NavBharat
Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૯મી ઓગષ્ટના રોજ તાપી જિલ્લાના ગુણસદા ગામથી “મારી માટી, મારો દેશ” અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે

ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહ્વાન કર્યુ છે. ગુજરાતમાં આવતીકાલ તા. ૯મી ઓગષ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગુણસદા ગામથી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. વિવિધ જિલ્લા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રી સહિતના મહાનુભાવો પણ જિલ્લા કક્ષાએ આ અભિયાનનો શુભારંભ કરાવશે.

દેશભરમાં તા. ૯ થી ૩૦ ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ૧૫મી ઓગષ્ટ સુધી રાજ્યના તમામ ગામોમાં આ અભિયાન હેઠળ મુખ્ય પાંચ થીમ આધારિત સ્થાનિક કાર્યક્રમો યોજાશે. જેમાં રાજ્યના ૧૧,૯૦૦થી વધુ ગામોમાં વીર શહીદોના નામ સાથેની શિલાફલકમનું નિર્માણ કરવામાં આવશે. નાગરિકો દ્વારા પંચપ્રણ પ્રતિજ્ઞા લઇ સેલ્ફી અપલોડ કરવામાં આવશે, વસુધા વંદન કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ, સ્થાનિક પરંપરા અને રીવાજો અનુસાર વીરોને વંદન અને રાજ્યના ૧૬,૩૭૨ ગામોમાં ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે. તદુપરાંત ૧૬મી ઓગષ્ટથી ૨૦ ઓગષ્ટ દરમિયાન તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે.

‘મારી માટી, મારો દેશ’ અભિયાન હેઠળ રાજ્યભરમાં પ્રભાત ફેરી, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી – ચિત્ર સ્પર્ધા, શાળાઓમાં વીર-વીરાંગનાઓની ગાથાનું વર્ણન, પોલીસ વિભાગ દ્વારા વિશેષ ફ્લેગમાર્ચ સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના લોકોને આ અભિયાનમાં જોડવા માટે સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો પર પણ વિશેષ કેમ્પેઈન ચલાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન જ મહાનુભાવોના હસ્તે મારી માટી, મારો દેશ અભિયાનનો ગુજરાતમાં શુભારંભ થશે. જેમાં ડાંગ–આહવા ખાતે નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, છોટા ઉદેપુર ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, નર્મદા-ડેડીયાપાડામાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, ભરૂચ-નેત્રંગમાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, અરવલ્લી-ભિલોડામાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, બનાસકાંઠા–દાંતામાં ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તેમજ દાહોદના લીમખેડા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં આ અભિયાનનો શુભારંભ થશે.

આ ઉપરાંત વલસાડના કપરાડા ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, નર્મદા-નાંદોદમાં સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, દાહોદ ખાતે પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, વલસાડના ધરમપુરમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા, નવસારી-વાંસદામાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, પંચમહાલના મોરવા-હડફમાં પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી તેમજ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સહિત રાજ્યના વિવિધ સ્થળો ખાતે સંસદ સભ્યશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં આદિવાસી દિવસની ઉજવણી ઉપરાંત ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો શુભારંભ થશે.

Related posts

૧૦મી ઓગસ્ટ – ‘વિશ્વ સિંહ દિવસ’

Navbharat

ભારતના સ્થાનિક નાગરિક પરમાણુ કાર્યક્રમની ઐતિહાસિક ક્ષણ

Navbharat

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા ગાંધીનગરથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને કરી હતી.

Navbharat