ભરૂચ ખાતે રાજ્યપાલશ્રીના હસ્તે ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનો શુભારંભ
—————
પ્રોજેક્ટ થકી કેળની ખેતી કરતા ખેડુતોને ખેતીખર્ચમાં બચતની સાથે આર્થિક ફાયદો થશે
—————-
ખેડૂતોનો ખર્ચ ઘટે, ઉત્પાદન વધે અને ઉપજનો ઉચિત ભાવ મળે એ જ પ્રાકૃતિક કૃષિનો ઉદ્દેશ
——————
લોકોને પોષણયુક્ત અનાજ-પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટેનું નવજાગરણ અભિયાન છે પ્રાકૃતિક ખેતી
————————
આજે ગુજરાતના ૮.૩૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
દેશના અન્ય રાજયમાં કેળની ખેતી કરતા ખેડુતો માટે બનાના બેલ્ટ ગણાતા ભરૂચના ખેડુતો પ્રેરણારૂપ બનશે.
બનાના ફાયબર પ્રોજેકટ શરૂ થવાથી કેળની ખેતી કરતા ખેડુતો માટે આવકના નવા સ્ત્રોત ઉભા થશે
– રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
—————————
કેળની ખેતી કરતા ખેડૂતો માટે કેળના અવશેષોનો નિકાલ કરવા માટેની સમસ્યાને આવકવૃદ્ધિની સંભાવનામાં બદલવાનું કામ ગુજકોમાસોલના માધ્યમથી કરવામાં આવ્યું છે એમ ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું.
ભરૂચના વગુસણા ખાતે ગુજકોમાસોલના ગુજકો ગ્રીન બનાના ફાયબર પ્રોજેકટના શુભારંભ સમારંભમાં ખેડૂતોને સંબોધતાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, કેળના થડનો જ્યાં-ત્યાં નિકાલ કરવામાં આવે તો તે પર્યાવરણને દૂષિત કરી માનવ સ્વાસ્થ્યને વિપરિત અસર કરે છે. ગુજકોમાસોલ દ્વારા શરૂ કરવામાં આવેલા આ પ્રોજેકટથી જેને આપણે વેસ્ટ ગણી ફેંકી દઇએ છીએ એ વેસ્ટમાંથી ફાઇબર મેળવી કાપડ, કાગળ જેવી વસ્તુ બનાવવામાં આવે છે. તેમાંથી નિકળતા પ્રવાહીમાંથી પ્રવાહી ખાતર, મધ્યગરના ભાગમાંથી પૌષ્ટિક કેન્ડી તેમજ બાકી બચતા અવશેષમાંથી અળસિયાનું ખાતર બનાવવામાં આવે છે.
દેશના પ્રધાનમંત્રી અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તત્કાલિન કૃષિમંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીએ આ પ્રોજેકટના સંશોધનનો નવસારી કૃષિ યુનિર્વસીટીમાંથી પ્રારંભ કરાવ્યો હતો. ગુજકોમાસોલે ખૂબ જ રસ લઇને આ પ્રોજેકટને શરૂ કરતાં કેળની ખેતી કરતા ખેડૂતો માટે આવકવૃદ્ધિના નવા સ્રોત ઉભા થશે એમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને દેશને પોષણયુક્ત અનાજ-પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટેના પ્રયત્નો અને અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. વધતા જતા ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે. જેમ પ્રત્યેક પરિવાર પાસે એક ફેમિલી ડૉક્ટર હોય છે, તેમ પ્રત્યેક પરિવાર એક પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત સાથે જોડાય અને દરેક પરિવાર સાથે પોતાનો ફેમિલી ફાર્મર હોય એવું આહ્વાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આપ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, જે રીતે જંગલનાં વૃક્ષોને કુદરતી રીતે જ પોષણ મળે છે, ત્યાં કોઈ પ્રકારના ખાતર વિના જ આપોઆપ ફળ આવી જાય છે. પ્રાકૃતિક ખેતીમાં પણ જીવામૃત અને ઘન જીવામૃત આધારિત કુદરતી પદ્ધતિ દ્વારા ખેતી પોષણક્ષમ તો બને જ છે, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે.
