NavBharat
Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ

મુખ્યમંત્રીશ્રી::
 રાષ્ટ્રભાવના ઉજાગર કરતાં અભિયાનોમાં જનભાગીદારી જોડીને વડાપ્રધાનશ્રી પોઝીટિવ આઉટકમ આપનારા ગ્લોબલ લીડર બન્યાં છે
 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક નીતિ ઘડતરમાં ‘નેશન ફર્સ્ટનો ભાવ અડગ રાખ્યો છે
 ‘હરઘર તિરંગા’ – ‘મારી માટી મારો દેશ’ જેવા આગવા અભિયાનોથી વડાપ્રધાનશ્રીએ જન-જનમાં રાષ્ટ્રભાવ જગાવ્યો છે

રાજ્યના બે શહીદ પોલીસ કર્મચારીના પરિવારના સભ્યનું તથા શૌર્ય ચંદ્રક-જીવનરક્ષક પદક મેળવનાર ત્રણ પોલીસ કર્મચારીઓનું સન્માન થયું

પંચાયત વિભાગની નાણાકીય અને હિસાબી ઓનલાઈન કામગીરી માટે ખાસ સોફ્ટવેર ‘PRAISA’નું લૉન્ચીંગ

મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, મહાનુભાવો સહિત સૌએ હાથમાં માટી લ‌ઈ પંચપ્રણની પ્રતિજ્ઞા લીધી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રભક્તિની ભાવના, દેશની વિરાસત અને વીરો ઉપર ગર્વ અને અસ્મિતાનું સિંચન કરવા માટે ‘હરઘર તિરંગા’ અને ‘મારી માટી મારો દેશ’ જેવા આગવા અભિયાનો આપી જન-જનમાં રાષ્ટ્રભાવના જાગૃત કરી છે.

એટલું જ નહીં, વડાપ્રધાનશ્રી સ્વચ્છતા અભિયાન, મિશન લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્‍ટ, સ્ટેચ્યુ ઑફ યુનિટી માટે ખેડૂતના ઓજારોનું લોખંડ એકત્રીકરણ તથા કોરોના વોરિયર્સના ઉત્સાહવર્ધન જેવા અભિયાનોમાં જન ભાગીદારી જોડીને પોઝિટીવ આઉટકમ લાવનારા ગ્લોબલ લીડર બન્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની આઝાદીનો અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી અને હવે જ્યારે દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે આ ધરતીના વીર સપૂતો, ક્રાંતિકારી રત્નોને યાદ કરવા, તેમના શૌર્ય, સાહસ અને સંઘર્ષને આદર આપવા માટે તેમણે આપેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાનથી દેશભરમાં રાષ્ટ્રભાવના વધુ સુદૃઢ થશે.

મુખ્યમંત્રીશ્રીએ પટેલે ગુજરાતની માટીએ આપેલા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા રત્નોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, દેશના દરેક રાજ્ય, પ્રાંત કે પ્રદેશ આવા હજારો સ્વાતંત્ર્ય વીરોની ગાથા સાચવીને બેઠા છે.

પરતંત્રતા અને પરાધીનતામાંથી મુક્ત થવા માટે આ રાષ્ટ્રની માટીમાં પાકેલા રત્નોએ માતૃભૂમિની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપવામાં પાછીપાની કરી નહોતી આવા વીર-શહીદોની વંદના કરવા ‘માટીને નમન, વીરોને વંદન’નો અવસર વડાપ્રધાનશ્રીએ આપણને આપ્યો છે.

વડાપ્રધાનશ્રીએ દરેક કામોમાં, યોજનામાં જન ભાગીદારી જોડીને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડેલથી છેવાડાના માનવી સુધી વિકાસ કઈ રીતે પહોંચે તેવું આગવું મોડલ વિકાસની રાજનીતિથી વિકસાવ્યું છે. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ પણ તેમના નેતૃત્વમાં સાકાર થયું છે.

