NavBharat
Gujarat

મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિતે ‘જ્ઞાન જ્યોતિ પર્વ’ ઉજવાયુ

અમદાવાદ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મી જન્મજયંતિ નિમિતે ‘જ્ઞાન જ્યોતિ પર્વ’ ઉજવાયુ હતુ. જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા કરાઇ રંગારંગ ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે યુવાનો દ્વારા દેશભકિતના ગીતો પર નૃત્ય કરવામાં આવ્યું હતું અને સામાજિક વિષયો પર જાગૃતતા લાવવા અંગે નાટક પણ રજૂ કરાયું હતું.

જ્ઞાન જ્યોતિ પર્વના આયોજન બદલ આર્ય સમાજને શુભેચ્છાઓ પાઠવતા રાજ્યપાલશ્રીએ પોતાના ઉદબોધનમાં કહ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોને દેશભરમાં પ્રસ્થાપિત કરવાના ધ્યેય સાથે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતેથી મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતીના આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

દયાનંદ સરસ્વતીજીના જીવન અને સમાજ સુધારણાના કાર્યો વિશે વાત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે,
ગુજરાતના ટંકારા ખાતે જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ સમાજમાં વૈચારિક ક્રાંતિ દ્વારા સમાજ સુધારણા ક્ષેત્રે નિરંતર કાર્ય કરેલું. ગુજરાત સહિત દેશભરમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં તેમણે સમાજ કલ્યાણ અને સમાજ સુધારણાના પરમ ધ્યેય સાથે અનેક સંસ્થાઓ અને પુસ્તકો થકી દેશભરમાં પ્રવર્તતા કુરિવાજો, અજ્ઞાનતા અને અંધવિશ્વાસ સામે સમાજને જાગૃત કરવા માટે વૈચારિક ક્રાંતિ દ્વારા શ્રેષ્ઠ કાર્ય કરેલું. તેમણે વેદોના જ્ઞાનનો દુનિયાને પરિચય કરાવ્યો હતો. દેશની પ્રાચીન સંસ્કૃતિની રક્ષા અને સંવર્ધન માટે વિવિધ ગુરુકુલ સ્થાપીને સમાજને વિદ્વાનો આપ્યા હતા. તેમણે સ્ત્રી શિક્ષણ, છૂત – અછૂત, વ્યસન, સહિતના દૂષણો સામે સમાજને જાગૃત કરવા માટે નિરંતર કાર્ય કર્યુ હતુ.
અંગ્રેજોએ ભાષા અને ધર્મના આધારે વિભાજિત કરેલા દેશને એક કરવા તેમણે હિન્દી ભાષામાં 40 જેટલા ગ્રંથો આપ્યા હતા. તેમણે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે મોટી વૈચારિક ક્રાંતિ આણેલી એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ગુજરાતમાં દયાનંદ સરસ્વતીના વિચારોને ફેલાવીને સમાજને સશકત બનાવવા માટે થઈ રહેલા કાર્યો અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ ટાંકારાને ભવ્ય તીર્થસ્થાન તરીકે વિકસાવવા માટે ગુજરાત સરકાર દ્વારા જમીન ફાળવવા સહિત અનેક પગલાં લીધા છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીના સામાજિક વિચારોને સન્માન આપતા રાજભવન ખાતે બનાવવામાં આવેલા વિશાળ સભાગૃહને મહર્ષિ દયાનંદ સરસ્વતી મંડપમ નામ આપવામાં આવ્યું હોવાની જાણકારી પણ રાજ્યપાલ શ્રી એ આપી હતી.

ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા અને મહર્ષિ દયાનંદ સરસ્વતીના આઝાદીની ચળવળમાં યોગદાન વિશે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, અંગ્રેજોની ધરતી પર રહીને દેશની આઝાદીમાં અમૂલ્ય યોગદાન આપનારા શ્યામજી કૃષ્ણ વર્મા મહર્ષિ દયાનંદ સરસ્વતીના અનુયાયી હતા. તેમની પ્રેરણાથી જ તેઓએ ઇંગ્લેન્ડ જઈને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરીને વિદેશી ધરતી પર અનેક ક્રાંતિકારીઓને દેશની આઝાદીની ચળવળના ભાગ બનાવ્યા હતા. દેશની આઝાદીની ચળવળમાં ભાગ લેનારા ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ સહિત અનેક ક્રાંતિકારીઓ દયાનંદ સરસ્વતીના વિચારોથી પ્રભાવિત હતા. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા બાદ શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓને ઇંગ્લેન્ડથી લાવીને તથા કચ્છમાં તેમના માનમાં વિશાળ સ્મારક બનાવીને તેમને શ્રદ્ધાંજલિ અને સન્માન અર્પ્યું હતું એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતાં રાજયપાલ શ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં G20 ની યજમાની કરતા દેશ અને દુનિયામાં ભારતની ગરિમા અને ભારતની સંસ્કૃતિની નોંધ લેવાઈ છે.

ઉપસ્થિત આર્ય સમાજને મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોને સમાજ સુધી લઈ જઈને સમાજ સુધારણા અને લોકજાગૃતિ માટે નિરંતર કાર્ય કરવા માટે સંકલ્પબદ્ધ થવા તથા પ્રાકૃતિક ખેતી જેવા સમાજ ઉપયોગી પ્રકલ્પોને જન સામાન્ય સુધી પહોચાડવા માટે યોગદાન આપવા માટે પણ તેમણે સૌ ઉપસ્થિતોને વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં 8.5 લાખ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવી છે અને સરકારના સક્રિય પ્રયાસોના ભાગરૂપે આગામી સમયમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.