રાજ્યપાલશ્રીએ યુનેસ્કોના રિપોર્ટનો હવાલો આપતાં જણાવ્યું કે, જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવામાં નહીં આવે, તો આગામી ૪૦ વર્ષમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના કારણે જમીન સદંતર બિનઉપજાઉ બની જશે. તદુપરાંત, વિદેશથી મંગાવવામાં આવતા યૂરિયા અને અન્ય રાસાયણિક ખાતરોમાં દેશનું હૂંડિયામણ પણ ખર્ચ થાય છે. જ્યારે પ્રાકૃતિક કૃષિ થકી જમીનનાં પોષક તત્ત્વો પણ જળવાઈ રહે છે તેમજ વરસાદી પાણી પણ જમીનમાં ઉતરવાના કારણે જમીનનું જળસ્તર પણ ઊંચું આવે છે.
તેમણે જણાવ્યું કે, દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડ સુક્ષ્મ જીવાણું હોય છે. ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન મળે છે. એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી કરવાનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન પણ સિદ્ધ કરી શકાશે.
રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ વિશે વિગતો આપતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, છેલ્લાં ચાર વર્ષ દરમિયાન રાજ્યમાં ૮.૫૦ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. વધુમાં વધુ ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો.
તેમણે દ્ષ્ટાત ટાંકતાં જણાવ્યું કે, હરિત ક્રાંતિની શરૂઆત સમયે સમગ્ર ભારત દેશની ધરતીનો ઓર્ગેનિક કાર્બન ૨ થી ૨.૫૦ ટકા હતો. ગત વર્ષે આવેલા રીપોર્ટ મુજબ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ધટીને ૦.૩, ૦.૪, ૦.૫ થઈ રહ્યું છે. જે જમીનનુ ઓર્ગેનિક કાર્બન ૦.૫ થી નીચું જાય ત્યારે તેને વેરાન જમીન કહેવાય છે. આપણી ધરતી ઉજ્જડ થઈ ચુકી છે. જેને બચાવવી હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે.
આ અવસરે ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંધાણીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રોજેકટના સંશોધનની શરૂઆત કરવામાં આવી હતી. ખેડુતોની આવક ડબલ કરવાના પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવામાં આ પ્રોજેકટ આર્શીવાદરૂપ બનશે. ગુજકોમાસોલ કેળની ખેતી કરતાં ખેડૂતો પાસેથી કેળના થડ મેળવશે જેનાથી ખેડૂતોને કેળના થડનો નિકાલ કરવાનો ખર્ચ બચી જશે અને આર્થિક લાભ થશે. ખેડુતોને સેન્ટરમાં ટ્રેનિંગ આપીને રાહતદરે મશીનરી પણ પુરી પાડવામાં આવશે. કેળના નકામા થડમાંથી ફાયબર, કાપડ, ખાતર સહિતની અનેક વસ્તુઓ બનાવી ગુજકોમાસોલ મારફતે માર્કેટીંગ કરીને ખેડુતોને વધારાની આવક મળતી થશે. આ ઉપરાંત તેમણે નેનો યુરિયાની શોધના કારણે કરોડોનું વિદેશી હુડિયામણ બચત થઈ રહ્યું હોવાનું જણાવીને આગામી સમયમાં ખેડુતોની ખેતપેદાશોના ભાવ વાવેતર કર્યા પહેલા નક્કી કરીને ઉચી કિંમતે ખરીદી કરવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી.
આ અવસરે ગુજકોમાસોલના વાઈસ ચેરમેન શ્રી બિપીનભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ખેડુતોની આવક ડબલ કરવાના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકારિત કરવાના ભાગરૂપે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને પર્યાવરણનું રક્ષણ થાય તેવા આશયથી ગ્રીન બનાના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી કેળાની ખેતી કરતા ખેડુતો પાસેથી કેળથડ ખરીદીને તેમાંથી નવીનવી વસ્તુઓ બનાવવામાં આવશે. જેથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે. આભારવિધિ ગુજકોમાસોલના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી દિનેશ સુથારે કરી હતી.
આ પ્રસંગે બનાના ફાઈબર પ્રોજેક્ટમાં માતબર પ્રદાન બદલ નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી ચિરાગ દેસાઈનું રાજયપાલશ્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આ અવસરે કુષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, સહકાર રાજયમંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ, આદિજાતિ, ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જિલ્લાના અધિકારીઓ, જિલ્લા અગ્રણી શ્રી મારુતિ સિંહ અટોદરિયા, સહકારી આગેવાનો તથા પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.