NavBharat
Gujarat

‘બિપરજોય’ વાવાઝોડાના નુકસાનીના અંદાજ માટે કેન્દ્ર સરકારની બે ટીમ ચાર દિવસની ગુજરાત મુલાકાતે

બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (IMCT) આજથી ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી છે. આ સાત સભ્યોની બે ટીમ આજથી એટલે કે તા. ૦૧ થી ૦૪ ઓગસ્ટ દરમિયાન ‘બિપરજોય’ વાવાઝોડા પ્રભાવિત કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને બનાસકાંઠાની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરશે.
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકસાન અંગે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી-NDMAના સંયુક્ત સચિવશ્રી અને IMCTના ટીમ લીડર શ્રી હર્ષ ગુપ્તા તેમજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વિવિધ ૧૯ વિભાગો સાથે આજે SEOC, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસે ગુજરાતમાં જૂન-૨૦૨૩માં આવેલા બિપરજોય વાવાઝોડાની કેન્દ્રીય ટીમ સમક્ષ માહિતી આપતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં અને વહીવટીતંત્રની સજગતાના પરિણામે વાવાઝોડા દરમિયાન સંપતિને બાદ કરતાં જાનહાનિ અટકાવી શક્યા છીએ. આ વાવાઝોડાથી બચવા પહેલા અને પછી યોગ્ય તૈયારી કરવાથી એક પણ નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો નથી તે સરકારની ઉપલબ્ધિ છે. બિપરજોય વાવાઝોડાના કારણે મુખ્યત્વે રસ્તા, વીજળી, કૃષિ પાક, મકાનો, વૃક્ષો, બંદરો વગેરેને થયેલા નુકસાનનું યોગ્ય વળતર કેન્દ્ર સરકાર આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
IMCTના ટીમ લીડર શ્રી હર્ષ ગુપ્તાએ કહ્યું હતું કે, ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત થયેલા જિલ્લાઓની સ્થળ આકારણી કરી નુકસાનનો અંદાજ મેળવી રાજ્ય સરકારે કરેલી કામગીરીની માહિતી મેળવવામાં આવશે. વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે ગુજરાતને જરૂરી સહાય કરવા ભારત સરકાર હકારાત્મક અભિગમ ધરાવે છે. વાવાઝોડાથી પ્રભાવિત વિવિધ વિભાગોએ પોતાના વિભાગના લોસ એન્ડ ડેમેજના જે આંકડા રજૂ કર્યા છે તેના પરથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે તેમ, તેમણે ઉમેર્યું હતું.
રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ કેન્દ્રીય ટીમને ગુજરાતમાં આવકારી બિપરજોય વાવાઝોડાથી બચવા ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના સંકલનમાં રહીને કરેલી કામગીરીની રૂપરેખા આપી હતી. વિવિધ ૧૯ વિભાગ દ્વ્રારા વાવાઝોડામાં નુકસાન અંગે રજૂ કરાયેલા પ્રેઝન્ટેશન પરથી કેન્દ્રીય ટીમેને માહિતગાર કરી જરૂરી વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રીય ટીમ વાવાઝોડા પ્રભાવિત કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઇને થયેલા નુકસાન અંગે સ્થાનિક વહીવટીતંત્ર સાથે બેઠક યોજી સમીક્ષા કરશે.
આ બેઠકમાં રાજ્યના સરકારના વિવિધ વિભાગોના સનદી અધિકારીશ્રીઓ, રાહત નિયામક શ્રી સી.સી.પટેલ સહીત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે જનતાની સલામતી, કાયદો-વ્યવસ્થાની જાળવણી હેતુસર અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

Navbharat

પર્યુષણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના દેવકીનંદન જૈન શ્વેતાંબર દેરાસર ખાતે ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા

Navbharat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૯મી ઓગષ્ટના રોજ તાપી જિલ્લાના ગુણસદા ગામથી “મારી માટી, મારો દેશ” અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે

Navbharat