મુખ્યમંત્રીશ્રીએ પોલીસ દળના ત્રણ જવાનોનું અને બે શહીદ પોલીસ જવાનોનું મરણોપરાંત ગેલેન્ટ્રી એવોર્ડથી સન્માન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યુ હતુ કે, આઝાદીની લડત લડનારા, વીર સપૂતોએ સ્વરાજ્યની પ્રાપ્તિ માટે પોતાનું બધું જ દાવ પર લગાડી દીધું. જ્યારે વર્તમાન સમયમાં સુરાજ્ય માટે, શાંતિ સલામતી અને વિકાસના અવસરોને બરકાર રાખવા માટે પોલીસના જવાનો દિન-રાત, ખડેપગે જનસેવામાં કાર્યરત છે તેમનું ગૌરવ અને સન્માન એ રાષ્ટ્ર કાજે સમર્પિત સેવાકર્મીઓનું સન્માન છે.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ તમામને નમન કરતાં જણાવ્યું હતું કે, વેદથી વિજ્ઞાન સુધી વિસ્તરેલા ભારત દેશ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજે આપણા ઈસરોના વૈજ્ઞાનિકોના પુરુષાર્થ થકી ભારતનું ચંદ્રયાન-૩થી ચંદ્ર પર ઈતિહાસ રચવા જઈ રહ્યું છે ત્યારે ભારતની માટીને પણ વંદન અને વૈજ્ઞાનિકોને પણ વંદન.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી યુવાનો, બાળકો, ભાઈઓ-બહેનો,વડીલો સહીત દેશના તમામ ધર્મ-જ્ઞાતિના લોકોએ તિરંગો લહેરાવીને દેશભક્તિના રંગે રંગાયા છે તે આપણા સૌ માટે ગૌરવ સમાન છે.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી મોદીના મારી માટી મારા દેશ અભિયાન અંતર્ગત ગુજરાતની સરહદો, જિલ્લાઓ,ગામોમાંથી પૂજન-વંદન કરેલી માટી આજે ગાંધીનગરના આંગણે લાવવામાં આવી છે આ માટીને હું ગુજરાતના કરોડો નાગરિકો-વીર જવાનો વતી વંદન કરું છુ. જ્યારે પણ વીર જવાનો અને તેમના પરિવારોને મળવાનું થાય ત્યારે તેમને સલામી આપી અથવા તેમને વંદન કરીને સન્માન કરવું જોઈએ. આમ કરવાથી દેશની રક્ષા કરવાના તેમના જુસ્સાને વધુ બળ મળશે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડે સ્વાગત પ્રવચન કરતાં કહ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી માટી, મારો દેશ : માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમને અપ્રતિમ પ્રતિસાદ સાંપડ્યો છે. વડાપ્રધાનશ્રીના વિકસીત ભારતના સપનાને સાકાર કરવામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત અગ્રીમ ભૂમિકા અદા કરી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે, મારી માટી મારો દેશના રાજ્યવ્યાપી અભિયાનમાં અત્યાર સુધીમાં ૧૫,૧૩૬ શિલાફલકમની સ્થાપના, ૧૫,૫૮,૧૬૬ નાગરિકોએ સેલ્ફી અપલોડ કરી, ૨૧,૨૮,૧૦૫ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી, વસુધા વંદન કાર્યક્રમ હેઠળ ૧૬,૩૩૬ અમૃત વાટિકાનું નિર્માણ, ૧૨,૨૮,૦૨૫ રોપાઓનું વાવેતર, વીર વંદના હેઠળ ૨૯,૯૨૫ વીરો/વીરાંગનાઓ તેમજ પરિવારોનું સન્માન કરાયું છે. તેમજ ૨૧,૦૧,૦૮૫ નાગરિકોએ ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી બન્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે વીરોની વંદના કરીને મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓ દ્વારા ગુજરાતના પોલીસ અધિકારી-કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શહીદ થયેલા પોલીસ કર્મચારીઓને યાદ કરી તેમના પરિવારના સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. શહીદ થનાર અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ સ્વ.શ્રી ચંદ્રકાંતભાઈ જયંતીલાલ મકવાણા તથા અમદાવાદ શહેરના પોલીસ કોન્સ્ટેબલ સ્વ. શ્રી વિજયસિંહ જગતસિંહ યાદવના પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત શૌર્ય ચંદ્રક મેળવનાર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી ભાવેશભાઈ પ્રવીણભાઈ રોજીયા તેમજ જીવન રક્ષક પદક મેળવનાર ગીર સોમનાથ જિલ્લાનાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર શ્રી જગદીશભાઈ દાનાભાઈ મકવાણા અને ગાંધીનગર સલામતી શાખાના પોલીસ કોન્સ્ટેબલ શ્રી ઘનશ્યામભાઈ પ્રભાતભાઈ તડવીનું આ પ્રસંગે જાહેર મંચ પરથી ગેલેન્ટ્રી એવોર્ડ સન્માન કરવામાં આવ્યું હતું.

‘મારી માટી, મારો દેશ’ માટીને નમન, વીરોને વંદનના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીશ્રીઓ, મહાનુભાવો સહિત ઉપસ્થિત તમામ નાગરિકોએ હાથમાં માટી લ‌ઈને પંચપ્રણની પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે ‘મારી માટી, મારો દેશ’ના ગુજરાત અભિયાનની ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગુજરાતના વિવિધ પ્રદેશોના કલાકારો દ્વારા દેશ ભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત પંચાયત વિભાગને વધુ ડીજીટાઇઝ કરવા આ વિભાગની નાણાકીય અને હિસાબી કામગીરી ઓનલાઇન થઈ શકે તે માટે ખાસ સોફ્ટવેર ‘PRAISA’નું લૉન્ચીંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધારે આભારવિધિ કરી હતી. ‘મારી માટી, મારો દેશ’ અભિયાનના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ગાંધીનગરના મેયરશ્રી, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ઉચ્ચ સનદી અધિકારીશ્રીઓ, ભારતીય સેના, વાયુસેના, નૌકાદળ તેમજ બીએસએફના અધિકારીઓ, પોલીસદળના અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ- કર્મયોગીઓ, ખેડૂતો મોટી સંખ્યામાં ઉત્સાહભેર સહભાગી થ‌ઈને દેશ ભક્તિના રંગમાં રંગાયા હતા.

Related posts

ગુજરાતમાંથી ટી.બી.ની સંપૂર્ણ નાબૂદી માટે જનઆંદોલનની જેમ કામ કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ

Navbharat

મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિતે ‘જ્ઞાન જ્યોતિ પર્વ’ ઉજવાયુ

Navbharat

ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, નૃત્યો મળી 15 સાંસ્કૃતિ વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં

Navbharat