NavBharat
Gujarat

તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓનું ભણતર પૈસાના કારણે ના અટકે તેનું પુરતું ધ્યાન રાજ્ય સરકાર રાખી રહી છે: મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા

અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ કે તેથી ઉ૫રના તમામ અભ્યાસક્રમો માટે વિદેશ અભ્યાસ કરી પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે “ ડૉ આંબેડકર વિદેશ અભ્યાસ લોન” તેમજ “કોમર્શિયલ પાયલોટ તાલીમ” યોજના કાર્યરત છે. આ યોજના થકી તેમને નજીવા દરે લોન સહાય આપવામાં આવે છે. આજે ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તથા રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભિખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં ૧૦૯ જેટલા વિદેશ જનાર વિદ્યાર્થીઓને અભ્યાસમાં થતા ખર્ચને પહોંચી વળવા રૂ.૧૬ કરોડ ૪૫ લાખની લોન સહાયનું વિતરણ ઓનલાઈન વિદ્યાર્થીઓના ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વંચિતોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. અનુસૂચિત જાતિઓના વિકાસનું સર્વસ્પર્શી અસરકારક આયોજન રાજ્ય સરકારે કર્યું છે ત્યારે તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓનું ભણતર પૈસાના કારણે ના અટકે તેનું પુરતું ધ્યાન રાજ્ય સરકાર રાખી રહી છે. જે હેતુથી “ ડૉ આંબેડકર વિદેશ અભ્યાસ લોન” તેમજ “કોમર્શિયલ પાયલોટ તાલીમ” યોજના અંતર્ગત અનુક્રમે રૂ.૧૫.૦૦ લાખ તેમજ રૂ.૨૫.૦૦ લાખની લોન નજીવા દરે આપવામાં આવે છે. આ યોજનાનો મહત્તમ લાભ લઇને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી બનાવવા મંત્રીશ્રીએ અનુરોધ કરી તેઓ ઉચ્ચ કારર્કિર્દી મેળવે તે બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
મંત્રીશ્રીએ ઉચ્ચ અભ્યાસ અર્થે જનાર વિદ્યાર્થી તથા વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન વાલીઓએ જણાવ્યું હતું કે, આ યોજના થકી અનુસૂચિત જાતિઓના અનેક વિદ્યાર્થીઓના વિદેશ જવાના તથા પાયલોટ બનવાના સપના સાકાર થયા છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાથી લઈને તેમના ખાતામાં પૈસા આવવા સુધીની સમગ્ર પ્રક્રિયા સંપુર્ણ પારદર્શીતાથી કરવામાં આવે છે. જેના થકી સામાન્ય આવક ધરાવતા પરિવારના દિકરા-દિકરીઓ પણ વિદેશ જવાનું તથા પાયલટ બનવાનું સપનું જોઈ રહ્યા છે. આંગણવાડીથી લઇને અવકાશ સુધી જવાનુ સપનું ભારતની દિકરીઓ જોઇ રહી છે જેને “કોમર્શિયલ પાયલોટ તાલીમ” યોજનાના લાભાર્થી હનીબેન કોઠાવાલા ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છે તે બદલ તેમના પિતાએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના નિયામકશ્રી રચિત રાજ, સંયુક્ત નિયામકશ્રી આર.બી.ખેર સહિત ખાતાના અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

G-20 નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરો (FMCBG) અને G-20 ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટી (FCBD)ની ત્રીજી બેઠક આવતીકાલે ગાંધીનગર, ગુજરાત ખાતે યોજાશે

Navbharat

ગુજરાતમાં વર્ષ-૨૦૨૩-૨૪ની સિઝનમાં અંદાજે રૂ.૨૬૮ કરોડની કેરીનું વેચાણ :૬.૧૩ લાખ મેટ્રિક ટન કેરીનું કરાયું વેચાણ

Navbharat

ભુજ ખાતે કેન્દ્ર સરકારની ટીમે બેઠક યોજીને બિપરજોય વાવાઝોડાં અંગે કચ્છ વહીવટીતંત્રની કામગીરીની સમીક્ષા કરી

Navbharat