પાઠવ્યું હતું. ઇઝરાયેલનાં રાજદૂતશ્રીએ વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા કચ્છનો રણોત્સવ જોવાની પણ ઉત્સુકતા દર્શાવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની ઇઝરાયેલ રાજદૂતની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાશનાથન અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી તથા ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર પણ ઉપસ્થિત રહ્યા હતા.