NavBharat
Gujarat

નેશનલ હૅન્ડલુમ દિવસ: ગુજરાતની વિસરાતી કળા-કારીગરીને ODOP આપશે જીવતદાન

કેન્દ્ર સરકારની ‘One District, One Product (ODOP) પહેલ ગુજરાતની ‘વિસરાતી’ કળા-કારીગરીને જીવતદાન આપનારી બની રહેશે. રાજ્ય સરકારે ODOP હેઠળ રાજ્યના દરેક જિલ્લાની એક કે તેથી વધુ મહત્વની વસ્તુઓને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટે તૈયારીઓ કરી છે.

7મી ઑગસ્ટના રોજ જ્યારે નેશનલ હૅંડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવે છે , ત્યારે રાજ્ય સરકારે ODOP હેઠળ હસ્તકળા-હાથશાળ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આયોજન હાથ ધર્યું છે.

ODOP પહેલનો ઉદ્દેશ દેશનાં તમામ જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપીને દેશ અને તેનાં લોકોને આત્મનિર્ભર બનાવવાનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાનો છે. આ યોજના અંતર્ગત દરેક જિલ્લામાંથી એક વિશિષ્ટ ઉત્પાદનની પસંદગી કરી,તેનું બ્રાન્ડિંગ અને પ્રમોશન કરી દેશ અને દુનિયાભરમાં જાણીતી બને તે માટે પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં હાથશાળ અને હસ્તકલા સહિત વિવિધ ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે.

આ આયોજનના ભાગરૂપે ગુજરાતમાં જુદા-જુદા ક્ષેત્ર સાથે જોડાયેલા કારીગરોને બજારની માંગને અનુરૂપ તાલીમ, ડિઝાઇન માટે માર્ગદર્શન, માર્કેટ સાથે જોડાણ, ઉત્પાદનમાં વૈવિધ્ય માટે સહાય, મૂલ્યવર્ધન, ગુણવત્તા ચકાસણી માટેની સવલતો અને અસરકારક બ્રાંડ પ્રમોશનની સહાય આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના ઉત્પાદનોની ડોમેસ્ટિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓળખ ઉભી કરવાના હેતુથી ૨૦૨૩-૨૪થી રાજયમાં ‘વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ’ (ODOP) સહાયની યોજના અમલમાં મૂકવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આ યોજના માટે રૂ. ૫૮ કરોડની ગ્રાંટની મંજૂરી આપી છે.

આ યોજનાના અમલીકરણ માટે સચિવશ્રી અને કમિશનરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગને આ યોજના માટે નોડલ એજન્સી તરીકે નીમવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (GSHHDC) દ્વારા આ યોજનાનું અમલીકરણ શરુ કરી દેવાયું છે.

Gujarat State Handloom & Handicraft Development Corporation (GSHHDC) ના મૅનેજિંગ ડાયરેક્ટર શ્રી લલિત નારાયણસિંહ સાંદુએ આ અંગેની વિગતો આપતા જણાવે છે ” ગુજરાતમાં ODOP અંતર્ગત ચોક્કસ ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી બજારમાં તેની શાખમાં વૃદ્ધિ કરી શકાય.” દાખલા તરીકે – સુજની’ હેન્ડલૂમ, જામનગરની બાંધણી અને પાટણના પટોળા.તેઓ ઉમેરે છે કે આ ઉત્પાદનો માટે GeM (ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ) પર ઑનબોર્ડિંગ ડ્રાઇવ પણ હાથ ધરવામાં આવી છે.

આ અભિયાનને વધુ પરિણામલક્ષી બનાવવા માટે નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે. જેમ કે, ખંભાત જિલ્લાના અકીક પથ્થરની કારીગરી અને ભરૂચ જિલ્લાની ‘સુજની’ કળા માટે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન (NID) અને નેશનલ ઇંસ્ટીટયૂટ ઑફ ફૅશન ટેકનોલૉજી (NIFT)એવર્કશોપ યોજી સહયોગ આપ્યો છે.

ભરૂચની ‘સુજની’ કળા થશે પુનર્જીવિત

ODOP હેઠળ રાજ્યના 33 જિલ્લાઓની એક, બે અથવા ત્રણ મહત્વની કળા-કારીગરીની પસંદગી કરવામાં આવી છે. આવી વસ્તુઓમાં સૌથી મહત્વની છે ભરૂચની ‘સુજની’ કળા. ‘સુજની’ એ રજાઈ બનાવવા માટેની અતિ પ્રાચીન કળા છે કે જે લગભગ લુપ્તપ્રાય થવાના આરે છે, પરંતુ હવે ODOP હેઠળ ભરૂચની આ ‘સુજની’ કળાનો સમાવેશ કરાયો છે.

