NavBharat
Entertainment

ફિલ્મ ફેર એવોર્ડ્સ રાજ્યની સિનેમેટિક અને ટુરિઝમ કૉમ્યુનિટી માટે ઐતિહાસિક અવસર સાબિત થશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતની ક્ષમતાઓ અને સંભાવનાઓ પર વિશેષ ચર્ચા માટે આયોજિત પ્રિ-ઇવેન્ટ સમિટ દરમિયાન કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસે પ્રવાસન ક્ષેત્રે નવી તકોના દ્વારા ખોલ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં ફિલ્મ પ્રોડક્શનને પ્રોત્સાહન આપવાના હેતુથી વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી સરકારે ૨૦૨૨માં રાજ્યની પ્રથમ સિનેમેટિક ટુરીઝમ પોલીસી લોન્ચ કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ ઇવેન્ટ દરમિયાન ઉપસ્થિત ફિલ્મજગતના અગ્રણીઓને ગુજરાતની સિનેમેટિક ટુરીઝમ પોલીસીનો લાભ લેવા અને ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ફિલ્મ નિર્માતાઓ, કલા કસબીઓ અને અગ્રણીઓ સમક્ષ ગુજરાતમાં આગામી સમયમાં આયોજિત થનાર ૬૯માં ફિલ્મફેર એવોર્ડની પૂર્વ તૈયારીઓની પ્રિ-ઇવેન્ટમાં સંબોધન કરી રહ્યાં હતાં.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાનાર ફિલ્મ ફેર એવોર્ડ્સ જેવી આ ઇવેન્ટ્સ રાજ્યની સિનેમેટિક અને ટુરિઝમ કૉમ્યુનિટી માટે ઐતિહાસિક અવસર સાબિત થશે.

એટલું જ નહિ, આવી ઇવેન્ટ્સના માધ્યમથી રાજ્યમાં ટુરિઝમ અને કલ્ચરનું પ્રમોશન, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં રોજગારીની નવી તકો ઊભી થશે.

તેમણે ગુજરાતમાં ૬૯માં ફિલ્મફેર અવૉર્ડ્સના ભાવિ આયોજન માટે રાજ્યના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને વર્લ્ડ વાઈડ મીડિયા વચ્ચે થયેલા એમઓયુને ગુજરાત માટે સૌથી મોટી સિદ્ધિ ગણાવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પનાને ગુજરાતે પ્રવાસનના માધ્યમથી ચરિતાર્થ કરી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી કાળમાં ગુજરાતમાં ટૂરિઝ્મ અને ફિલ્મ શૂટિંગના પ્રોત્સાહન માટે થયેલા અનેક સફળ પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમના સમયમાં શરૂ થયેલા ખુશ્બુ ગુજરાત કી, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ઔર કુછ દિન તો ગુજારિએ ગુજરાત મેં જેવા કૈંપેઇન આજે પણ દેશવાસીઓના લોકજીભે રમી રહ્યાં છે. આ કારણે જ ગુજરાત ટુરીઝમની સાથે ફિલ્મ શૂટિંગ અને ફિલ્મ પ્રોડક્શન માટે પણ ‘મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન’ બન્યું છે.

ગુજરાતમાં અનેક વર્લ્ડ ક્લાસ ટુરીસ્ટ ડેસ્ટિનેશન ઉપલબ્ધ છે જે ફિલ્મોના શૂટિંગ માટેની ઉત્તમ સુવિધાઓ ધરાવે છે. આ સંદર્ભમાં તેમણે બ્લુ ફ્લેગ દરજ્જો પ્રાપ્ત શિવરાજપુર બીચ, સાપુતારા, ગીરના જંગલો, કચ્છનું રણ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પ્રવાસન આકર્ષણોની વિસ્તૃત છણાવટ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે કોઈ રાજ્યમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવે છે ત્યારે તેને સંલગ્ન આખી ઇકોસિસ્ટમ પણ વિકાસ પામે છે. ફિલ્મ બને છે ત્યારે સાથે સાથે પ્રત્યક્ષ કે પરોક્ષપણે અન્ય ક્ષેત્રોને પણ મોટો લાભ મળે છે તેમજ રોજગારના અવસર ઉભા થાય છે.

ફિલ્મ પ્રોડક્શન સાથે જોડાયેલા અગ્રણીઓએ ગુજરાતના પ્રવાસન સ્થળો તેમજ શૂટિંગ લાયક આકર્ષક સ્થાનો અંગે જાણવામાં રસ દાખવ્યો હતો.

પ્રવાસન સચિવ હરિત શુક્લાએ રાજ્ય સરકારની પ્રવાસન અને ફિલ્મ પ્રોડક્શન અંગેની પ્રોત્સાહક નીતિની વિગતે સમજ આપી હતી.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા, ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તેમજ ફિલ્મ જગત સાથે જોડાયેલા નિર્માતાઓ, કલાકાર કસબીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

સા રે ગા મા પાના સેટ પર જાવેદ જાફરીનો દિકરા મીઝાન એ તેના પિતાના પ્રસિદ્ધ ગીત ‘બોલ બેબી બોલ રોક-એન-રોલ’ પર ડાન્સ કર્યો

Navbharat

ગદર 2: સની દેઓલ, અમીષા પટેલની ફિલ્મને U/A પ્રમાણપત્ર મળ્યું

Navbharat

શું એક સાસુ તેની ભવિષ્યની વહુને ઉછેરી શકશે…?

Navbharat