NavBharat
Gujarat

જીવનમાં ભૌતિકતા અને અધ્યાત્મિકતા; બન્નેના સુયોગથી જ સાચો આનંદ માણી શકાશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

બ્રહ્માકુમારીઝ દ્વારા માઉન્ટ આબુમાં ‘સકારાત્મક પરિવર્તનની કળાથી આનંદમય જીવન’ વિષય પર આયોજિત રાષ્ટ્રીય સંમેલનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું પ્રેરક ઉદ્બોધન
————–
વેદ-શાસ્ત્રોની ભારતીય સંસ્કૃતિમાં નકારાત્મકતાને કોઈ સ્થાન નથી : આપણું વૈદિક સાહિત્ય હકારાત્મકતાનો ખજાનો છે
—————–
આપણું મન જ ઈસ્ટ કે અનિષ્ટનું કેન્દ્ર છે. એટલે મનને હંમેશા નિયંત્રણમાં રાખો
——————-
બ્રહ્માકુમારી જેવા પવિત્ર સ્થળો આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરે છે
———————–
ભૌતિકવાદ અને અધ્યાત્મવાદ, ભૌતિકતા અને અધ્યાત્મિકતા; આપણે બંનેને સાથે લઈને, એકબીજાના સહાયક બનાવીને આગળ વધીશું તો જ સાચી પ્રગતિ કરી શકીશું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માઉન્ટ આબુમાં બ્રહ્માકુમારીના વડામથકમાં આયોજિત રાષ્ટ્રીય સંમેલનમાં બોલતાં કહ્યું હતું કે, આધ્યાત્મિક વિકાસ વિના આપણે ભૌતિક વસ્તુઓનો સુયોગ્ય ઉપયોગ નહીં કરી શકીએ. વિજ્ઞાન અને આધ્યાત્મિકતા એકબીજાના પૂરક બને. વ્યક્તિમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંને હશે તો જ જીવનનો સાચો આનંદ માણી શકાશે.

બ્રહ્માકુમારીના કળા અને સંસ્કૃતિ પ્રભાગ દ્વારા માઉન્ટ આબુમાં ‘સકારાત્મક પરિવર્તનની કળાથી આનંદમય જીવન’ વિષય પર રાષ્ટ્રીય સંમેલન અને રાજયોગ રિટ્રીટનું આયોજન કરાયું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે પોતાના ઉદ્બોધનમાં કહ્યું કે, ભારતના વૈજ્ઞાનિકોના પ્રયત્નોથી યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચંદ્રયાન-૩ના માધ્યમથી ભારતે ચંદ્ર પર પહોંચવામાં સફળતા હાંસલ કરી છે. આજે આદિત્ય એલ-વન મિશન પણ સફળતાપૂર્વક લૉન્ચ થયું છે. વિજ્ઞાન અને ભૌતિકતામાં આપણે ઘણી પ્રગતિ કરી છે. આપણે અધ્યાત્મિક ક્ષેત્રે પણ પ્રગતિ કરવાની છે. બ્રહ્માકુમારી જેવા કેન્દ્રો, સંસ્થાઓ અને સંગઠનો ભારતનો આત્મા છે, જે માનવતાનું મોટું સેવાકાર્ય કરી રહ્યા છે.


શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વેદ-શાસ્ત્રોની ભારતીય સંસ્કૃતિમાં નકારાત્મકતાને કોઈ સ્થાન નથી. આપણું વૈદિક સાહિત્ય હકારાત્મકતાનો ખજાનો છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં માત્ર અને માત્ર સકારાત્મક વિચારસરણી છે. આપણી તમામ સમસ્યાઓનું નિરાકરણ સકારાત્મક વિચારો છે. આપણે પહેલા આપણી ભીતરના શત્રુઓ; વાસના, ક્રોધ, લોભ, આશક્તિ અને અહંકાર પર વિજય મેળવવાનો છે. બહારની દુનિયા તો જીતી લઈશું, પણ અંદરના આ શત્રુઓને જીતીશું તો જ એ સાચી જીત હશે.

સિકંદરનું ઉદાહરણ વિગતે કહેતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દુનિયાને હરાવી ચૂકેલો સિકંદર ભારત આવ્યો ત્યારે પોતાના ગુરુજી માટે ભારતથી એક સંતને પોતાની સાથે લઈ જઈ શક્યો ન હતો. સિકંદરે ભારતના જંગલમાં મળેલા એક સંતને પોતાના શૌર્યથી ડરાવવાનો પ્રયત્ન કર્યો, તો એ સંતે એવો જવાબ આપ્યો હતો કે, તું મારા શરીરને ડરાવી શકીશ, મારી શકીશ. પણ આત્મા પર તારો અંકુશ નથી. આત્માને કોઈ હણી શકતું નથી. ભારતીય સંતના આવા ઉત્તર સામે સિકંદરે પણ પોતાના હથિયાર હેઠા મૂકી દીધા હતા. ભારતની આધ્યાત્મિકતા અને વૈદિક વિચારો વિશ્વવ્યાપી વિચારો છે.