સુજની કળા : ગૌરવશાળી ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

‘સુજની’ કળાનો ઇતિહાસ જોઇએ, તો આ કળા ભરૂચમાં સને 1815માં એક મુસ્લિમ પરિવાર દ્વારા વિકસાવવામાં આવી હતી. ધીરે-ધીરે આ કળા ભરૂચની ઓળખ બની ગઈ હતી, પરંતુ આધુનિકતાની આંધીમાં આ કળા લુપ્તપ્રાય સ્થિતિમાં હતી અને તે માત્ર એક જ પરિવાર સુધી સિમિત બની ચૂકી હતી. જોકે હવે ODOP હેઠળ ‘સુજની’ કળાને પુનર્જીવિત કરવામાં આવશે અને હાલમાં ભરૂચમાં લગભગ 20 યુવાનો ‘સુજની’ કળાની તાલીમ લઈ રહ્યા છે.

ખંભાતના અકીક પત્થર મેળવશે વૈશ્વિક ઓળખ

સુજની કળાની જેમ જ ODOP હેઠળ ખંભાતના અકીક પથ્થર અને તેમાંથી બનતા ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ આપવાનો પ્રયાસ જારી છે. ખંભાતમાં સોના-ચાંદીના નહિં, પણ અકીકના પથ્થરોથી બનતા ઘરેણા વિશ્વ પ્રસિદ્ધ છે, પરંતુ આ પથ્થર તરાશનાર કારીગરોની વિવિધ આરોગ્યલક્ષી સમસ્યાઓને પગલે આ કળા-કારીગરીમાં ઓટ આવી રહી છે. ODOP હેઠળ આણંદ જિલ્લાના મહત્વના ઉત્પાદનમાં અકીકની કળા-કારગરીનો સમાવેશ કરાયો છે કે જેથી હવે ખંભાતના અકીકના પથ્થરોની કળા-કારીગરીને નવું બજાર અને નવું જીવન મળશે.

કળા-કારીગરી માટે કેવી રીતે વરદાન બનશે – One District, One Product(ODOP) ?

રાજ્ય સરકારે ODOP ઉત્પાદનોની ઇકો સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગને જવાબદારી સોંપી છે કે જેના સંદર્ભે ODOP ને લગતા વિવિધ વિભાગો/કચેરીઓને સાથે લાવવામાં આવશે. કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગે તેની નવી કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ નીતિમાં ODOP યોજનાને આવરી લીધી છે. આ યોજના અંતર્ગત કૉમન ફૅસિલિટી સેંટર, કૌશલ્યવર્ધક તાલીમ, ઈ-કોમર્સ પ્લેટફૉર્મ્સ, એમ્પોરિયમ્સ, મેળા અને પ્રદર્શનો મારફતે બજાર સાથે જોડાણ, બ્રાન્ડિંગ અને નવીન સહકારી મંડળીઓ ઉભી કરી ઉત્પાદન તેમજ તેની ગુણવત્તા વધારી તેને દેશ અને વિશ્વભરમાં પ્રખ્યાત કરવાના પ્રયત્નો કરવામાં આવશે.

રાજ્યના દરેક જિલ્લામાંથી મહત્વની કળા-કારીગરીની પસંદગી

ODOP યોજના હેઠળ જિલ્લાના સાંસ્કૃતિક અથવા ઐતિહાસિક મહત્વ ધરાવતા ઉત્પાદનો અથવા હસ્તકલાને પસંદ કરવામાં આવ્યા છે અને સઘન પ્રયાસો દ્વારા તેના વિકાસ અને પ્રમોશનની કામગીરી કરવામા આવી રહી છે. આ યોજના અંતર્ગત રાજ્યના 21 જિલ્લાઓમાંથી હસ્તકલા-હાથશાળ ક્ષેત્રના 25થી વધુ ઉત્પાદનોની પસંદગી કરવામાં આવી છે કે જેમાં ગામઠી બ્લૉક પ્રિન્ટ અને માતા-ની-પછેડી જેવી પરંપરાગત હસ્તકલાનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાં One District,One Product(ODOP) હેઠળ પસંદગી પામેલી હસ્તકલા- કારીગરી

 અમદાવાદ – ટેરાકોટા અને માતાની પછેડી/સૌદાગરી બ્લૉક પ્રિંટ
 અમરેલી – મોતી કામ
 આણંદ – અકીક પથ્થર
 બનાસકાંઠા સુફ એમ્બ્રૉઇડરી/એપ્લિક ((Suf Embroidery/Applique)
 ભરૂચ – સુજની રજાઈ વણાટ કળા
 ભાવનગર – મોતી કામ
 છોટા ઉદેપુર – પિઠોરા પેંટિંગ
 દેવભૂમિ દ્વારકા – ખંભાળિયા શૉલ
 ગાંધીનગર – વુડ વર્ક/બ્લૉક મેકિંગ
 સાબરકાંઠા – ટેરાકોટા
 જામનગર – બાંધણી
 જુનાગઢ – મોતી કામ
 કચ્છ – હૅંડીક્રાફ્ટ વસ્તુઓ
 મોરબી – માટી કામ
 નર્મદા – વાંસના ઉત્પાદનો
 નવસારી – વારલી ચિત્રકળા
 પાટણ – ડબલ ઇકત વણાટ પટોળા
 રાજકોટ – સિંગલ ઇકત વળાટ
 સુરત – સાડેલી કળા
 સુરેન્દ્રનગર – સિંગલ ઇકત વળાટ પટોળા
 તાપી – વાંસના ઉત્પાદનો