જ્ઞાન જ્યોતિ પર્વના પાવન અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મની દ્વિ-શતાબ્દીની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે, ત્યારે તેમાં સહભાગી થવાનો મને પણ એક અવસર મળ્યો છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ વધુમાં કહ્યું કે, આપણાં સૌ માટે આનદની વાત એ પણ છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જયંતિના અવસરે જ્ઞાન જ્યોતિ પર્વનો આરંભ નવી દિલ્હીથી કરાવ્યો હતો. આમ, શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે સમગ્ર દેશમાં સાંસ્કૃતિક નવજાગરણનો એક દૌર ચાલ્યો છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજથી બે સદી પહેલાં જ્યારે મહર્ષિ દયાનંદજીનો જન્મ થયો હતો ત્યારે દેશ સદીઓની ગુલામીથી નબળો પડીને પોતાનું તેજ ગુમાવી રહ્યો હતો. એટલું જ નહીં આપણા સંસ્કારો, મૂલ્યો, આદર્શોને નાબૂદ કરવાના અનેકો પ્રયાસો થયા હતા ત્યારે આવી પરિસ્થિતિમાં મહર્ષિજીએ સમાજમાં વેદના બોધને પુનર્જીવિત કર્યો અને લોકોને નવી દિશા આપી હતી.

આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, સ્વામી દયાનંદજી હંમેશાથી કહેતા કે ભારત એના પ્રાચીન મૂળ ધર્મ તરફ પાછો ફરે અને આખા વિશ્વમાં શ્રેષ્ઠ વિચારોનો સંચાર થવો જોઈએ.

આ અંગે તેમણે વધુમાં કહ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતી સહિતના સંતો-ઋષીઓએ સમાજ તેમજ રાષ્ટ્ર નિર્માણમાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. સ્વામીજી ભારત માટે જે ક્રાન્તિકારી વિચારો લઈને આવ્યા તે વિચારોને તેઓએ વ્યવસ્થા સાથે પણ જોડ્યા અને ધણી મહત્વની સંસ્થાઓનું નિર્માણ કર્યું છે.ઈ.સ.૧૮૭૫માં મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના થઈ. આમ, સ્વામીજીએ રોપેલાં બીજમાંથી જે વટવૃક્ષ ઊભું થયું છે એનો અનુભવ આજે સમગ્ર માનવજાત કરી રહી છે અને આજનો આ પ્રસંગ એ જ વાતની સાક્ષી પણ પૂરે છે.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાત ભાગ્યશાળી છે કેમ કે ગુજરાત મહર્ષિજીની જન્મભૂમિ છે. મહર્ષિ દયાનંદ જેવા વિરલ વિભૂતિનું જન્મસ્થળ ગુજરાતના ટંકારામા છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળની મુલાકાતે આવતા આર્યસમાજીઓની સુવિધા માટેની વાત કરતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, અહી દર્શનાર્થીઓ માટે લેન્ડ સ્કેપિંગ, બેઠક વ્યવસ્થા, ટોયલેટ બ્લોક, પાણી જેવી સુવિધા મળી રહે તેની કામગીરી પ્રગતિમાં છે. એટલું જ નહીં રાજ્ય સરકારે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી ટ્રસ્ટને રાજકોટ-મોરબી હાઈવે પર જમીન પણ ફાળવી છે.

જનકલ્યાણ અંગે મહર્ષિ દયાનંદ સરસ્વતીના કાર્યોની વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દયાનંદ સરસ્વતીજીએ સમાજનાં દૂષણો દૂર કરીને લોકોને સાચો માર્ગ દર્શાવીને જનકલ્યાણનું અમૃત લોકોમાં ફેલાવ્યું હતું.

આજે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવું જ જનકલ્યાણનું અમૃત વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી લોકો સુધી પહોંચી રહ્યું છે. આજે દેશ સ્વામી દયાનંદજીએ જોયેલા સપના સાકાર થતા જોઈ રહ્યો છે. ગરીબ, વંચિત, અંત્યોદયની સેવાનો યજ્ઞ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. આમ, સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્ર સાથે જરૂરિયાતમંદ લોકોને આવાસ, આરોગ્ય તેમજ આહાર સહિતની સુવિધાઓ પહોંચી છે એમ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં આધુનિકતા લાવવાની સાથે આપણી પરંપરાઓને પણ સમૃદ્ધ કરવાનો આત્મવિશ્વાસ જાગ્યો છે. શ્રી નરેન્દ્રભાઈએ કહ્યું છે કે ‘વિરાસત પણ અને વિકાસ પણ’ અને એ સૂત્ર પર ચાલીને આપણે સૌએ સાથે મળીને દેશના આ અમૃતકાળને આપણી સંસ્કૃતિનો સુવર્ણકાળ બનાવવા પ્રતિબદ્ધ થવું જોઈએ એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ધારાસભ્ય શ્રી જીતુભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના શ્રી સુરેશચંદ્ર આર્ય, શ્રી દીપકભાઈ ઠકકર તથા અન્ય મહાનુભાવો અને વિશાળ સંખ્યામમાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની જલજીવન મિશન સેમિનારમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ

Navbharat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્‍ફરન્‍સ યોજાઈ -: ગૃહ રાજ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતી

Navbharat

ગુજરાતે ગિફ્ટ સિટીમાં દારૂ પરનો પ્રતિબંધ હટાવ્યો

Navbharat