મેદાનમાં લડતાં પહેલાં યુદ્ધ આપણા મનમાં લડાતું હોય છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ક્રોધ પહેલાં તો આપણને જ ભસ્મીભૂત કરે છે, પછી અન્યને દઝાડે છે. ગુસ્સો પહેલાં આપણા મનને દૂષિત કરે છે, પછી અન્યને નુકસાન કરે છે. આપણું મન જ ઈસ્ટ કે અનિષ્ટનું કેન્દ્ર છે. એટલે મનને હંમેશા નિયંત્રણમાં રાખો. મન આપણાં નિયંત્રણમાં હશે તો આપણે હકારાત્મકતા- સકારાત્મકતા તરફ જઈ શકીશું. મન આપણા અંકુશમાં હશે તો જીવનમાં સહનશીલતા, કરુણા, દયા, પવિત્રતા અને આનંદ હશે. સાચા આનંદના દ્વાર આપોઆપ ઉઘડશે. ભારતીય ઋષિમુનિઓએ જ વસુધૈવ કુટુમ્બકમ્ નો વિચાર આ વિશ્વને આપ્યો છે. આખું વિશ્વ મારું છે અને હું આખા વિશ્વનો છું; જીવન જીવવાની સાચી રીત જ આ છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, તમારા આત્મામાં અન્યના આત્માની અનુભૂતિ કરો છો અને અન્યના આત્મામાં પોતાની જાતને જોવાનું શરૂ કરો છો ત્યારે ઈશ્વરીય અનુભૂતિ થાય છે. અન્યના દુઃખના આંસુ પોતાની આંખોથી વહાવી શકીએ એ જ સાચી માનવતા છે. ભારતીય વેદ, તત્વજ્ઞાન, નિરુક્ત, જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણ, શાસ્ત્રો, રામાયણ અને ગીતા જેવા ગ્રંથો આપણા ઋષિમુનિઓનું ચિંતન છે, જીવનનો સાર છે. આપણી આવનારી પેઢીઓને આ ગ્રંથો-શાસ્ત્રોનો પરિચય અને દર્શન કરાવવાની આવશ્યકતા છે. આમ થશે તો જ જીવન જીવવાનો સાચો માર્ગ મળશે.

બ્રહ્માકુમારી જેવા પવિત્ર સ્થળો આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરે છે એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આજે અધ્યાત્મિકતા અને ભૌતિક બંને ક્ષેત્રે સમાન રીતે વિકાસની દિશામાં છે ત્યારે વ્યક્તિગત રીતે સદગુણો કેળવીએ એ જ વર્તમાન સમયની માંગ છે.

બ્રહ્માકુમારીના કળા અને સંસ્કૃતિ પ્રભાગના અધ્યક્ષ રાજયોગીની બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદીએ પોતાના ઉદ્બોધનમાં કહ્યું હતું કે, સકારાત્મકતા માટે માનસિકતા બદલવી પડશે. સંપૂર્ણ સકારાત્મક વિશ્વની સ્થાપના માટે બ્રહ્માકુમારીના માધ્યમથી ૧૩ લાખ થી વધુ સંપૂર્ણ સકારાત્મક યુવા ભાઈ-બહેનો, વડીલો અને બાળકો પ્રયત્નશીલ છે. તેમણે ઉપસ્થિત સૌને પોતાના જીવનમાં સંપૂર્ણ સકારાત્મકતા અપનાવીને, સકારાત્મક ચિંતનથી સ્વપરિવર્તનથી વિશ્વ પરિવર્તનનું કાર્ય કરવામાં સંપૂર્ણ યોગદાન આપવાના સંકલ્પ લેવડાવ્યા હતા.

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેત્રી શ્રીમતી મધુ શાહે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

ઝોનલ કો-ઓર્ડીનેટર અને કળા તથા સંસ્કૃતિ પ્રભાગના ગુજરાતના અધ્યક્ષ રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિ બહેને સૌને રાજયોગની અનુભૂતિ કરાવી હતી.

આ અવસરે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, બ્રહ્માકુમારીના સંયુક્ત મુખ્ય પ્રશાસિકા રાજયોગીની બ્રહ્માકુમારી મુન્ની દીદી, રાજયોગીની બ્રહ્માકુમારી નિર્મલા દીદી, એક્ઝિક્યુટિવ સેક્રેટરી રાજીયોગી શ્રી મૃત્યુંજયભાઈ, બ્રહ્માકુમારીના ગાંધીનગરના ડાયરેક્ટર રાજયોગીની બ્રહ્માકુમારી કૈલાશ દીદી, માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર રાજયોગી શ્રી ડૉ. પ્રતાપ મિડ્ઢા, કળા અને સંસ્કૃતિ પ્રભાગના મુંબઈના અધ્યક્ષ અને ઝોનલ કો-ઓર્ડીનેટર રાજયોગીની બ્રહ્માકુમારી નીહાબેન તથા દેશભરમાંથી ઉપસ્થિત બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મિશેલિન સ્ટાર શેફ વિકાસ ખન્નાએ અમદાવાદમાં આયોજીત બર્ગનર રોડ શોમાં ભાગ લીધો

Navbharat

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત યુ.એ.ઇના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઈનાંશિયલ અફેર્સ શ્રીયુત મહોમ્મદ અલ હુસેની એ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે લીધી હતી.

Navbharat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ

Navbharat