‘વોકલ ફૉર લોકલ’ તથા ‘ગરવી-ગુર્જરી’ બ્રાંડ સાથે બિઝનેસ ડેવલપમેંટ પ્લાન તૈયાર કરાશે

જિલ્લાઓમાં થયેલ બેઝ લાઇન સર્વેના આધારે જે-તે ઉત્પાદન માટે બિઝનેસ ડેવલપમેંટ પ્લાન (Business development plan) તૈયાર કરવામાં આવશે. પ્રોજેકટ મૂલ્યાંકન સમિતિ બિઝનેસ ડેવલપમેંટ પ્લાનની સમીક્ષા કરીને મંજૂરી આપશે. મંજૂરી બાદ મંજૂર થયેલ બિઝનેસ ડેવલપમેંટ પ્લાન મુજબ યોજનાનું જે-તે જિલ્લામાં અમલીકરણ કરવામાં આવશે. ‘વોકલ ફોર લોકલ’ના ઉદ્દેશથી ODOP અંતર્ગત ‘ગરવી-ગુર્જરી’ બ્રાંડ તરીકે પ્રસિધ્ધ થાય; તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ યોજના અંતર્ગત સ્ટાર્ટઅપ્સને પણ સહાય મળવાપાત્ર થશે.

શું કહે છે સુજની કલાકારો ?

ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં રહેતા 56 વર્ષના સુજનીવાલ મુઝ્ઝકીર કહે છે કે , અમારી પાંચ પેઢીથી અમે સુજની કળા સાથે સંકળાયેલા છીએ. તેઓ કળાના ભવ્ય ભૂતકાળને યાદ કરતા કહે છે કે, અગાઉ અમારે ત્યાં 30 થી 35 કારીગરો સાળ કામ કરતાં, પણ સ્પર્ધા અને અન્ય પરિબળોના કારણે કળાનું અસ્તિત્વ જોખમાયું. શ્રી સુજનીવાલ કહે છેકે, સુજની કારીગરોની ભાવિ પેઢીને તૈયાર કરવા માટે તાલીમ કમ ઉત્પાદન કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. તેઓ કળાને મળી રહેલા પ્રોત્સાહન અંગે કહે છે કે, સરકારના સહયોગથી ભરૂચની સુજનીકળા માટે GI ટેગ મેળવવાની પણ પ્રક્રિયા હાથ ધરી છે.

રેવા સુજની સેન્ટરમાં હાલ તાલીમ રહેલી આદિવાસી વિદ્યાર્થની પીનલ વસાવા કહે છે કે, ધોરણ 10 બાદ હું સિલાઈ કામ શીખતી હતી અને મને સુજની કળાની તાલીમ વિશે જાણવા મળ્યું. અને મેં આ કળા શીખવાનું શરુ કર્યું. તે કહે છે કે, આ કળા શીખવાનો તેમનો અનુભવ રસપ્રદ રહ્યો. શ્રી પીનલ કહે છે , મને ટ્રેનિંગ સેન્ટરમાં સુજની કળામાં ડિઝાઈન અને કલર કોમ્બિનેશનની પ્રક્રિયામાં આનંદ આવે છે. પીનલને આ તાલીમ માટે નિયમિત સ્ટાઈપેન્ડ પણ મળે છે. તે ઈચ્છે છે કે ભવિષ્યમાં તેની પોતાની એક સાળ હોય.

છેલ્લા ચાર મહિનાથી સુજનીકળા શીખી રહેલા તુષાબહેન સોલંકી કહે છે કે મારા બાળકોને સારુ શિક્ષણ મળે તે માટે હું કમાણીની તક શોધતી હતી. મને સુજની કળા વિશે જાણવા મળ્યું. અને હુ તેમાં જોડાઈ. તુષાબહેન કહે છે હું કોટેજ પોલીસી હેઠળ સુજનીનું મારું પોતાનું ઉત્પાદન કરવા માગુ છું. અને વણાટકળાની લુપ્ત થતી કળાને પુનર્જીવિત કરવાના પ્રયાસોમાં યોગદાન આપવા ઈચ્છું છું.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન વચ્ચે MOU સંપન્ન

Navbharat

મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં રૂપિયા ૬૭.૬૯ કરોડની નર્મદા મુખ્ય નહેર આધારિત માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ

Navbharat

આગામી તા. ૬ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ યોજાનાર રાજ્યની મહાનગરપાલિકાઓ – નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવાની રહેશે

Navbharat